સુરત: (Surat) ઓનલાઇન લોન (Online Loan) મેળવતા લોકો માટે લાલબત્તીસમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલીમાં રહેતી એક મહિલાએ બજાજ ફાયનાન્સની ઓનલાઇન વેબસાઇટ ઉપર રૂ.1.50 લાખની લોન મેળવવા રિક્વેસ્ટ કરી હતી. જેના આધારે બે ગઠિયા બજાજ ફાયનાન્સના (Bajaj Finance) નામે આવી મહિલાની પાસેથી અલગ અલગ ચાર્જના રૂ.37 હજાર પડાવી (Fraud) ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી મોર્યાનગર ખાતે રહેતા સુશીલ દુબે ઘર પાસે ગેરેજ ચલાવે છે. સુશીલની પત્ની કવિતા (ઉં.વ.૪૩)એ તા.૧૨ જુલાઈએ બજાજ ફાયનાન્સ કંપનીની વેબસાઈટ ઉપર રૂ.૧.૫૦ લાખની લોન મેળવવા ઓનલાઇન પ્રોસેસ કરી હતી. વેબસાઇટ ઉપર જરૂરી વિગતો ભરી મહિલાએ પોતાના ઘરનું સરનામું, નામ તેમજ મોબાઇલ નંબર આપ્યો હતો. બીજા દિવસે અજાણ્યાએ કવિતાબેનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમારી લોન એપ્રૂવલ થઇ ગઇ છે.
તમારે લોન પ્રેસોસ, ઇન્ફોર્મેશન ચાર્જ, ઇન્કમટેક્સ ચાર્જ સહિત રૂ.2350 ભરવા પડશે. 2350ની રકમ ભર્યા બાદ ઇ-મેઇલ અને વોટ્સઅપ મારફતે અલગ અલગ ચાર્જીસના રૂ.37 હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ અજાણ્યાઓએ બીજા રૂ.19 હજારની માંગણી કરતાં મહિલાને શક ગયો હતો. મહિલાએ લોન કેન્સલ કરાવીને પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. આ દરમિયાન ઠગબાજોએ લોન કેન્સલ કરાવવા માટે પણ બીજા 7500 માંગ્યા હતા. આખરે આ મામલે કવિતાબેનએ પોતાના પતિને કહીને ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરાવી છે.
ચેકરિટર્નના કેસમાં કરિયાણાના વેપારીને 1 વર્ષની કેદની સજા
સુરત : 3 લાખના ચેક રિટર્નના કેસમાં કરિયાણાના વેપારીને 1 વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ રાંદેરના રામનગર કોલોનીમાં મહેશ ભવનમાં રહેતા અને શ્રીનારાયણ ટ્રેડર્સના પ્રોપ્રાઇટર મહેશ કોટુમલ ચંદાણી કરિયાણાનો હોલસેલનો વેપાર કરતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત કાપડના વેપારી અને અડાજણ હનીપાર્ક રોડ ઉપર કથ્થક રો હાઉસમાં રહેતા હરીશ રતીલાલ પટેલની સાથે થઇ હતી. બંને વચ્ચે પારીવારિક સંબંધો પણ હતા. દરમિયાન મહેશભાઇને રૂપિયાની જરૂર પડી હતી અને તેઓએ હરેશભાઇની પાસેથી રૂા. 3.50 લાખ માત્ર 10 દિવસ માટે જ હાથ ઉછીના લીધા હતા. આ માટે મહેશભાઇએ ત્રણ ચેકો આપ્યા હતા. 10 દિવસ બાદ હરેશભાઇએ ત્રણેય ચેકો બેંકમાં જમા કરાવતા તે અપૂરતા ભંડોળથી રિટર્ન થયા હતા. જે અંગે મહેશભાઇને જાણ કરવા છતાં તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો કે, રૂપિયા પણ પરત આપ્યા ન હતા. આખરે હરેશભાઇએ વકીલ સાહિલ શાહ મારફતે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી મહેશભાઇને તકસીરવાર ઠેરવીને 1 વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર સ્વરૂપે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.