National

સુરતની “મુગલસરાઈ” કે જ્યાં હાલ મનપા કચેરી છે તેને “વકફ મિલ્કત” જાહેર કરાઈ

સુરત: (Surat) હાલમાં સુરત મહાપાલિકાની કચેરી જ્યાં ચાલી રહી છે અને જેને મુગલસરાઈ (Mughal Sarai) તરીકે ઓળખવામાં આવી રહી છે તેવી ‘હુમાયુસરાઈ’ (Humayu Sarai) નામની મિલકતને રાજ્યના વકફ બોર્ડ (Waqaf Board) દ્વારા ‘વકફ મિલકત’ તરીકે જાહેર કરવાનો આદેશ કર્યો છે. સુરતના જ અરજદાર દ્વારા આ મિલકતને વકફ તરીકે જાહેર કરવા માટે બોર્ડ સમક્ષ દાદ માંગવામાં આવી હતી. જેના અનુસંધાને વકફ બોર્ડ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે.

  • અગાઉ મક્કા-મદીના જતાં હજ યાત્રીઓને રહેવા માટેની જગ્યા હોવાથી તેને વકફ કરાઈ હતી
  • મુગલસરાઈને વકફ મિલકત તરીકે જાહેર કરવા માટેની દાદ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સમક્ષ માંગવામાં આવી હતી
  • શાહજહાં બાદશાહના શાસનકાળ દરમિયાન તેમના પુત્રી જહાંઆરા કે જેમની પાસે સુરતની જાગીર હતી તેઓના વિશ્વાસુ ઇસાકબેગ યઝદી ઉર્ફે હકીકતખાને ઈ.સ.1644માં રૂપિયા 33080ના ખર્ચે મુગલસરાઈ બનાવી હતી

સુરતના અરજદાર અબ્દુલ્લાહ જરૂલ્લાહ દ્વારા ચોકબજાર મેઇન રોડ ઉપર આવેલી સુરત મનપાની મુખ્ય કચેરી મુગલસરાય અગાઉ મક્કા-મદીના જતાં યાત્રીઓને રહેવા માટેની જગ્યા હોવાથી તેને વકફ કરાઈ હોવાથી તેને વકફ મિલકત તરીકે જાહેર કરવા માટેની દાદ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સમક્ષ માંગવામાં આવી હતી. દાદ માંગતી અરજીમાં જણાવાયું હતું કે, આ મિલકત શાહજહા બાદશાહના શાસનકાળ દરમિયાન તેમના પુત્રી જહાંઆર, જેમની પાસે સુરતની જાગીર હતી, તેઓના વિશ્વાસુ ઇસાકબેગ યઝદી ઉર્ફે હકીકતખાને ઈ.સ.1644માં રૂપિયા 33080ના ખર્ચે બનાવી હતી. જે તે સમયે તે ‘હુમાયુસરાય’ તરીકે જાણીતી હતી. આ મિલકત જે તે સમયના શાસનકર્તાએ વકફ કરી હતી. આ મિલકત બનાવવાનો મુળ હેતુ જે તે સમયે સુરત સ્થળેથી મક્કા-મદીના જતાં હજ યાત્રીઓના રહેવા માટેનો હતો.

અબ્દુલ્લાહ જરૂલ્લાહ દ્વારા આ મિલકતને વકફ તરીકે જાહેર કરવા માટે તે સમયે બનાવવામાં આવી તખ્તી કે જે હાલમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિમય ઓફ વેસ્ટર્ન ઈન્ડિયામાં રાખવામાં આવી છે તેના પુરાવા પણ રજૂ કર્યા હતા. સાથે સાથે અન્ય આનુસાંગિક પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. અબ્દુલ્લાહ જરૂલ્લાહે સુરત મહાપાલિકાની મુખ્ય કચેરી તેના મુળભુત ઉદ્દેશ મુસાફરખાના માટે ઉફયોગમાં લેવા માટે આવશ્યક છે તેમ જણાવ્યું હતું. જેથી પુરાવાઓના આધારે ગુજરાત રાજ્ય વકફ બોર્ડએ મનપા કચેરીને વકફ જાહેર કરીને તેના વહિવટકર્તા તરીકે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ રાખવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top