SURAT

જાણીતા વેપારીઓની અનાજ-કઠોળની દુકાનો પર સુરત મનપાના આરોગ્ય વિભાગના દરોડા

સુરત: શહેરમાં ઘી, પનીર સહિતની ચીજવસ્તુઓ નકલી મળી આવ્યા બાદ સુરત મનપાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકાએ ઘી, દૂધ, પનીર જેવી ચીજોનું વેચાણ કરતી દુકાનો પર નિયમિત વોચ રાખવાનું શરૂ કર્યું છે. આની સાથોસાથ હાલમાં અનાજ ભરવાની સિઝન ચાલી રહી હોય સુરત મનપાના આરોગ્ય તંત્રએ અનાજ કઠોણના વિક્રેતાઓ પર પણ સકંજો કસ્યો છે.

  • સુરત મનપાએ 3 દિવસમાં 126 દુકાનો પર દરોડા પાડ્યા
  • સ્વચ્છતાના સ્ટાન્ડર્ડનું ચેકિંગ કરી નોટિસ ફટકારી
  • આરોગ્ય તંત્રએ 15 દુકાનોમાંથી 17 સેમ્પલ લઈ ટેસ્ટ માટે લેબોરેટરી મોકલ્યા

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરના જાણીતા એવા અનાજ કરિયાણાના 126 જેટલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ઝોનના મોટા ભાગના અનાજ કરિયાણાના વેપારીઓને ત્યાં તપાસ કરીને કૂલ 15 વેપારીને ત્યાંથી અનાજ કઠોળના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલોને ચેકિંગ માટે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઇ પણ સેમ્પલ ફેઇલ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.

સુરત મનપાના આરોગ્ય અધિકારીની સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ તા.13 એપ્રિલથી 16 એપ્રિલ 2024 દરમિયાન સુરત શહેર વિસ્તારમાં આવેલા જથ્થાબંધ અનાજ-કઠોળનો વેપાર કરતી કુલ 126 સંસ્થાઓની ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ચેકિંગ હાથ ધરી આ સંસ્થામાં સ્વચ્છતાનું ધોરણ જળવાયેલું રહે અને રોડન્ટ કંટ્રોલ અને પેસ્ટ કંટ્રોલની કામગીરી સમયાંતરે થઇ શકે તે અંગેની નોટીસ આપવામાં આવી છે.

126 પૈકી કુલ 15 સંસ્થાઓમાંથી અનાજ-કઠોળનાં કુલ 17 નમૂનાઓ લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરી, સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ દુકાનોમાંથી અનાજ-કઠોળના 17 સેમ્પલ લેવાયા
સુરત મનપાના આરોગ્ય તંત્ર દ્વારા 126 પૈકી 15 દુકાનોમાંથી અનાજ-કઠોળના સેમ્પલ લેવામાં આવ્યા છે. તે દુકાનોમાં રઘુવંશી ટ્રેડર્સ (૧૬-ડી, બ્લોકનં.૧૧ ફલેટ નં.૬૧, ગુજ.હા.બોર્ડ પાલનપુર પાટીયા, રાંદેર રોડ, સુરત), શ્રી તુલસી ટ્રેડીંગ કું (પ૦/૩પપ, ગુજ.હા.બોર્ડ પાલનપુર પાટીયા, રાંદેર રોડ, સુરત), મે. ભારત ટ્રેડીંગ કું (૧૩, જૈમિની કોમ્પલેક્ષ, મોટાવરાછા, સુરત), ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ (૮૪,૮પ સનિલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વેજીટેલ માર્કેટની સામે, પાંડેસરા, સુરત), જવાલીયા ટ્રેડીંગ કું (૧૪૭,૧૪૮, કાલીદાસ નગર, ત્રીકમનગર, એલ.એચ.રોડ, સુરત), શ્રી સીતા સેલ્સ (૧૧, વિક્રમનગર સોસા., પંચવટી વાડીની બાજુમાં, એલ.એચ.રોડ, સુરત), શાંતિ કોર્પોરેશન (૧૬, મિલેનીયમ પાર્ક, ક્રોસ રોડ, કોસાડ, સુરત), મલ્હાર ટ્રેીંગ (મલ્હાર કોમ્પેલક્ષ, નહેરુનગરની સામે, ઉમરા,સુરત), મે.પિયુષ ટ્રેડર્સ (૭/૪૧૭ર, ગલેમંડી મેઇન રોડ, સુરત), વિનાયક ટ્રેડીંગ કું (પ્લોટ નં. ર૭ એ, મહાપ્રભુનગર, લિંબાયત, સુરત), સરદાર ભગતસીંહ ટ્રેડર્સ (પ્લોટનં. ર, ગ્રા.ફ. મઘુનગર, લિંબાયત, સુરત), મહાલક્ષ્મી ટે્રડીંગ કું. (પ્લોટ નં.૬, દીપકનગર, નવાગામ, ડીંડોલી, સુરત), ધરતી ટ્રેડર્સ (પ્લોટ નં. એ/૪, સીતારામનગર સોસા., હનીપાર્ક રોડ, અડાજણ, સુરત), વી ડી એન્ડ સન્સ (પ્લોટ નં. એ/૭, સીતારા નગર સોસા., હનીપાર્ક રોડ, અડાજણ, સુરત), મનીશ ટ્રેડીંગ કું. (૯, વિક્રમનગર સોસા., એલ એચ રોડ, સુરત)નો સમાવેશ થાય છે.

ગયા મહિને રાંદેરમાંથી પકડાયેલા ઘીનો રિપોર્ટ આવ્યો
ગઈ. તા.20 માર્ચ 2024ના રોજ સુરત મનપાના ફૂડ ઈન્સપેક્શન વિભાગે રાંદેર પોલીસની સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાંદેરના ગોગાચોક નજીક સાંઈનાથ સોસાયટીમાં દરોડા પાડી ઘી પકડી ટેસ્ટ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલ્યું હતું. આ ઘીનો રિપોર્ટ આવી ગયો છે. આ ઘીનાં સેમ્પલમાં વેજીટેબલ ઓઈલ અને હળદર પાવડરની ભેળસેળ મળી આવી છે. ઘી નો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે. સંસ્થાના માલિક રાજેશભાઇ હરગોવનભાઇ પટેલની સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top