સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા સુરત મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વર્ષ-2024ના અંત સુધીમાં શહેરમાં સુરત મેટ્રો રેલ દોડતી થઈ જશે તેવું અનુમાન છે. ત્યારે હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી માટે ઘણા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણા આંશિક બંધ છે તો ઘણ રસ્તા સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયા છે અને ટ્રાફિક (Traffic) માટે ડાયવર્ઝન અપાયાં છે. જેને કારણે હાલમાં શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા થઈ રહી છે. જે માટે શુક્રવારે મનપા મુખ્ય કચેરી ખાતે જીએમઆરસીના અધિકારીઓ, મનપા કમિશનર, ટોરેન્ટ પાવરના અધિકારીઓ, ટ્રાફિક એ.સી.પી. તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ વચ્ચે સંયુક્ત મીટિંગ થઈ હતી અને જેમાં શહેરીજનોને કઈ રીતે ઓછામાં ઓછી તકલીફ થાય એ રીતે મેટ્રોની કામગીરીના રૂટ બંધ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જે અંગે વિગત આપતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં 6 રસ્તા મેટ્રો માટે બંધ કરાયા છે તેમજ જ્યાં જ્યાં મેટ્રોનાં સ્ટેશન આવી રહ્યાં છે તે રસ્તા પણ આંશિક બંધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જે રૂટ પર સાધન, મશીનરી અને મેનપાવર કામે લાગવાના હોય તેના આગલી રાત્રે જ તે રૂટ બંધ કરવામાં આવશે. કારણ કે, કામગીરી શરૂ થયાના બે-ત્રણ દિવસ અગાઉથી બેરિકેડ લગાવી દેવાથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ જે રસ્તાઓ આગામી દિવસોમાં બંધ થવાના હશે તે રસ્તા પર મોટાં બેનર લગાવી દેવામાં આવશે. જેથી તે રસ્તા પરથી પસાર થનારાઓને ખબર પડી શકે કે આગામી દિવસોમાં અહીંથી જઈ શકાય. મેટ્રો માટે આવનારા દિવસોમાં ચોક, મસ્કતિ અને એન્ડ્રુઝ લાઈબ્રેરીના રસ્તા પણ સંપૂર્ણ બંધ કરવામાં આવશે. જેથી તાકીદે અહીં ડાયવર્ઝનનાં બેનરો લગાવી દેવાશે. તેમજ બંધ થનારા રૂટ પાસે ઓડિયો સિસ્ટમ પણ મૂકવામાં આવે. જેથી લોકો ઓડિયો સાંભળીને પણ ડાયવર્ઝન રૂટ પર જઈ શકે.
મેટ્રોને લઈ જે રૂટ પર ડાયવર્ઝન અપાયું હોય ત્યાં ગટર-પાણીની લાઈનનાં કામો ચેક કરી લેવાશે
હાલમાં શહેરમાં જે રૂટ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે બંધ કરી ડાયવર્ઝન અપાયાં છે અને લોકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ઘણા વૈકલ્પિક રસ્તાઓ પર પણ ખોદકામ કરેલું હોવાથી લોકોને ઘણી અગવડતા થઈ રહી છે. ચોકમાં ડાયવર્ઝન અપાયેલા રૂટ પર જ મનપા દ્વારા ગટરની લાઈન માટે ખોદકામ કરી દેવાયું છે. જેના કારણે ઘણી ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. જેથી હવે જે રૂટ પર ડાયવર્ઝન અપાશે ત્યાં કોઈ ગટર કે પાણીની કામગીરી કરવાની નથી થતી તે સુનિશ્ચિત કરી લેવું તેવી સૂચના આપવામાં આવી છે.