આફ્રિકાના ઝામ્બિયામાં મલેકપોર ગામના યુવકની હત્યા, લૂંટારૂઓની ગોળી ભીંતને અથડાઈને યુવાનના પગમાં વાગી

પલસાણા: (Palsana) પલસાણાના મલેકપોર (Malekpore) ગામે રહેતો યુવક પોતાના ધંધા અર્થે આફ્રિકાના (Africa) ઝામ્બિયા (Zambia) સ્થાયી થયો હતો. જ્યાં ગતરોજ કેટલાક લુંટારુઓ (Robbers) તેના ઉપર ફાયરિંગ (Firing) કરી યુવક પાસેથી ૨૫ હજાર ડોલરની લૂંટ ચલાવી નાસી ગયા હતા. લૂંટ દરમિયાન બંદૂકમાંથી છૂટેલી ગોળી ભીંત સાથે અથડાઇને મલેકપુરના યુવાનના પગે વાગતાં તેનું સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું હતું.

  • યુવક ધંધા પરથી પરત આવતો હતો, ત્યારે ઘરની સામે જ તેને ઘેરી લીધો, ૨૫ હજાર ડોલરની લૂંટ
  • પીન્કેશ પટેલ પરિવારનો એકનો એક પુત્ર હતો, ફાયરિંગ દરમિયાન ગોળી ભીંત સાથે અથડાઈને જમણા પગે વાગી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર મલેકપોર ગામે રહેતા પીન્કેશ રોહિત પટેલ, તેના બનેવી જતીન પટેલ આફ્રિકાના ઝામ્બિયાના મનસા સિટી ખાતે ધંધા અર્થે ગયા હતા. જ્યાં તેમને માણસોની જરૂરિયાત ઊભી થઇ હતી. જેથી પલસાણા ગામના અને નજીકનાં કેટલાંક મિત્રમંડળો સાથે પોતાના સાળા પીન્કેશને પણ ઝામ્બીયા ખાતે બોલાવ્યો હતો. પીન્કેશ છેલ્લાં ત્રણ વર્ષથી એક લીકર અને અન્ય દુકાનોનો વહીવટી સંભાળતો હતો.

બુધવારે પીન્કેશ દુકાન પરથી તેના ડ્રાઇવરને લઇ કારમાં પોતાના ઘરે નીકળ્યો હતો. એ દરમિયાન તેની પાછળ કેટલાક લુંટારુઓ તેનો પીછો કરતા હતા. પીન્કેશને ડ્રાઇવરે તેમના ઘરે ઉતારી કાર લઇ આગળ નીકળતાં પાછળથી આવેલા લુંટારુઓએ પીન્કેશને પકડીને ઢોર માર માર્યો હતો. અને તેની પાસે રહેલી બેગમાં ૨૫ હજારની ઝામ્બિયાની કરન્સી લઇ નાસી ગયા હતા. લૂંટ દરમિયાન લુંટારુઓએ પીન્કેશને ડરાવવા માટે બાજુમાં કરેલા ફાયરિંગ દરમિયાન ગોળી ભીંત સાથે અથડાઇને તેના જમણા પગે વાગી હતી. આથી તેની પત્ની નમ્રતા ત્યાં દોડી આવી હતી. અને બાજુમાં રહેતા અન્ય ગુજરાતીઓ પણ આવી પહોંચ્યા હતા. અને પીન્કેશને તાત્કાલિક દવાખાને લઇ જવામાં આવ્યો હતો.

પગમાંથી લોહી વધુ નીકળી ગયું હોવાથી વધુ સારવાર માટે નજીકના શહેરમાં મોટી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર જણાતાં પીન્કેશ માટે ચાર્ટર પ્લેન પણ બોલાવી લેવામાં આવ્યું હતું. પરંતુ સારવાર દરમિયાન જ પીન્કેશનું મોત નીપજ્યું હતું. આ સમાચાર પલસાણાના મલેકપુર ગામે પ્રસરતાં સમગ્ર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. પીન્કેશ પોતાના પિતા રોહિતકુમારનો એકનો એક પુત્ર હોવાથી તેમના પરિવારજનો ઉપર આફત આવી પડી હતી.

પીન્કેશની પત્ની નમ્રતાને છ માસનો ગર્ભ
પીન્કેશનાં લગ્ન કડોદરા મોદી ફળિયામાં થયાં હતાં. પીન્કેશની પત્ની નમ્રતાને છ માસનો ગર્ભ હતો. બાળકનો જન્મ થાય એ પહેલાં જ આ કરુણાતિકા થવાથી પીન્કેશના સાસરે પણ ગમનો માહોલ જોવા મળ્યો હતો.

પીન્કેશનાં બહેન અને બનેવી એનાથી ફ્લાઇટમાં ઝામ્બિયા પહોંચ્યાં
આ ઘટના બની ત્યારે પીન્કેશનાં બેન અને બનેવી ઇન્ડિયામાં એના ગામે હતાં. જેથી તેઓ પણ તાત્કાલિક ફ્લાઈટ પકડી ઝામ્બિયા પહોંચ્યાં હતાં. પણ કોરોનાને કારણે ત્યાંની સરકાર પીન્કેશની લાશ પોતાના વતન મોકલે છે કે નહીં એ અંગે હજુ રહસ્ય છે.

Most Popular

To Top