સુરત : (Surat) ઓઇલ ફેક્ટરી (Oil Factory) ધરાવતા વેપારીનો પુત્ર બાઇક ચોરીના (Bike Theft) રવાડે ચઢી ગયો હતો. ફરવા જવા માટે ખર્ચના રૂપિયા ઘરેથી માંગવા ન પડે તે માટે મોટરસાઇકલ ચોરી કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસે વેપારી પુત્ર સહિત બે યુવકોની ધરપકડ કરી હતી.
- ભીમરાડ રઘુવીર સીમ્ફોની કોમ્પલેક્સ સામેથી બે યુવકોને ચોરીની બાઈક સાથે ખટોદરા પોલીસે પકડ્યા
- આકાશ એન્કલેવમાં રહેતા જયના પિતા કતારગામમાં ઓઈલની ફેક્ટરી ચલાવે છે
- જય અને તેનો મિત્ર ચિંતન ભેગા મળી બાઈક ચોરતા
પ્રાપ્ત વિગતો મુજબ ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ ભીમરાડ કેનાલ રોડ ઉપર રઘુનીર સીમ્ફોની કોમ્પલેક્ષની સામે બે યુવકો ચોરીની મોટરસાઇકલ તેમજ મોપેડ લઇને જતા હોવાની બાતમી મળતા જ પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. પોલીસે અહીંથી ખટોદરા ભીમરાડ કેનાલ રોડ ઉપર આકાશ એન્કલેવમાં રહેતા જય ઉર્ફે કાન્યો જીતેન્દ્રભાઇ પટેલ તેમજ કતારગામ પારસ પોલીસ ચોકીની પાસે પારસ સોસાયટીમાં રહેતા ચિંતન સંજયભાઇ પીપલીયાને પકડી પાડ્યા હતા. જય પટેલના પિતા ઓઇલની ફેક્ટરી ધરાવે છે અને જય પણ ઓઇલ ફેક્ટરીમાં મદદરૂપ થતો હતો. આ દરમિયાન તે ચિંતન પીપલીયાના સંપર્કમાં આવ્યો હતો. ત્રણ મહિના પહેલા જય અને ચિંતને મળીને એક મોટરસાઇકલની ચોરી કરી હતી. ત્યારબાદ તેઓને મોટરસાઇકલ ચોરીની લત લાગી ગઇ હતી. જે મોટરસાઇકલમાં હેન્ડલ લોક માર્યા ન હોય તે મોટરસાઇકલને ધક્કો મારીને ચોરી કરવામાં આવતી હતી. જેમાં ચિંતન જયની માલિકીનું બુલેટ લઇને આવતો હતો, ત્યારબાદ જય ચોરવાની હોય તે મોટરસાઇકલ ઉપર બેસીને જતો રહેતો હતો. ચિંતન બુલેટથી ધક્કો મારતો હતો અને તેવી રીતે બંને મોટરસાઇકલની ચોરી કરતા હતા. પોલીસે આ બંનેની ધરપકડ કરીને રૂા. 76 હજારની કિંમતની બે મોટરસાઇકલ ચોરી કરી હતી.
કેવી રીતે બંને સંપર્કમાં આવ્યા
ઓઇલ ફેક્ટરીના માલિકનો પુત્ર જય અવારનવાર વેસુ ધીરજ સન્સની પાસે આવેલા બ્રેડ લાઇનર પાસે બેસવા માટે જતો હતો. ચિંતન પીપલીયા ત્યાં નોકરી કરતો હોવાથી તેના સંપર્કમાં આવ્યો હતો. ત્રણ મહિના પહેલા તેઓએ એક બાઇક ચોરી કર્યા બાદ તેઓએ મોપેડ ચોરી કરી હતી.