Madhya Gujarat

કેમિકલવાળા પાણીથી પક્ષીના મોતની આશંકા

વિરપુર : વિરપુર તાલુકાના ચીખલી જોજા ગામના લાલુ તળાવના કિનારે અમદાવાદથી આવેલા ટેન્કરે કેમિકલ ઠાલવ્યું હતું. જેના કારણે પાણી દૂષિત થઇ ગયું હતું. આ દૂષિત પાણી પીવાથી અનેક પક્ષીના મોત થયાની આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. આ અંગે વન વિભાગને તપાસ કરવા પણ માંગણી ઉઠી છે. જોકે, તંત્ર અત્યારથી જ જવાબદારોને બચાવવામાં લાગી જતાં ચોતરફ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. વિરપુર તાલુકાના ચીખલી જોજા ગામના લાલુ તળાવના કિનારે વેસ્ટ કેમિકલ ટેન્કર ઠાલવતા ગ્રામજનો દ્વારા પકડવામાં આવેલા ટેન્કરનો ચાલક શીવપાલ અને અન્ય એક વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યાં હતાં. આ અગાઉ પણ ત્રણથી ચાર ટેન્કર કેમિકલ ખાલી કરવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

જોકે, સૌથી મહત્વની બાબત એ છે કે, કેમિકલવાળી જગ્યાએ પક્ષીઓના પીંછા અને કેમિકલથી મૃત પક્ષી નજરે જોવા મળ્યાં હતાં. આ વાત વાયુ વેગે પ્રસરતા લોકો પોતાની નજરોએ ઘટના સ્થળ પર જોવા માટે ઉમટ્યા હતા અને ઝેરી કેમિકલ પોતાના પશુ અને કુદરતી વાતાવરણમાં ફરતા મુંગા પ્રાણીઓને લઇ ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, કેમિકલ જમીનમાં ઉતરતા માનવ જાત ઉપર આડ અસર થવાની સંભાવનાથી સમગ્ર પંથકમા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ જગ્યા પર પડેલા પક્ષીના પીંછા અને અવશેષ બીજા દિવસે અદ્રસ્ય થતાં લોકો ભારે અચંબામાં પડી ગયા હતા અને આ અવશેષ વન વિભાગ દ્વારા કે પછી ટેન્કરના મળતીયાઓએ અહીંયાથી દુર કર્યા હશે ? તે એક પ્રશ્ન ઊભો થયો છે. જેના કારણે અનેક અટકળો મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ચર્ચાનો વિષય બની રહી છે. હવે તો પ્રજા તંત્રની કાર્યવાહી ઉપર નજર રાખીને બેઠી છે.

બે જિલ્લાની હદ તળાવ આવેલું છે
વટવા જીઆઈડીસીની ફેક્ટરીમાંથી કેમિકલ ભરી ધસી આવતા ટેન્કરો ચરોતરના તળાવોમાં કેમિકલ ઠાલવતા હોવાના બનાવો અવાર નવાર પકડાઇ છે. આ અગાઉ ખારકેટ કેનાલ, શેઢી નદી, મહિસાગર નદીમાં પણ કેમિકલ ઠાલવતા હોવાનું નેટવર્ક બહાર આવી ચુક્યાં છે. આ વખતે પણ કેમિકલ ઠાલવવા ટેન્કર ચાલકે અરવલ્લી જીલ્લાના માલપુર અને મહિસાગરના વિરપુરના ચીખલી જોજા ગામની વચ્ચે આવેલા તળાવને પસંદ કર્યું હતું.

એફએસએલ અને પ્રદૂષણ બોર્ડે સેમ્પલ લીધા
વિરપુરના ચીખલી ગામે કેમિકલ ઠાલવવાની ઘટના બની છે, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ફોરેન્સિક ઈન્વેસ્ટીગેશન તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેમ્પલ લેવાયા છે. પ્રાથમિક તપાસમાં આ કેમિકલ એસીડીક કેમિકલ કહેવામાં આવે છે. આ કેમિકલથી નાકમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ થાય તેવું એફએસએલ અધિકાર એ.એન. રાઠવાએ જણાવ્યું હતું.

પુનાજ-કુંજરા ગામના તળાવમાં અજાણ્યાં શખ્સોએ ઝેરી કેમિકલ ઠાલવતાં અસંખ્યે માછલીઓના મોતથી પર્યાવરણપ્રેમી રોષ
માતર તાલુકાના પુનાજ-કુંજરા ગામમાં મુખ્યે તળાવમાં ગત રાત્રીના સમયે કોઈ અજાણ્યાં શખ્સો કેરબા ભરીને ઝેરી કેમિકલ ઠાલવી ભાગી ગયાં હતાં. પાણીમાં કેમિકલ ભળવાથી તળાવમાંની અસંખ્ય માછલીઓના મોત નિપજ્યાં હતાં. મૃત માછલીઓ પાણીની સપાટી પર આવી ગઈ હતી. તે જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠાં થયાં હતાં. સરપંચ તેમજ અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લીધી હતી. તળાવની નજીકમાં જ પીવાના પાણીનો બોર છે, ત્યારે આ કેમિકલ બોરના પાણીમાં ભળવાની શક્યતા સેવાઈ રહી છે. આ મામલે પુનાજ-કુંજરા ગ્રામપંચાયતના સરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી, ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Most Popular

To Top