સુરત: (Surat) સુરત મનપાના (Corporation) કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સર્જન સોસાયટીની પાછળ મનપાના રિર્ઝવ પ્લોટ પર સોસાયટીવાસીઓએ બનાવી દિધેલા મંદિરને (Temple) દુર કરી જમીનનો કબજો લેવાયો હતો તેમજ લંકાવિજય ઓવારાથી જનતા નગર સુધીના નદીના પાળા પર થઇ ગયેલા ઝુંપડાઓ હટાવવાનું (Demolition) અભિયાન પણ પુરૂ કરાયું છે.
- કતારગામની સર્જન સોસાયટીએ મનપાના રિઝર્વ પ્લોટ પર બનાવાયેલું મંદિર દૂર કરાયું
- લંકાવિજય હનુમાનજી ઓવારાથી ઝોન ઓફિસની પાછળ નદી કિનારે પાળાનાં દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરાયો
વિસ્તૃત વિગતો મુજબ કતારગામમાં ડભોલી વડલાવાળા સકર્લથી હાથીવાળા મંદિર સુધીના રસ્તા પર સર્જન સોસસાયટી છે. આ સોસાયટીની પાછળ મનપાનો ઇડબલ્યુએસ આવાસ માટેનો અનામત પ્લોટ છે. આ પ્લોટ પર સર્જન સોસાયટીના સભ્યો દ્વારા મંદિર બનાવી દેવાયું હતું. જે બાબતે મનપા દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં દબાણ દુર કરવામાં ન આવતા મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ આ પ્લોટમાં સોસાયટીના પ્રવેશ માર્ગને સીલ કરી દેવાયો હતો. ઉપરાંત કતારગામ ઝોન ઓફિસની પાછળ જનતા નગરથી લંકા વિજય હનુમાનજી ઓવારા સુધીના પાળા પરના રસ્તામાં 50 ઝુંપડાઓનું દબાણ દુર કરીને 5500 ચો.મી. એરિયાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
લિંબાયત અનવરનગર ઝૂપડપટ્ટીના ડિમોલિશનના વિરોધમાં પ્રતીક ધરણાંની ચીમકી
સુરત : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં મનપાએ જ વિકસાવેલી અનવર નગર ઝૂંપડપટ્ટીમાં હવે લાઇનદોરી મુકવામાં આવી છે. આ લાઇનદોરીનો અમલ કરવા માટે લિંબયાત ઝોન દ્વારા અસરગ્રસ્તને નોટિસ પાઠવાઇ છે. જો કે આ ઝૂંપડાવાસીઓને આવાસ ફાળવવા બાબતે ઝોન અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ચલક-ચલાણુ રમાડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા 96થી વધુ અસરગ્રસ્તોને ડિમોલિશન માટે નોટિસ પાઠવવામાં આવી છે અને કોઇ વાંધા-સૂચનો ધ્યાને લીધા વગર આ લાઇનદોરી મુકી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો હવે અહીં વૈકલ્પિક વ્યવસ્થા વગર ડિમોલિશન કરવામાં આવેશે તો અહીંના 100થી વધુ પરીવારો રસ્તા પર આવી જશે. જેથી હવે અનવરનગરના રહેવાસીઓ દ્વારા જો તેઓને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આપ્યા વિના ડિમોલિશન કરવામાં આવશે તો લિંબાયત ઝોન ઓફિસ તેમજ મનપા કમિશનરના બંગલા પર ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ધરણા કરવામાં આવશે, તેવી ચીમકી આપવામાં આવી છે.