સુરત : સુરતથી (Surat) વધુ એક અંગદાન ડોનેટ (Organ donation) લાઈફ સંસ્થા દ્વારા મહાવીર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું. ગઢવાડા જૈન સમાજના હસમુખભાઈ મણીલાલ સંઘવીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી હસમુખભાઈના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. લિવર અને કિડની સમયસર હવાઈ માર્ગે અમદાવાદ (Ahemdabad) પહોંચાડવા માટે મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ (Surat airport) સુધીના માર્ગને સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા દેશના જુદા જુદા શહેરોમાં વિવિધ અંગો સમયસર પહોચાડવા માટે અત્યાર સુધી 104 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
નિલેશ માડલેવાળા એ જણાવ્યું હતું કે મૂળ મહેસાણાના રહેવાસી, હાલમાં 403, ચોથો માળ, તોરલ એપાર્ટમેન્ટ, કાલાપેશી મહોલ્લો, નાનપુરા, સુરત ખાતે રહેતા અને ફાયનાન્સના વ્યવસાય સંકળાયેલા હસમુખભાઈ મણીલાલ સંઘવી (ઉ.વ 58) ને તા. 15 ઓગસ્ટ ના રોજ રાત્રે 8:20 કલાકે માથામાં દુ:ખાવો અને ઉલટીઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં ન્યુરોફીઝીશીયન ડૉ. અમીષ શાહની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
તા. 16 ઓગસ્ટના રોજ ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રા, ન્યુરોફીજીશિયન ડૉ. અમીષ શાહ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અંકિત ગજ્જર, મેડીકલ ડીરેક્ટર ડૉ. નીમીષ પરીખે હસમુખભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી હસમુખભાઈની પુત્રી આયુષી, ભાઈઓ શાંતિભાઈ અને ભરતભાઈ, બનેવી યશવંતલાલ, બહેન મંજુલાબેન, સાળા કમલેશભાઈ, ભત્રીજા આશિષ અને હેમંત, જમાઈ ફેનિલ, વિમલકુમાર અને સંઘવી પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. આયુષીએ જણાવ્યું કે મારા પપ્પા બ્રેઈનડેડ છે, તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો રાખ જ થઇ જવાનું છે, ત્યારે મારા પપ્પાના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હસમુખભાઈના પરિવારમાં તેમના પત્ની ભાવનાબેન ઉ.વ 54 અને પુત્રી આયુષી ઉ.વ. 21 જે એક ખાનગી કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.
દાન માં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરના રહેવાસી 30 વર્ષીય યુવાનમાં અમદાવાદની કે.ડી હોસ્પીટલના ડૉ. દિવાકર જૈન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે. લિવર અને કિડની સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 104 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1165 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 480 કિડની, 207 લિવર, 48 હૃદય, 40 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 377 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1069 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.