સુરત: (Surat) સુરતમાં મેટ્રોની કામગીરી દરમ્યાન પ્રાચીન ઇતિહાસ મળી આવ્યો છે. સુરત શહેરના કિલ્લાની (The Castle) આસપાસના વિસ્તારમાં જમીનમાં ઘણી પ્રાચીન ચીજવસ્તુઓ સમયાંતરે મળતી આવી છે. શહેરમાં હાલ ચોક વિસ્તારમાં જ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે મંગળવારે મોડી સાંજે અહીં ખોદકામની કામગીરી દરમિયાન ત્રણ પ્રાચીન તોપના (Ancient Cannon) નાળચા મળી આવ્યા છે.
- મેટ્રો રેલના ખોદકામ દરમિયાન સુરતનો ઇતિહાસ મળી રહયો છે, એન્ડ્રુસ લાઇબ્રેરી સામેથી 3 પ્રાચીન તોપ મળી
- મેયર હેમાલી બોઘાવાલાએ તુરંત જ કિલ્લાના મેદાનમાં મુકાયેલી તોપનું નિરીક્ષણ કર્યુ
- આર્કોલોજી વિભાગને જાણ કરાઇ, આશરે 16મી સદીની તોપ હોવાની શકયતા
સુરત મેટ્રોની કામગીરી બે ફેઝમાં થઈ રહી છે. જેમાં પ્રથમ ફેઝમાં સરથાણાથી ડ્રીમસીટીનો રૂટ છે. જેમાં 7 કિ.મીનો રૂટ અંડરગ્રાઉન્ડ છે જે માટે કોન્ટ્રાક્ટરો દ્વારા પાઈલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે.કુમાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ચોક વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ માટે ચોક ચાર રસ્તાના વિસ્તારમાં પાઈલીંગ વર્ક કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન ચોકમાં પોલીસ ક્રાઈમ બ્રાંચ નજીક પેટ્રોલ પંપની સામે જ પાઈલીંગના ખોદકામ દરમિયાન 3 તોપના નાળચા જમીનમાંથી મળી આવ્યા છે જે માત્ર 3 થી 4 ફુટ ઉંડા ખોદકામમાં જ કર્મચારીઓને લોખંડની તોપ દેખાતા તેઓ દ્વારા આ તોપ કાઢીને હાલ કિલ્લાની સામે મેદાનમાં મુકવામાં આવી છે. તેમજ આર્કોલોજી વિભાગને જાણ કરી દેવાઇ છે. જો કે એક અંદાજ મુજબ આ તોપ 16મી સદીના આસપાસના ગાળાની હોવાનું લાગી રહયું છે.
ત્રણેય તોપના નાળચા ચારથી થી સાડા છ ફુટની લંબાઇ છે
હાલ મેટ્રોમાં કામ કરતા કર્મચારીઓને આ તોપ મળી આવતા તેઓએ આ તોપ સહીસલામત કાઢીને કિલ્લાના મેદાનમાં મુકવામાં આવી છે. જેમાં 5 થી 7 ફુટની ઉંચાઈની 3 તોપ મળી આવી છે. જે લગભગ અસ્સલ 16 મી સદીની હોય તેમ જાણવામાં આવી રહ્યું છે. યુધ્ધ દરમિયાન જમીન પર પડેલી તોપો વખત જતા જમીનમાં દટાઈ ગઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે હાલ આર્કિયોલોજી વિભાગને જાણ કરવામાં આવી છે.
આ તોપ કિલ્લામાં પ્રદર્શની માટે મુકાશે
મંગળવારે મોડી સાંજે ખોદકામ દરમિયાન ઐતિહાસિક તોપ મળી આવી હતી. આ ત્રણેય તોપ અંગે હાલ આર્કિયોલોજી વિભાગને જાણ કરવામાં આવી જ છે. તેમજ મેયર હેમાલી બોઘાવાલાને તોપ મળી હોવાની જાણ થતા જ મેયર હેમાલી બોઘાવાલા સુરત મનપા મુખ્ય કચેરીથી ચાલતા ચાલતા કિલ્લાના મેદાન સુધી પહોંચ્યા હતા અને તોપનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ આવનારા દિવસોમાં આ તોપ કિલ્લામાં પ્રદર્શની માટે મુકવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે.