સુરત: (Surat) સુરત મનપાની આજે મળેલી સામાન્ય સભામાં મનપા (Municipal Corporation) દ્વારા પ્લોટ વેચવાના કરાયેલા આગોતરા આયોજન મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે માથાકૂટ થઈ હતી. સભા મળે તે પહેલા જ આપ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને મનપાની જમીન (Land) અમે વેચવા દઈશું નહીં તેવી જાહેરાત કરવામાં આવી હતી. તો સામાન્ય સભામાં પણ માસ્ક પર વિરોધી લખાણ સાથે પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી હતી. આપની (AAP) રજૂઆત સામે સ્થાયી ચેરમેને એવું જણાવ્યું હતું કે, આ મનપાને જો નાણાંની જરૂરીયાત ઊભી થાય તેના માટેનું આગોતરું આયોજન છે.
સામાન્ય સભા પહેલા પત્રકાર પરિષદ બોલાવીને વિરોધપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, જનતાએ પોતાના ભાગનો ટેક્સ હમેંશા સમયસર ભર્યો છે. એના ફળસ્વરૂપ એક સમય એવો પણ હતો કે સુરત મહાનગરપાલિકાના જકાતના અબજો રુપિયા ડિપોઝિટ પેટે જમા રહેતાં હતાં. પરંતુ આજે એ જ ભારતીય જનતા પાર્ટીના સત્તારૂઢો દ્વારા મનપાને ખાનગી પેઢીની જેમ ચલાવી હવે હાલત એટલી હદે ખરાબ કરી દીધી છે કે મનપાની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ છે અને ભાજપ જનતાની માલિકીના રિઝર્વેશનના પ્લોટો વેચીને રુપિયા ભેગા કરવા માંગે છે પણ હકીકત એ છે કે, આ રીતે મિલકતો વેચવાથી ક્યારેય સમસ્યા કાયમી સમાધાન ન થઈ શકે. આ પ્લોટ ખરીદનારા લોકોને પણ વિનંતી સાથે ચેતવણી આપીએ છીએ કે આ પ્લોટ સુરતની દેશપ્રેમી જનતાના છે. એ પ્લોટો આપ ખરીદીને શહેરની જનતાને મળવાપાત્ર સુવિધાથી વંચિત કરતા હોય તે ખરીદનારા ક્યારેય સુખી થઈ શકશો નહીં. આ સત્તા તો આજે કોઈની પાસે છે, આવતીકાલે કોઈ અન્ય પાસે હશે તેમ ગર્ભિત ચીમકી વિરોધપક્ષ દ્વાર ઉચ્ચારવામાં આવી હતી કે અમે આ પ્લોટ પર કોઇ ખાનગી પ્રોજેકટ થવા દેશું નહી.
પત્રકાર પરિષદ બાદ સુરત મનપાની સામાન્ય સભામાં પણ આપના સભ્યો દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આપના સભ્યો દ્વારા શાસકો પર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો. સામે ભાજપના સભ્ય દિનેશ રાજપૂરોહિતે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે વેંચી દીધેલા 1000 પ્લોટનો મુદ્દો ઉઠાવી સામનો કરવા પ્રયત્ન કર્યો હતો, જયારે સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, અમે પ્લોટ વેચવા કાઢયા નથી માત્ર આગોતરૂ આયોજન કર્યુ છે કે કોવીડની સ્થિતી લાંબા સમય સુધી રહે અને જો મનપાની આવકના સ્ત્રોત આવી રીતે જ પાંખા રહે તો આ નકકી કરેલા પ્લોટ જે વેંચાણના હેતુ માટે જ છે તે કયા ભાવે વેંચવા તેની અપસેટ વેલ્યુ નકકી બાબતે માત્ર નિર્ણય લેવાયો છે.
શા માટે સી.આર.પાટીલ એસએમસીના સોનાની લગડી જેવા પ્લોટ વેંચી દેવા માંગે છે ? ઠેર ઠેર બેનર લાગ્યા
સુરત મનપાના પાંચ પ્લોટ વેંચી દેવા માટે અપસેટ વેલ્યુ નકકી કરતા ઠરાવને મુદો બનાવી વિપક્ષ આમ આદમી પાર્ટી શાસકોને ભીંસમાં લેવા એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે સોમવારે સૌરાષ્ટ્રવાસી વિસ્તારો વરાછા ફલાય ઓવર બ્રિજ, મિનિ બજાર, ઉધના ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બેનરોમાં લખાયું હતું કે, શું આપણી એસઅમસી એટલી કંગાળ અને દેવાદાર બની ગઇ છે ? શા માટે સી.આર.પાટીલ એસએમસીના સોનાની લગડી જેવી 500 કરોડથી વધારે કિંમતના પ્લોટ વેંચવા માંગે છે ???