સુરત: (Surat) સુરતના સરથાણા ખાતે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરને (Builder) તેના ભાગીદારે હિસાબમાં લેવાના થતા રૂપિયા બાબતે ફોન ઉપર ધમકી (Threat) અપાવી હતી. અને જો રૂપિયા નહીં આપે તો જ્યાં મળશે ત્યાંજ મારી નાખીશું કહેતા બિલ્ડરે સરથાણા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ફોન (Phone) આવ્યો હતો જેમાં ગાળો આપી જોઈ લેવાની ધમકી આપી હતી.
- સુરતના સરથાણામાં જમીનના નાણા બાબતે બિલ્ડરને જાનથી મારવાની ધમકી
- બિલ્ડરે ભાગીદારને હાલ રોકડ નહીં હોવાથી મિલકત લખી આપવા કહ્યું હતું
- ભાગીદારે રોકડા જ જોઈએ કહીને હાર્દિક ગઢવી પાસે હવાલો પાડી ફોન કરાવ્યો હતો
- નાણા નહી આપે તો જ્યાં મળશે ત્યાં જીવતા નહી રહેવા દઉં એવી ધમકી આપી હતી
સરથાણા જકાતનાકા પાસે કવીતા રો હાઉસમાં રહેતા 40 વર્ષીય ઉમેશભાઈ રવજીભાઈ કાકડીયા મુળ ગારીયાધર, ભાવનગરના વતની છે. ઉમેશભાઈ ભાગીદાર કાળુભાઈ વેલજીભાઈ મયાણી સાથે જમીન લે-વેચ અને મકાન બાંધકામનું કામ કરે છે. ઉમેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં કાળુભાઈ વેલજીભાઈ મયાણી (રહે. મોટા વરાછા, ૨૬ કેરેટ ગોલ્ડ એપાર્ટમેંટ) તથા હાર્દીક ગઢવીની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાગીદાર કાળુભાઈના ઉમેશભાઈ પાસે ધંધાના લેતી દેતીના નાણા નીકળે છે. આ નાણાના બદલે ઉમેશભાઈ તેમને માલ આપવા સહમત થયા હતા. છતા કાળુઊભાઈ નાણા લેવાનો આગ્રહ રાખતા હતા. ગત 17 જુનના રોજ ઉમેશભાઈ ઘરે હતા ત્યારે સાંજે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
ફોન ઉપર વાત કરનારે હું હાર્દિક ગઢવી બોલુ છું, તમારે કાળુભાઈ મયાણીના ભાગીદારીના લેતી દેતીના રૂપીયા આપવાના છે તેનો મને કાળુભાઈએ હવાલો આપ્યો છે. તમે કાળુભાઈના નાણા આપી દો તેમ કહ્યું હતું. ઉમેશભાઈએ વાત કરનારને હુ તને ઓળખતો નથી તેમ કહેતા તેણે ગાળો આપી જોઈ લેવાની ધમકી આપી હતી. ઉમેશભાઈએ ફોન કાપી નાખતા સાંજે ફરી બીજા નંબર પરથી હાર્દિક ગઢવીએ ફોન કરી હું કાળુભાઈને લઈને આવુ છું તમારો લેતી દેતીનો હીસાબ પતાવી દઈએ તેમ કહ્યું હતું. ઉમેશભાઈએ પોતે તેને ઓળખતો નથી તેમ કહેતા ગાળો આપી જ્યા મળશે ત્યાં જીવતો નહી રહેવા દઉ તેવી ધમકી આપી હતી.