SURAT

ચૂંટણી ગઈ.. હવે સુરત મનપાને ભાન આવ્યું, હોળી-ધૂળેટી માટે ઘડી કાઢી આ નીતિ

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચુંટણીની જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા જેનું પરિણામ હવે તમામ શહેરીજનો ભોગવી રહ્યા છે. ચુંટણી પહેલા શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી ગયું હતું. પ્રતિદિન માત્ર 30 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાતા હતા પરંતુ ચુંટણી બાદથી શહેરમાં કોરોના સંક્રમણમાં ફરી ઉછાળો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચુંટણી પ્રચાર અને વિજય સરઘસમાં મનપા અને પોલીસ તંત્રએ આંખ આડા કાન કરીને હજારો લોકોની મેદની ભેગી થવા દીધી હતી. પરંતુ હવે આગામી દિવસોમાં હોળી ધુળેટીના (Holi Dhuleti) તહેવારમાં મનપા તંત્ર કોવિડના નિયમોનો અમલ કરાવવા આગળ આવી છે.

સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરીને જાહેરમાં તહેવારની ઉજવણી ન કરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ અટકાવવા માટે એક બીજાને કલર ન લગાવવા માટે પણ સુચના આપી છે. ચુંટણી બાદ પણ પરિણામો જાહેર થતા જ ભાજપ અને આપના કાર્યકર્તાઓ દ્વારા જનમેદની ભેગી કરીને ગુલાલો ઉડાડીને વિજયની ઉજવણી કરી હતી. જેમાં માસ્ક પણ ન હતા કે, સોશીયલ ડિસ્ટન્સીંગ પણ ન હતું. ત્યારે તંત્રએ માત્ર તમાશો જોયો હતો. પરંતુ હવે તહેવારો આવતા જ તંત્રએ લાલ આંખ કરી છે.

મનપા કમિશનર પાનીએ હોળીની ધામધુમથી ઉજવણી કરતાં સમાજના અગ્રણીઓ અને માર્કેટના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી જેમાં હોળી ધુળેટીની ઉજવણીમાં લોકોને ભેગા ન કરવા માટે સુચના આપી હતી. હોળી અને ધુળેટીના તહેવારમાં લોકોએ પોતાના ઘરે જ સેલીબ્રેશન કરવું અને તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય તેવા કાર્યક્રમ રદ્દ કરવા તેવી સુચના આપી છે. તંત્રની બેવળી નીતિથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

શહેરમાં 188 કેસ નોંધાયા

(Surat) શહેરમાં કોરોનાના કેસમાં (Corona Case) ફરીવાર ઉછાળો આવ્યો છે. ચુંટણી બાદથી જ શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. શહેરમાં શનિવારે નવા 188 પોઝિટિવ દર્દીઓ નોંધાવાની સાથે અત્યારસુધીમાં કુલ આંક 42,259 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 852 પર પહોંચ્યો છે. શનિવારે શહેરમાં વધુ 121 દર્દીઓ સાજા થવાની સાથે સાજા (Recover) થનારા દર્દીઓની કુલ સંખ્યા 40,503 પર પહોંચી છે. અને રીકવરી રેટ 95.84 ટકા પર પહોંચી છે. મનપા દ્વારા સુરતની તમામ શાળા/કોલેજોમાં સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહયું છે. શહેરની સી.ડી.બરફીવાલા કોલેજમાં 10 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા, આ કોલેજને 14 દિવસ માટે આ કોલેજને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top