સુરત: (Surat) સુરત શહેર એ મિની ભારત તરીકે ઓળખાય છે. દેશભરના લોકો રોજગારી માટે સુરત શહેરમાં આવીને વસવાટ કરી રહ્યાં છે અને રોજીરોટી મેળવી રહ્યાં છે. સુરત શહેરમાં વધતી જતી વસ્તીને (Population) કારણે ટ્રાફિકની (Traffic) સમસ્યા પણ વિકરાળ બની રહી છે. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) વધુ ને વધુ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
સુરત મનપા દ્વારા વર્ષ 2007 થી શહેરમાં સિટી બસની (City Bus) શરૂઆત કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તબક્કાવાર બીઆરટીએસ (BRTS) અને ઇલેક્ટ્રિક બસો (Electric Bus) પણ શરૂ કરવામાં આવી છે. અને હવે ભવિષ્યમાં શહેરમાં વધનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી સુરત મેટ્રો પ્રોજેક્ટ (metro project) લાગુ કરાયો છે જેની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. સુરત મેટ્રોની કામગીરી શરૂ કરવા પહેલા જ સર્વે (Survey) કરાયો હતો અને સર્વે પ્રમાણે જો વર્ષ 2026 સુધીમાં મેટ્રોના બંને રૂટ (Route) શરૂ થઈ જશે તો જે-તે સમયની કુલ વસ્તીના 10 ટકા લોકો દરરોજ મેટ્રોમાં સફર કરશે. જેથી ટ્રાફિકની સમસ્યા પણ મહદઅંશે હળવી થશે.
શહેરમાં વધતી જતી વસ્તીને કારણે રોડ પર વાહનો પણ વધી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મોટા રોડ તેમજ વધુમાં વધુ બ્રિજ (Bridge) તો બનાવવામાં આવી જ રહ્યા છે. પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને માસ ટ્રાન્સપોર્ટેશન પણ મજબૂત કરવું જરૂરી છે. આંકડા પ્રમાણે શહેરમાં વર્ષ 2017 માં કુલ 30 લાખ જેટલા વાહનો નોંધાયા હતા અને આવનારા 10 વર્ષમાં શહેરમાં વાહનોની સંખ્યા 63 લાખ જેટલી થવાનું અનુમાન છે. વાહનોની સંખ્યા ઘટાડવા શહેરીજનો પણ માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તે ખુબ જરૂરી છે. શહેરમાં 12 હજાર કરોડના ખર્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભવિષ્યમાં દરરોજ 10 થી 15 ટકા વસ્તી મેટ્રોની મુસાફરીનો લાભ લેશે તેવું અનુમાન છે. જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકશે.
સર્વે પ્રમાણે કયા વર્ષમાં કેટલા મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરશે (એક દિવસની રાઈડરશીપ)
મુસાફરોની સંખ્યા સરવે મુજબ
કોરીડોર રૂટ વર્ષ 2026 વર્ષ 2036 વર્ષ 2046
સરથાણાથી ડ્રીમસિટી 2,08,080 3,69,240 4,53,670
સરથાણાથી ડ્રીમસિટી(રીટર્ન) 2,05,020 3,55,480 4,64,650
ભેસાણથી સારોલી 1,27,150 3,28,380 4,25,310
ભેસાણથી સારોલી (રીટર્ન) 1,23,420 3,42,060 4,41,800
કુલ રાઈડરશીપ 6,63,670 13,95,160 17,86,430
વર્ષ 2046 માં સુરતની વસ્તી 1.25 કરોડ હશે, એક દિવસમાં કુલ 17.86 લાખ મુસાફરો મેટ્રોમાં સફર કરશે
સુરત મેટ્રો પ્રોજેક્ટ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે ત્યારે આ ખર્ચની સામે ટ્રાફિકમાં ઘટાડો થઈ શકશે કે કેમ તે પણ એક ચેલેન્જ છે. પરંતુ આવનારા દિવસોમાં સુરતના વિકાસ સામે જે રીતે ટ્રાફિક વધશે તે જોતા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા સુરત મેટ્રોના ડીપીઆર(ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટ) માં સૂચવવામાં આવ્યું છે કે, વર્ષ 2046 માં સુરત શહેરની વસ્તી 1.25 કરોડ જેટલી હશે અને તેની સામે સુરતમાં એક દિવસમાં કુલ 17.85 લાખ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરશે એટલે કે, જે-તે સમયની કુલ વસ્તીના 14 ટકા લોકો એક દિવસમાં મેટ્રોનો લાભ લેશે જ્યારે વર્ષ 2026 માં કુલ વસ્તીના 6.63 લાખ મુસાફરો એટલે કે, 10 ટકા લોકો એક દિવસમાં મેટ્રોનો લાભ લેશે.
સુરતમાં પીક અવરમાં 30 થી 40 હજાર મુસાફરો મુસાફરી કરશે એટલે મિડીયમ કેપેસિટી મેટ્રો રેલ દોડાવાશે
આવનારા દિવસોમાં જ્યારે શહેરમાં સુરત મેટ્રો રેલ દોડતી થઈ જશે ત્યારે પીક અવરમાં શહેરમાં 30 થી 40 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરશે તેવું અનુમાન છે. જેથી હાલમાં જે રીતે બેંગલોર અને ચેન્નઈ શહેરમાં મીડીયમ કેપેસિટી મેટ્રો દોડાવવામાં આવી રહી છે તે જ પ્રમાણે સુરત શહેરમાં પણ આ કેપેસિટીની મેટ્રો દોડોવવા માટે સર્વેમાં સૂચન કરવામાં આવ્યું છે.