SURAT

બાજીરાવ સિંઘમે સુરતના બિલ્ડર વિરૂદ્ધ ફેસબુક પર એવી પોસ્ટ મુકી કે તેણે લાખ રૂપિયા આપવા પડ્યાં

સુરત: (Surat) ફેસબુક ઉપર બાજીરાવ સિંઘમ (Singham) નામની આઈ.ડી ધરાવતા યુવકે કતારગામ વિસ્તારના બિલ્ડરની ફેસબુક (Facebook) પર બદનામી થાય તેવી પોસ્ટ અપલોડ કરીને 5 લાખની ખંડણી માંગી હતી. બાદમાં એક લાખ પડાવી વધારે રૂપિયાની માંગણી કરતા બિલ્ડરે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • બાજીરાવ સિંઘમે બિલ્ડર વિરૂદ્ધ ફેસબુકમાં ખોટી પોસ્ટ મુકી એક લાખ પડાવ્યા
  • બાજીરાવ સિંઘમ નામની આઈડી બનાવી લોકો પાસેથી પૈસા પડાવવા માટે ખોટી પોસ્ટ મુકી બદનામ કરતો હતો
  • બિલ્ડર પાસે પહેલા 5 લાખની માંગણી કરી હતી, બાદમાં એક લાખ લઈ પરત વધારે પૈસાની માંગણી કરી

મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર સ્વર્ગ રેસીડેન્સીમાં રહેતા 60 વર્ષીય મગનભાઇ ત્રીકમભાઇ ડોબરીયા વર્ષોથી કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દરમિયાન બાજીરાવ સિંઘમ નામથી ફેસબુક આઇડી ચલાવતા દિનેશ કાળુભાઇ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમ (રહે સુંદર પાર્ક સોસાયટી, સહયોગ ચોક, આબા તલાવડી, કતારગામ) એ મગનભાઇ વિરુદ્ધમાં અવારનવાર સોશિયલ મીડિયામાં ખોટી અને ભ્રામક પોસ્ટ મૂકી તેમને બદનામ કરતા હતા. જેથી મગનભાઇએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ દિનેશ ગોપાણીને પૈસા પડાવવા માટે આ પ્રકારની પોસ્ટ કરે છે.

જેથી મગનભાઇએ તેમને રૂબરૂ મળી આવી પોસ્ટ ન કરવા માટે સમજાવતા તેમણે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી. જોકે છેલ્લે અઢી લાખ રૂપિયામાં વાત નક્કી થતાં મગનભાઇ જે તે સમયે એક લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે બાદમાં દોઢ લાખ રૂપિયા દિનેશ કે તેનો માણસ લેવા માટે આવ્યો નહોતો અને વધારે પૈસાની માંગણી કરી દિનેશે મગનભાઇની વિરુદ્ધમાં ફરીથી ફેસબુકમાં બાજીરાવ સિંઘમ નામના એકાઉન્ટમાં તેમને બદનામ કરતી પોસ્ટ મુકી હતી. આખરે કંટાળી તેમને મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોબાઈલ નંબર મેળવી ક્રેડીટ કાર્ડનો પીન જનરેટ કરવાના ચક્કરમાં 1.21 લાખ પડાવ્યા
સુરત: ગોડાદરા આસપાસ મંદિર પાસે રહેતા અને બેકરીનો વેપાર કરતા વેપારીએ ઈન્ડસઈન્ડ બેન્કનો ક્રેડિટ કાર્ડનો પીન નંબર જનરેટ કરવા માટે ગુગલ પરથી બેન્કના કસ્ટમર કેરનો નંબર મેળવી કોલ કર્યો હતો. સામેવાળા ભેજાબાજે વેપારીને કાર્ડનો નંબર જનરેટ કરાવી આપવાને બહાને મોબાઈલમાં એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉન લોડ કરાવી ઓટીપી મેળવી 1.21 લાખ ટ્રાન્જેકશન કરાવી છેતરપિંડી કરી હતી.

ગોડાદરા ખાતે આસપાસ મંદિર પાસે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા 43 વર્ષીય રાજાકુમાર દિનેશભાઈ સિંહ બેકરીનો વેપાર કરે છે. તેમને તેના ઈન્ડસઈન્ડ બેન્કનો ક્રેડિટ કાર્ડ આવતા તેનો પીન નંબર જનરેટ કરવા માટે ગુગલ પરથી બેન્કના કસ્ટમર કેરનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને તે નંબર ઉપર કોલ કર્યો હતો. સામેવાળાએ રાજાકુમારને કસ્ટમર કેરમાંથી બોલુ છું હોવાની ઓળખ આપી મોબાઈલ ફોનમાં એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉન લોડ કરાવી ઓટીપી નંબર મેળવ્યો હતો. બાદમાં રાજાકુમારના ક્રેડિટ કાર્ડમાંથી પહેલા રૂપિયા 11 ત્યારબાદ ૨૦,૪૩૧ અને ૧,૦૦,૯૯૮ મળી કુલ રૂપીયા ૧,૨૧,૪૪૧ મેળવી છેતરપિંડી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top