SURAT

સુરત ટેક્સટાઈલ માર્કેટની લીઝ રીન્યુ કરવા ભાજપના નામનો ચેક મંગાવનાર સામે પોલીસ ફરિયાદ

સુરત: (Surat) સુરત ટેક્સટાઈલ માર્કેટની (Surat Textile Market) લીઝ રિન્યુ (Lease Renewal) કરવામાં મનપાને આપવાના થતા પ્રિમિયમના રૂપિયા આપવાની સાથે ભાજપ (BJP) માટે પણ ફંડ પેટે રૂપિયા એક લાખનો ચેક માંગવાના વિવાદમાં આજે સુરત ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ એસટીએમના મેનેજિંગ કમિટીના સભ્ય દિનેશ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નિરંજન ઝાંઝમેરા દ્વારા ક્રાઈમ બ્રાંચમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેને પગલે પોલીસ દ્વારા દિનેશ રાઠોડની પુછપરછ શરૂ કરી છે.

  • એસટીએમના મેનેજિંગ કમિટીના સભ્ય દિનેશ રાઠોડએ ભાજપના નામે એક લાખના ચેકનો મેસેજ વેપારીઓને કર્યો હતો
  • વિવાદ થતાં ભાજપ માટે નીચાજોણાની સ્થિતિ થતાં શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી
  • અરજીને પગલે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી દિનેશ રાઠોડને બોલાવી પુછપરછ શરૂ કરી

એસટીએમના મેનેજિંગ કમિટીના સભ્ય દિનેશ રાઠોડએ મનપાને 50 વર્ષની લીઝ માટે ચૂકવવાના થતાં 127 કરોડના પ્રિમિયમની માંગણીમાં વેપારીઓને એવો મેસેજ કર્યો હતો કે ‘લીઝ રિન્યુ કરવા માટે દરેક વેપારીએ પાંચ લાખ ભરવાના છે, તેમાથી ચાર લાખનો ચેક એસટીએમ માર્કેટના નામે અને એક લાખનો ચેક ભાજપના નામનો તારીખ પાંચમી માર્ચ સુધીમાં માર્કેટની ઓફિસમાં જમી કરાવી જવો’. જેને પગલે મોટો વિવાદ થયો હતો. ભાજપ માટે જાહેરમાં નીચાજોણુંની સ્થિતિ થઈ હતી. જ્યારે આપના સભ્યો દ્વારા આ મામલે મહાપાલિકામાં હલ્લાબોલ પણ કરવામાં આવ્યું હતું. જેને કારણે આખરે ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોડીરાત્રે દિનેશ રાઠોડને બોલાવીને તેની પુછપરછ શરૂ કરી દીધી હતી.

Most Popular

To Top