SURAT

સુરતમાં મેટ્રો રેલ ટનલ બનાવવા માટે બીજુ TBM મશીન પણ ઉતારી દેવાયું

સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના મેટ્રો રેલ એલિવેટેડ તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. શહેરમાં પ્રથમ ફેઝમાં 6.47 કિ.મી.નો રૂટ અંડરગ્રાઉન્ડ (Underground Root) બનશે. જે માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલ બનાવવામાં આવી રહી છે. હાલ ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી(1.2 કિ.મી) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. અને હવે બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજુ ટીબીએમ મશીન પણ ઉતારી દેવાયું છે. જૂન માસ સુધીમાં કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધીની ટનલ બનીને તૈયાર થઈ જશે.

ગુલેમાર્ક કંપની દ્વારા કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધીની ટનલ બનાવાશે. જેમાં પ્રથમ તબક્કામાં કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધીની ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. જે માટે હવે બંને ટીબીએમ સ્થળ પર કાર્યરત કરી દેવાયા છે. ટીબીએમ મશીનનો ઈનર ડાયામીટર 5.8 મીટરનો છે. અને જમીનની અંદર 18 મીટર ઊંડાણમાં અંડરગ્રાઉન્ડ રૂટ બનશે. જીએમઆરસી દ્વારા અંડરગ્રાઉન્ડ રૂટ બનાવવા માટે તમામ સરવેની કામગીરી પહેલા જ કરી લેવામાં આવી હતી. અને હાલ કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન માટેના રૂટ પર કોઈ જોખમ જણાયું નથી. જેથી ટીબીએમ મશીનથી આસાનીથી કામગીરી કરી શકાશે.

ટનલ બોરીંગ મશીન પ્રતિદિન 2.4 મીટર અંતર કાપશે
શરૂઆતમાં ટીબીએમની અંતર કાપવાની ગતિ ધીમી હોય છે. પરંતુ ધીરે ધીરે મશીન દ્વારા ઝડપથી કામ કરવામાં આવતું હોય છે. ગુલેમાર્ક દ્વારા સપ્ટેમ્બર માસમાં જે ટીબીએમ ઉતારવામાં આવ્યું હતું તે મશીન દ્વારા અત્યારસુધીમાં 120 મીટરનું અંતર કાપવામાં આવ્યું છે. તેમજ જે બીજુ ટીબીએમ ઉતારાયું છે તે પણ હાલ શરૂઆતમાં પ્રતિદિન 2 થી 3 મીટર જેટલું અંતર કાપશે. તેમજ પ્રથમ ટીબીએમ મશીન પણ હાલ પ્રતિદિન 2.4 મીટર જેટલું અંતર કાપી ટનલ બનાવી રહ્યું છે.

લાભેશ્વર ચોક પાસે જગ્યા ઓછી હોય, સ્પીલ્ટ પ્લેટફોર્મ બનશે
કાપોદ્રાથી જે ટનલ તૈયાર થશે તે અપ અને ડાઉન સ્ટ્રીમ માટે સમાંતર શરૂ થશે. એટલે કે, બાજુ બાજુમાં જ બંને ટનલ બનવાની શરૂઆત થશે. પરંતુ લાભેશ્વર ચોક પાસે જે મેટ્રોનું સ્ટેશન બનશે તે અપ અને ડાઉન લાઈન પર હશે. એટલે કે, લાભેશ્વર ચોક પાસે જગ્યાનો અભાવ હોય, મેટ્રોનું વિશિષ્ટ પ્રકારનું સ્પીલ્ટ પ્લેટફોર્મ સાકાર થશે. એટલે કે, બંને ટ્રેક ઉપર અને નીચે હશે.

Most Popular

To Top