સુરત જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક 170 મહુવા છેલ્લી બે ચૂંટણીઓથી કાંટે કી ટક્કર વાળી રહી છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર માટે હાર-જીતનું અંતર ખૂબ ઓછું રહે છે. 2012માં નવા સીમાંકન પછી ચીખલી તાલુકાના ગામો નીકળી જતાં ઢોડિયા સમાજનું પ્રભુત્વ ઓછું થયું છે. છતાં ભાજપે આ સમાજમાં પણ પગપેસારો કરી છેલ્લી બે ટર્મથી આ બેઠક જીતી છે. 2017ની ચૂંટણીમાં માજી કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના તે સમયના કાર્યકારી અધ્યક્ષ ડો. તુષાર ચૌધરીને હરાવી ભાજપના મોહન ઢોડિયા જાયન્ટ કિલર પુરવાર થતાં ભાજપે એમની ફરી પસંદગી કરી છે. બારડોલી અને વાલોડ તાલુકામાં ચૌધરી સમાજનાં મતદારો નિર્ણાયક સાબિત થતાં હોવાં છતાં કોંગ્રેસે ઢોડિયા સમાજમાંથી આવતા એડવોકેટ હેમાંગીની ગરસિયાને ટિકિટ આપી ફાઈટ રોચક બનાવી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ યુવા ઉમેદવાર કુંજન પટેલને ટિકિટ આપી સ્પર્ધા ત્રિકોણીય બનાવી છે. આપના ઉમેદવાર કોનો ખેલ બગાડશે એને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. અહીં હળપતિ મતદારો પણ હાર જીતમાં મહત્વની ભૂમિકા ભજવે છે. મહુવા સુગર ફેક્ટરી અને સુમુલ ડેરી સાથે સંકળાયેલી દૂધ મંડળીઓ થકી અહીંનું ગ્રામ્ય અર્થતંત્ર વિકસતા ગ્રામિણો બે પાંદડે થયાં છે. સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી મહુવા બેઠકના મતદારોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીં વિદ્યાર્થીઓ માટે આર્ટ્સ અને કોમર્સ કોલેજ કાર્યરત હતી. જ્યારે સાયન્સ કોલેજ સરકાર તરફથી આ વર્ષે શરૂ કરવામાં આવી છે. મહુવા વિધાનસભામાં ત્રણ તાલુકાઓના ગામોનો સમાવેશ થાય છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના ૬૯ ગામો, બારડોલી તાલુકાના ૨૮ ગામો તેમજ વાલોડ તાલુકાના ૪૦ જેટલા ગામોનો સમાવેશ થાય છે. મહુવા વિધાનસભામાં કુલ ૨૭૦ બુથો મળી ૨,૨૮,૮૩૧ મતદારો છે. 13,511 નવા અને યુવા મતદારો ઉમેરાયા છે. મહુવા વિધાનસભા બેઠક પર અગાઉ જનતા પાર્ટી, જનતાદળ, કોંગ્રેસ અને ભાજપ એમ બધા ઉમેદવારો જીતી ચૂક્યા છે ત્યારે હવે બે ટર્મથી સતત ભાજપ જીતી રહ્યું છે.
છેલ્લી ચૂંટણીમાં મોહન ઢોડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીને હરાવી જાયન્ટ કિલર પુરવાર થયાં હતાં
મહુવા વિધાનસભામાં ઢોડિયા આદિવાસી મતદારો નિર્ણાયક હોવાથી મોટેભાગે દરેક પક્ષના ઉમેદવારો પણ ઢોડિયા આદિવાસી સમુદાયના જ હોય છે. જનતા પાર્ટી પછી કોંગ્રેસ તરફ ઢળેલા મતદારો ઈશ્વરભાઈ વહીઆના પરાજય પછી છેલ્લી બે ટર્મથી ભાજપના મોહનભાઈ ઢોડિયા સાથે રહ્યા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી આ બેઠક પરથી પરાજીત થયા હતા. 2012 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ ઢોડિયાને ૭૪૧૬૧ મતો મળ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ વહિયાને ૬૨૪૭૪ મતો મળતા ભાજપનો ૧૧૬૮૭ મતે વિજય થયો હતો. જ્યારે ૨૦૧૭ માં ભાજપના ઉમેદવાર મોહનભાઇ ઢોડિયાને ૮૨૪૦૦ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરીને ૭૫૬૩૪ મતો મળતા ૬૭૬૬ મતોથી ભાજપની જીત થઈ હતી.
મહુવા વિધાનસભા વિસ્તારની મુખ્ય સમસ્યાઓ
શહેરોનો જેટલો વિકાસ થયો છે એટલો વિકાસ ગ્રામ્ય વિસ્તારોમાં થયો નથી. આ બેઠકના મોટાભાગના મતદારો ગામડાઓમાં વસેલા છે. અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકો વલખા મારે છે. બેરોજગારીનું પ્રમાણ પણ ખૂબ ઊંચું છે. ઉદ્યોગોના અભાવે પશુપાલન અને ખેતીમાં યુવાનોનું પ્રમાણ વધુ છે. મહુવા વિધાનસભાના કેટલાક ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રસ્તા અને આરોગ્યની સુવિધા વંચિત જોવા મળી રહ્યા છે.
અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને આરોગ્ય સંબંધિત સુવિધા માટે બારડોલી, નવસારી, વ્યારા કે સુરત જેવા શહેરો પર આધાર રાખવો પડે છે. કેટલીક પ્રાથમિક શાળા મર્જર કરવાની નીતિએ બાળકોને શિક્ષણ મેળવવા દુર જતા કર્યા છે. પીવાના પાણી માટે ટાંકાઓ બન્યા છે પણ લોકોને ઘર આંગણે પાણી નહીં મળવાની સમસ્યાનું પુરેપુરું નિરાકરણ થયું નથી. આરોગ્ય કેન્દ્રો પર નિષ્ણાત ડોક્ટરો ઉપલબ્ધ નથી. ક્યાંક ડોક્ટર છે તો સાધનો નથી. ખેડૂતોને મોંઘવારીના પ્રમાણમાં શેરડીના ટનદીઠ ભાવો મળતા નથી. ખેડૂતોને સિંચાઇ માટેની વિજળીમાં વારંવાર કાપની પણ સમસ્યા સતાવી રહે છે. વલવાડા ખાતે ઓલણ નદી પર પુલનું કામ વર્ષોથી અધૂરું છે.
વિધાનસભાની -૨૦૧૨ની ચૂંટણીનું પરિણામ
- મોહનભાઇ ઢોડિયા-૭૪૧૬૧
- ઈશ્વરભાઈ વહિયા-૬૨૪૭૪
- તફાવત-૧૧૬૮૭
વિધાનસભાની -૨૦૧૭ની ચૂંટણીનું પરિણામ
- મોહનભાઇ ઢોડિયા-ભાજપ-૮૨૪૦૦
- તુષારભાઈ ચૌધરી-કોંગ્રેસ-૭૫૬૩૪
- તફાવત-૬૭૬૬
હેમાંગીની ડી. ગરાસિયા : કોંગ્રેસ
કોંગ્રેસનાં ઉમેદવાર હેમાંગીની ડી. ગરાસિયા એલએલબી, એલએલએમ સુધીનું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. ગુજરાત હાઈકોર્ટમાં વ્યવસાયે વકીલ તરીકે કાર્યરત છે. ઢોડિયા પટેલ સમાજની અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે કાર્યરત છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી છે.
કુંજન પટેલ : આમ આદમી પાર્ટી
બી ટે્ક, એમબીએ સુધીનો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે. કુંજન પટેલ ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્યના પુત્ર છે. તો સાથોસાથ આદિવાસીઓના હક્કની લડતમાં સક્રિય ભૂમિકા ભજવી છે.
મોહનભાઇ ઢોડિયા : ભારતીય જનતા પાર્ટી
સતત બે ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય મોહન ડોઢિયા SSC સુધીનો અભ્યાસ ધરાવે છે. અને ખેતી, પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 3 ટર્મ તેઓ સુરત જિલ્લા પંચાયતના સભ્ય રહ્યાં છે. તેમનો પુત્ર પણ જિલ્લા પંચાયતની મહુવા બેઠક પરથી ચૂંટાયેલો છે. મોહનભાઇના પિતા પણ 3 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
મહુવા વિધાનસભાનાં જાતિગત સમીકરણો
મહુવા વિધાનસભામાં સુધી વધુ મતદારો 68,626 ઢોડિયા પટેલ, 42,746 ચૌધરી, 39,374 હળપતિ, 11,746 નાયકા, 9978 ગામિત, 12,716 પ્રજાપતિ, રબારી, 15,142 લઘુમતી (મુસ્લિમ-ખ્રિસ્તી) 8,942 પાટીદાર, 7,743 કોળીપટેલ, 7713 કોટવાડિયા, 8,372 કોંકણી, 4,317 ક્ષત્રિય, 2,623 માહ્યાવંશી જ્યારે પરપ્રાંતિય મતદારોની સંખ્યા 8,960 જેટલી છે.
મહુવા (એસટી) બેઠક હેઠળના વિસ્તારો
આ બેઠક હેઠળ મહુવા તાલુકો, વાલોડ તાલુકો, બારડોલી તાલુકાનો અમુક ભાગ તેમજ મસાડ, મિયાવાડી, રજવાડ, નસુરા, વઢવાણીયા, જુનવાણી, બલદા, વાંસકુઇ, ભેંસુદલા, નાની ભાટલાવ, માંગરોળીયા, વધાવા, ટીમ્બરવા, પીપરીયા, મઢી, સુરાલી, માણેકપોર, ઉવા, કરચકા, હિંડોલિયા, કીકવડ, ગોતાસા, સારેથી, મોતી ભટલાવ, સેજવડ, અલ્લુ, વણકનેર, કનૈયા, પારડી વાલોડ સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે. મહુવા વિધાનસભા મતવિસ્તાર બારડોલી લોકસભા મતવિસ્તારનો ભાગ છે. બારડોલી તાલુકાના પૂર્વ તરફના 29 ગામો અને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તમામ ગામો મળી 139 ગામો આ બેઠકમાં આવ્યાં છે.