સુરત: દેશભરમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડને (GrishmaMurder) હજુ લોકો ભૂલ્યા નથી ત્યાં સુરતમાં એવી વધુ એક ઘટના બનતા બનતા રહી ગઈ છે. સુરતમાં 14 વર્ષીય કિશોરીનું ગળું ચીરી નાંખવાના ઈરાદે એકતરફી પ્રેમીએ ચપ્પુ લઈ હુમલો કર્યો હતો (Lover Attack On Girl) પરંતુ સદ્દનસીબે કિશોરી ખસી જતા ચપ્પુ તેના ગાલ પર વાગ્યો હતો અને તેનો ગાલ ચીરાઈ ગયો હતો. આ ઘટનામાં કિશોરીની માતાની ફરિયાદને આધારે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
- પાંડેસરામાં કિશોરી પર એકતરફી પ્રેમીનો હુમલો
- સદ્દનસીબે કિશોરીનો જીવ બચી ગયો
- લોકોને ગ્રીષ્મા હત્યાકાંડની યાદ આવી ગઈ
- પોલીસે હુમલાખોરના ભાઈને અટકમાં લઈ તપાસ હાથ ધરી
આ ઘટના પાંડેસરા વિસ્તારની છે. અહીંના ઉમિયા નગર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાની 14 વર્ષીય દીકરી પર એકતરફી પ્રેમીએ ચપ્પુથી હિંસક હુમલો કર્યો છે. કિશોરીની માતાએ પોલીસને જણાવ્યું કે તેમની મોટી 14 વર્ષની દીકરી ધો. 8માં અભ્યાસ કરે છે. ગઈ તા. 5મી ઓક્ટોબરની સવારે 9.45 કલાકે પોતે નોકરી પર જતી રહી હતી ત્યાર બાદ દીકરીઓ ઘરમાં હતી ત્યારે બપોરે 12 વાગ્યાના અરસામાં દીકરી બાથરૂમ જતી હતી ત્યારે સોસાયટીમાં જ રહેતો કિરણ ઉર્ફે કાલુ (ઉં.વ 22) હાથમાં ચાકુ લઈ ઘરમાં ઘુસી ગયો હતો અને કિશોરીને કહેવા લાગ્યો હતો કે તારે કોઈની સાથે અફેર છે કે નહીં? તેવું પૂછતા કિશોરીએ કહ્યું હતું મારે કોઈની સાથે અફેર નથી. તેમ કહેતા કિરણ ઉર્ફે કાલુએ તેની પાસેના ચાકુ વડે હુમલો કરી દીધો હતો. કિશોરીએ બચવા માટે તેની ગરદન હટાવી લેતા ચપ્પુ તેના ચહેરા પર વાગ્યું હતુ અને તેનો ગાલના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બીજી તરફ કિશોરીના જમણા ગાલ પર ઘા મારી કિરણ દોડી ગયો હતો. ગાલ પર ચપ્પુનો ઘા થતા લોહી નીકળવા લાગ્યું હતું. કિશોરી બુમાબુમ કરવા લાગતા પરિવારજનો અને પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી કિશોરીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગાલ પર 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે.
ઘણા મહિનાથી હુમલાખોર કિશોરીને હેરાન કરતો હતો
કિશોરીની માતાએ કહ્યું કે કિરણ ઉર્ફે કાલુ ઘણા સમયથી તેમની દીકરીને હેરાન કરતો હતો. તે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. પરંતુ કિશોરીએ મચક નહીં આપતા તેણે હિંસક પગલું ભર્યું છે. જાણવા મળ્યા અનુસાર હુમલો કર્યા બાદ કિરણ ઉર્ફે કાલુ વતન ભાગી છૂટ્યો છે. આરોપી મહરાષ્ટ્ર ભાગી ગયો છે. જો કે, પોલીસ આરોપીના ભાઈને ઉંચકતી લાવી પૂછપરછ હાથ ધરી હતી. આરોપી યુવક કિશોરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. પોલીસ હાલ આરોપીને શોધી રહી છે.