સુરત: ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ અહીં છૂટથી દારૂ મળે છે અને પીવાય પણ છે. હદ તો એ થઈ ગઈ છે કે ગુજરાતના સુરત શહેરમાં મહાનગર પાલિકાના અધિકારી, કર્મચારીઓ પાલિકાની માલિકીના સ્વીમીંગ પુલની કચેરીમાં જ દારૂની મહેફિલ માણે છે. દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ગુરુવારે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
- જનતા રેઈડ થતાં દારૂડિયા અધિકારીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા
- મીડિયા કર્મી અને લોકોએ દારૂડિયા અધિકારીઓનો વીડિયો રેકોર્ડ કરી લીધો
- કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પોલીસ બોલાવી અધિકારીઓને સોંપી દીધા
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા તરણકુંડમાં ગુરુવારે સાંજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા જોતાં સુરત પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. ત્યારે સિંગણપોરની જનતા તેમજ સુરત મનપાના વોર્ડ નં. 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મીડિયા કર્મચારી સાથે મળીને દરોડા પાડ્યા હતા.
કોર્પોરેટર અને મીડિયા કર્મી સ્વીમીંગ પુલમાં પહોંચ્યા ત્યારે અંદર એક રૂમમાં પાલિકાના અધિકારીઓ લેપટોપ મેચ જોઈ રહ્યાં અને દારૂ પી રહ્યાં હતાં. મીડિયા કર્મીને જોઈ દારૂડિયા અધિકારીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. મીડિયા કર્મીએ વીડિયો રેકોર્ડિંગ ઓન રાખતા દારૂની બોટલો, નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા.
સૂત્રો અનુસાર દારૂની પાર્ટી કરનારા અધિકારીઓમાં પંકજ ગાંધી (સિનિયર ઇન્સ્પેક્ટર), તેજસ ખલાસી (સેવિંગ ઇન્સ્પેક્ટર ), પીનેશ સારંગ (ઇન્સ્પેક્ટર), અજય સેલર( ઇન્સ્પેક્ટર), સંજય રેતી વાલા (કોન્ટ્રાક્ટર) સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય સાથે વોચમેન હતો. આ તમામ ક્લાસ 3 ઓફિસરો અને કતારગામ સભ્ય સ્વિમિંગપુલના લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા હતા.
ત્યાર બાદ કોર્પોરેટરે 100 નંબર ડાયલ કરીને આ ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. જે રૂમ માં પાર્ટી થતી હતી તે રૂમ નો દરવાજો પોલીસ આવ્યા બાદ ખોલવામાં આવ્યો હતો. તેમ છતાં રૂમમાં પડેલી દારૂની બોટલ અને ગ્લાસ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. બોટલ કોણે ગાયબ કરી તે તપાસનો વિષય છે. પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાનાં કમિશનર અને હાઉસિંગ વિભાગના કાર્યપાલક આવા અધિકારી ઉપર શું એક્શન લેશે તે જોવાનું રહ્યું!