સુરત: (Surat) સુરતના સરસાણા ખાતે ડ્રીમ સિટી (Dream City) પ્રોજેક્ટ હેઠળ નવ નિર્માણાધીન અતિમહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સ (SDB) વિવાદમાં સપડાયો છે. સુરત ડાયમંડ બુર્સની કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રના લીધે મુંબઈના હીરા બજારમાં હડકંપ મચી ગયો છે. મુંબઈ હીરા બજારના (BDB) ના વેપારીઓ મુંબઈ છોડી સુરત શિફ્ટ થાય તેમ આ સર્ક્યુલરમાં (Circular) લખવામાં આવ્યું છે. જેના લીધે મુંબઈના (Mumbai) હીરાના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
- સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં છે. બુર્સની કમિટી દ્વારા આગામ માર્ચ-એપ્રિલ 2022માં બુર્સ ખુલ્લું મૂકવાની ધારણા છે
- બુર્સમાં ઓફિસ બુક કરાવનારા મુંબઈના હીરાવાળાઓ માટે સુરત ડાયમંડ બુર્સની કમિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે
- ૬ મહિના મેઇન્ટેનન્સ ફ્રી અને બુર્સની તકતીમાં અગ્રણી સભાસદોની યાદીમાં નામ લખવાની ઑફર આપવામાં આવી
સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં છે. બુર્સની કમિટી દ્વારા આગામ માર્ચ-એપ્રિલ 2022માં બુર્સ ખુલ્લું મૂકવાની ધારણા છે, ત્યારે બુર્સમાં ઓફિસ બુક કરાવનારા મુંબઈના હીરાવાળાઓ માટે સુરત ડાયમંડ બુર્સની કમિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં મુંબઈના પૉલિશ્ડ હીરાનું કામકાજ કરતા વેપારીઓ મુંબઈનું તેમનું કામ બંધ કરીને સુરત ડાયમન્ડ બુર્સમાં આવે અને જો ત્યાંથી પૉલિશ્ડ ડાયમન્ડનું વેચાણ કરે તો તેમને ૬ મહિના સુધી મેઇન્ટેનન્સ ફ્રી આપવાની તેમ જ સુરત ડાયમન્ડ બુર્સના રિસેપ્શન એરિયામાં મુકાનારી તકતીમાં અગ્રણી સભાસદોની યાદીમાં નામ લખવાની ઑફર આપવામાં આવી છે. આ તકતી લાઇફ ટાઇમ એ રિસેપ્શન એરિયામાં રાખવામાં આવશે. એવું પ્રલોભન આપવાનું આવ્યું છે.
એટલું જ નહીં આ સરક્યુલરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સુરત ડાયમંડ બુર્સના કોઈ મેમ્બર પોલીશ ડાયમંડના સેમ્પલ મુંબઈ મોકલી વેચાણ કરશે તો તેવા મેમ્બરને મેઈન્ટેનન્સ ચાર્જીસમાં રાહત આપવામાં આવશે નહીં તેમજ તે મેમ્બરનું નામ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં. આ નોંધ મુંબઈના હીરાવાળા ખાસ કરીને ભારત ડાયમંડ બુર્સના સંચાલકોને ગમી નથી.
સુરત ડાયમંડ બુર્સમાં વેળાસર ઓફિસો ધમધમતી કરવા માટે બુર્સની કમિટી દ્વારા જાહેર કરાયેલી આ સ્કીમના લીધે વિવાદ ઉભો થયો છે. મુંબઈ છોડી સુરતમાં ઓફિસ શરૂ કરવાની સુરત ડાયમંડ બુર્સ કમિટીની વાત મુંબઈના હીરાવાળા ખાસ કરીને ભારત ડાયમંડ બુર્સની કમિટીના મેમ્બરોને ગમી નથી. બીડીબીના વેપારીઓનું કહેવું છે કે અમે તો તેમને અમારા ભાઈ જ માન્યા હતા, પણ હવે એ ભારત-પાકિસ્તાન કરે છે. તેમનું આ પગલું વેપારીને શોભે એવું નથી.
આ બાબતે ભારત ડાયમન્ડ બુર્સ (BDB)ના સૂત્રોએ કહ્યું હતું કે આ જરાય વાજબી નથી. વ્યાપારીઓને આવું શોભે નહીં. આ તો ઝઘડાળુ વ્યક્તિ જ કરી શકે. સુરત ડાયમન્ડ બુર્સને મુંબઈના હીરાના વેપારીઓ પોતાનું જ માનતા હતા એવું હતું કે બંને ઠેકાણે કામ થશે, પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સવાળા ભારત-પાકિસ્તાન કરી રહ્યા છે. તે ખોટું છે. અમે કોઈને રોકવાના નથી, જેને સુરત જવું હોય તે જઈ શકે છે.
બે ડાયમંડ બુર્સની લડાઈમાં શિવસેનાએ ઝંપલાવ્યું
આ બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પ્રસિદ્ધિ સલાહકાર અને શિવેસેનાના મિડિયા ઇનચાર્જ હર્ષલ પ્રધાને કહ્યું હતું કે ‘મુંબઈના ડાયમન્ડ માર્કેટને પણ ગુજરાતમાં લઈ જવાનો આ પ્રયાસ છે, પણ વેપારીઓએ જરાય ગભરાવાની કે તેમની વાતમાં આવવાની જરૂર નથી.
ખોટો વિવાદ ઉભો કરાયો છે, કોઈ નારાજ નથી
આ તરફ સુરત ડાયમંડ બુર્સના સૂત્રો કહે છે કે, કમિટી દ્વારા ઑફર આપવામાં આવી છે. તેમાં કશું ખોટું નથી. વહેલાં મોડા બધા સુરત આવવાના જ છે, પરંતુ આ તો તકતીમાં નામ લખાય એટલે ઓફર આપી છે.