સુરત : દિવાળી પહેલાં સુરતના (Surat) અનેક વિસ્તારના રસ્તા (Road) બિસ્માર હોવાના કારણે ભારે હોબાળો થયો હતો. દિવાળી બાદ રસ્તા કાર્પેટ અને રિ કાર્પેટની (Re Carpet) કામગીરી વધુ તેજ બનાવવામાં આવી હતી. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા મુખ્યમંત્રી સડક વિકાસ યોજના (Mukhyamantri Sadak Vikash Yojna) હેઠળ દર વર્ષે ગ્રાન્ટ (Grant) ફાળવવામાં આવે છે અને તેનો ઉપયોગ પાલિકા મોટા પ્રમાણમાં કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરત પાલિકાને મુખ્યમંત્રી સડક વિકાસ યોજના અંતર્ગત 382.72 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. તે ગ્રાન્ટનો પાલિકાએ 100 ટકાનો ઉપયોગ કર્યો છે.
- મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ગ્રાન્ટ મેળવવામાં સુરત મનપા અગ્રેસર, કુલ 383 કરોડ આ યોજના હેઠળ મેળવ્યા
હાલમાં પણ વર્ષ 2022-23માં સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 90.95 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે તેનો પણ સડક માટે ઉપયોગ થઈ રહ્યો હોય સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 3460 કિલોમીટરની લંબાઈ ધરાવતા રસ્તાઓ છે તે રસ્તાના રિપેરીંગ માટે તથા રસ્તાના અન્ય કામો માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવાવમાં આવે છે. પાલિકા આ ગ્રાન્ટનો પુરેપુરો 100 ટકા ઉપયોગ કરે છે. જેના કારણે પાલિકાને છેલ્લા પાંચ વર્ષમાં 382 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકારના મુખ્યમંત્રી સડક વિકાસ યોજના હેઠળ મળી છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં સુરત પાલિકાએ રસ્તા રિપેરીંગ પાછળ 75 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. તેમ છતાં હજી પણ કેટલાક રસ્તા બિસ્માર હોવાની ફરિયાદ બંધ થતી નથી.
સુરત શહેરમાં ગેરંટીવાળા રસ્તાની લંબાઈ 654.70 કિલોમીટર છે. તે સિવાયના 2815 કિલોમીટરના રસ્તા છે. તેનો ગેરંટીવાળા રોડમાં સમાવેશ થતો નથી. તેથી જો આવા રસ્તા તુટે તો તેના રિપેરીંગની કામગીરી પાલિકાએ કરવાની હોય છે. આ રસ્તા રિપેરીંગની કામગીરી પાલિકા સરકારની ગ્રાન્ટમાંથી કરે છે અને તેથી ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ થાય છે. પાલિકાએ રસ્તા રિપેરીંગ કામગીરી મોટી માત્રમાં કરી હોવા છતાં હજી પણ શહેરના કેટલાક રસ્તાઓ તૂટેલા હોવાની ફરિયાદ થઈ રહી છે.
ગત વર્ષે ચોમાસા દરમિયાન સુરતમાં મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા હતા. આ તૂટેલા રસ્તામાંથી કેટલાક રસ્તા તો એવા હતા કે તેમાં વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ પડ્યું હતું. સુરત પાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના રસ્તા મળીને કુલ 3460.289 કિલોમીટર લંબાઈ ધરાવતા રસ્તા છે. આ રસ્તામાંથી મોટાભાગના રસ્તા તુટી ગયાં હોવાથી શાસક – વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ચોમાસા બાદ પાલિકાના જે રસ્તાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી અને ગેરંટી પીરીયડમાં જે રસ્તા આવતા હતા. તેના રિપેરીંગની કામગીરી કોન્ટ્રાક્ટર પાસે જ કરાવવામાં આવી હતી.