SURAT

સુરતના અમરોલીમાં ચમચીથી દૂધ પીધા બાદ બાળક સુઈ ગયું અને પછી ઉઠ્યું જ નહીં!

સુરત: (Surat) શહેરના અમરોલી વિસ્તારમાં આજે માતાએ બાળકને ચમચી વડે દૂધ પીવડાવ્યા (Feeding) બાદ બાળકનું (Child) મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકના મોતની ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં આવી ત્રીજી ઘટના સામે આવી છે જેમાં દૂધ (Milk) પીધા પછી બાળકનું મોત થયું હતું.

નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે કોસાડ આવાસમાં રહેતા અફસાના સાદીક મન્સુરી કટલરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્રી અને એક માસનો પુત્ર છે. તેના એક મહિનાના પુત્ર અબ્દુલ કાદીરને ગઈકાલે મોડી રાત્રે તેની માતાએ ચમચીથી દૂધ પીવડાવ્યું હતું. થોડીવાર પછી બાળક બેભાન થઈ જતા પરિવારજનો તેને નવી સિવિલમાં લઈ આવ્યા હતા. નવી સિવિલમાં બાળકને તપાસી તબીબે મૃત જાહેર કર્યો હતો. દૂધ પીધા બાદ બાળકના મોતની ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત 11 તારીખે ઝાંપાબજાર ખાતે રહેતી નિસાસીંગ સંદિપ રાજપુતના 40 દિવસના પુત્રનું સ્તનપાન કરાવી સુવડાવ્યા બાદ મોત નીપજ્યું હતું. ત્યારબાદ પાંડેસરામાં ગત 12 તારીખે સ્વામીનારાયણ નગરમાં રહેતા બે મહિનાના મિહીર સંદિપસીંગને વહેલી સવારે માતાએ દુધ પીડાવ્યું હતું. બાદમાં બેભાન થઈ જતા નવી સિવિલમાં મૃત જાહેર કરાયું હતું.

અમરોલીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી, કરિયાણું સહિત સામાન બળી ગયો

સુરત : અમરોલીની કરિયાણાની દુકાનમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અમરોલીના જલારામ નગર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીકમાં મુરલીધર કરિયાણા એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાન આવેલી છે. શુક્રવારે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. આસપાસ હાજર લોકોએ દુકાનમાં આગ અને ઘુમાડો જોતાં ફાયર વિભાગને જાણ કરતા કોસાડ ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર પ્રિંતેશ પટેલ સહિત ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જ્યાં ફાયરકર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. દુકાનમાં શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાનું ફાયર વિભાગને પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. આગના કારણે દુકાનમાં રહેલું કરિયાણું તથા નોટબુક્સ સહિતનો સામાન નુકસાન થયું હતું, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

Most Popular

To Top