SURAT

સુરતમાં હત્યાના કેસમાં 20 દિવસ પહેલા જ જામીન ઉપર છૂટીને બીજુ મર્ડર કર્યું

સુરતઃ (Surat) ડિંડોલી વિસ્તારમાં નંદનવન નજીક ખુલ્લા મેદાનમાં 35 વર્ષીય યુવકની હત્યા (Murder) કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે (Police) ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. આ હત્યા 20 દિવસ પહેલા જ મર્ડરના કેસમાં જામીન ઉપર છૂટીને આવેલા અજય રાઠોડ નામના યુવાને (Youth) કરી હતી.

  • ગાળો આપી રહેલા મિત્રને જ ઉશ્કેરાટમાં ચપ્પુના ઘા ઝીંકી પતાવી નાંખ્યો
  • ડિંડોલી ખુલ્લા મેદાનમાં સવારે ક્રિકેટ રમવા માટે ગયેલા છોકરાઓને લાશ દેખાઈ

આ બનાવની મળતી માહિતી મુજબ ડિંડોલી સ્થિત નંદનવન ટાઉનશીપ નજીક એક ક્રિકેટનું ગ્રાઉન્ડ આવેલું છે. અહીં આજે સવારે કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યાં હતાં. દરમિયાન ક્રિકેટનો બોલ ઝાંડી ઝાંખરામાં ગયો હતો. આ બોલ લેવા ગયેલા છોકરાઓ ત્યાં ગયા ત્યારે ત્યાં એક લાશ પડી હતી. જે જોઇને તેઓ ગભરાઇ ગયા હતા.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવાગામ ખાતે નંદનવન ટાઉનશીપ પાસે આવેલા ક્રિકેટના મેદાનમાં આજે સવારે એક અજાણ્યાની લાશ મળી હતી. સવારે ક્રિકેટ રમવા આવેલા છોકરાઓએ બોલ ઝાડી ઝાખરામાં જતા ત્યાં બોલ લેવા માટે ગયા અને લાશ જોઈને ગભરાઈ ગયા હતા. તેમણે આ ઘટનાની પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. દરમિયાન ડિંડોલીના સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહને બાતમી મળી હતી કે, આ લાશ નવાગામ ડિંડોલીરોડ વિસ્તારમાં આવેલા થોળિયાવાડ ખાતે હળપતિવાસમાં રહેતો 35 વર્ષીય મહેન્દ્ર ઉર્ફે બાંગો રમેશ રાઠોડની છે અને તે ગઈકાલે તેના મિત્ર અજય ઉર્ફે લાલુ ઉર્ફે ફાયરીંગ જીતુ રાઠોડ (ઉ.વ.32, રહે. મોદી એસ્ટેટ થોળિયાવાડ, નવાગામ ડિંડોલી) ની સાથે હતો.

બંનેએ રાત્રે સાથે ખાધુ-પીધું અને પછી બંને વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ માહિતીના આધારે પોલીસે અજય ઉર્ફે લાલુ ઉર્ફે ફાયરિંગની અટક કરી તેની પૂછપરછ કરતાં તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, મહેન્દ્રએ વાતવાતમાં અજયને મા-બેન પરથી ગાળો આપી હતી. જેથી અજયે તેની પાસે રહેલા ચપ્પુ વડે ગળા અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ત્યાં જ તેને પતાવી નાખ્યો હતો.

અગાઉ પણ આરોપીએ સામાન્ય વાગે પત્થર માથામાં મારી હત્યા કરી હતી
આરોપી અજયે 6 મહિના પહેલા પણ ફૂટપાથ ઉપર એક વ્યક્તિ સાથે ઝઘડો થતા તેને માથામાં પત્થર મારી પતાવી દીધો હતો. આ હત્યા કેસમાં આરોપી જેલમાં હતો. અને વીસેક દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી આવીને તેને ગઈકાલે પરત એક હત્યા કરી ઘરેથી ભાગી ગયો હતો. દરમિયાન ડિંડોલી પોલીસની ટીમે આરોપી અજયને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top