સુરત: આદ્યાશક્તિ મા જગદંબાની આરાધના માટે સૌ કોઈ ઉત્સાહિત છે. નવરાત્રિ (Navratri) નજીક આવે એટલે ખૈલાયાઓનાં હૈયાં હિલોળે ચડે છે એવી જ રીતે ઘરોમાં પરંપરાગત રીતે માતાજીની આસ્થાપૂર્વક પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રિમાં મા અંબેને ચૂંદડી ચડાવવાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. જો કે એક બાબત એ પણ છે કે, સુરતમાં (Surat) તૈયાર થયેલી માતાજીની ચૂંદડી (Chunddi) દેશના દરેક મંદિરમાં જોવા મળે છે.
સમયની સાથે સાથે જગદંબેની ચૂંદડીની ડિઝાઇન અને રંગોમાં પણ અનેક ફેરફાર આવ્યા
સુરતના કાપડના જથ્થાબંધ વેપારી હરીશ લાલવાની વર્ષોથી ભગવાનના વસ્ત્રોના વેપાર સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું હતું કે, વર્ષો પહેલા માતાજીની ચૂંદડી ફકત લાલ, લીલા, રાણી અને મરૂન રંગની જ બનતી હતી. કારણ કે માઇના ભક્તો આ જ કલર પસંદ કરતા હતાં જો કે, હવે ચૂંદડીનું સ્વરૂપ પણ બદલાયું છે. હવે પરંપરાગત રંગની સાથે સાથે ભક્તો વાદળી, પીળી, કેસરી, પીચ, નેવી બ્લૂ રંગની ચૂંદડી પણ માતાજીને ચડાવવાનું પસંદ કરે છે. રંગની સાથે સાથે ચૂંદડીના કાપડમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.
પહેલા માતાજીની ચૂંદડી નેટમાં જોવા મળતી હતી. નેટની ઉપર ઝીણી ઝીણી ડિઝાઈન સાથે લેસ પણ જોવા મળતી હતી. નેટ બાદ હવે કાપડની ચૂંદડી ભક્તો વધુ પસંદ કરી રહ્યાં છે. આ વર્ષે સાગા, વેલવેટ, જરી, માઈક્રો ફોઈલ, વોટર ફોઈલ જેવા કાપડની ચૂંદડી ભક્તો પસંદ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીના બે વર્ષ બાદ માર્કેટમાં માઈ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સાથિયા, ઓમ અને મોરની ડિઝાઈનને શુભ માનવામાં આવે છે એટલે આવી ડિઝાઈનવાળી ચૂંદડી ભકતો માતાજીને ચડાવવાની વધુ પસંદ કરે છે. મોર પંખ, કેરી જેવી ડિઝાઇનવાળી ચૂંદડીનો માર્કેટમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
5થી લઈને 20-25 હજાર સુધીની ચૂંદડીનું વેચાણ
કેટલાક માઇ ભક્તો નવરાત્રિના બે મહિના પહેલા ઓર્ડર આપીને માતાજી ચૂંદડી ડિઝાઈન કરાવતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની ચૂંદડીમાં ડિઝાઈનર ચૂંદડી જોવા મળી રહી છે. કિંમત ભલે જુદી હોય, પણ શ્રદ્ધા એક જ છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ માતાજીને પહેરવામાં આવતી લાલ ચૂંદડી અને ડ્રેસનું મોટાભાગનું ઉત્પાદન સુરતમાં થતું હોય છે. સુરતમાં 5 રૂપિયાથી લઈને 20-25 હજાર રૂપિયા સુધીની ચૂંદડીનું ઉત્પાદન થાય છે. માત્ર નવરાત્રિમાં જ ચૂંદડી અને ડ્રેસનો કરોડો રૂપિયાનો બિઝનેસ થાય છે.