સુરત: (Surat) ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી હોવાનો ડંફાશ મારનાર ચીટર મિતુલ ત્રિવેદીના (Mitul Trivedi) બે દિવસના રિમાન્ડ પુરા થતા આજે સબજેલમાં (Sub-Jail) લેન્ડીંગ કરી દેવાયું હતું. બીજી બાજું પોલીસ દ્વારા મિતુલના પિતા, શિક્ષક (Teacher) સહિત બીજા પણ તેના સંપર્કમાં હોય તેવા લોકોને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે.
- ઠગ મિતુલ ત્રિવેદીના બે દિવસના રિમાન્ડ પુરા થતા સબજેલમાં સોફ્ટ લેન્ડીંગ
- પોલીસની સામે મિતુલના શબ્દો માપનું કર્યું હોત તો સારૂ ચાલતે વધારે કરવામાં પકડાઈ ગયો, મારી જાતને છેતરી નાખી
- પોલીસે મિતુલના પિતા અને શિક્ષકને પણ નિવેદન માટે બોલાવ્યા, શિક્ષકનો ફોન કબજે લેવાયો
ચંદ્રયાન-3 જેટલું ચર્ચામાં નથી રહ્યું એટલી ચર્ચા સુરત શહેરમાં મિતુલ ત્રિવેદી ઠગની રહી છે. પોતે આ ચંદ્રયાનની ડિઝાઈન બનાવી હોવાની ભ્રામક વાતો ફેલાવનાર આ ઠગ સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પુરા થતા તેને સબજેલમાં મોકલી આપ્યો હતો. મિતુલે પોતે વૈજ્ઞાનિક બની ઈસરો, નાસામાં કામ કરતો હોવાનું રટણ કરી નર્મદ યુનિવર્સિટીમાં વર્ષ 2021માં સાયન્સ ઈન વેદા-શાસ્ત્રનો સેમિનાર કર્યો હતો. આવી જ રીતે કેટલીક સ્કૂલમાં રૂપિયા લઈને મિતુલ ત્રિવેદીએ નાસા-ઈસરોના નામે સેમિનાર કરી વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવ્યા હતા.
ફેબુઆરી-2015નું યુ.કે.ની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજનું ડોક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સ અને વેદાંત ડિગ્રીનું સર્ટિફિકેટ બોગસ બનાવ્યું હોવાનું એસઓજીની તપાસમાં સામે આવ્યું છે. આ સર્ટિફિકેટ મિતુલ ત્રિવેદીએ મોબાઇલમાં બનાવ્યું હતું. આથી પોલીસે તેનો મોબાઇલ પણ કબજે લઈ એફએસએલમાં મોકલી આપ્યો છે. આ સિવાય પોલીસે તેના પિતા અને શિક્ષકને પણ બોલાવ્યા છે. શિક્ષકનો પણ મોબાઈલ કબજે લેવાયો છે. અને તેની તપાસ કરવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન મિતુલ પોલીસ સમક્ષ પોતે જો માપનું કરતે તો ચાલી જતે વધારે કરી નાખ્યું એટલે પકડાઈ ગયો તેવુ કહીને પોતાની જાતને છેતરવામાં ભેરવાયો તેમ રટન કરતો હતો.