સુરત: (Surat) શહેરમાં કોરોનાના (Corona) વધતા કેસ (Case) અને ગંભીર દર્દીઓની સંખ્યા જોતા હવે વહિવટી તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા કલેક્ટરે (Collector) બુધવારે જિલ્લાની ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોવિડ ટેસ્ટિંગની કીટ, દવાઓ, ઇન્જેક્શન જેવી જરૂરિયાતની વસ્તુઓનો એક મહિના સુધી ચાલે એટલો સ્ટોક રાખવા આદેશ કર્યો છે.
ઓમિક્રોનના કેસમાં દરરોજ બમણો વધારો થઈ રહ્યો છે. કેસમાં ઉછાળો આવતા આગામી દિવસોમાં હોસ્પિટલો ઉભારાય તો દવા અને ઇન્જેક્શનોની અછત નહીં સર્જાય તે માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. દવા , ઇન્જેકશનની અછત ઊભી થાય તે માટે આગમચેતીના ભાગરૂપે સ્ટોક કરી લેવા કલેક્ટરે ફરમાન જારી કર્યું છે. સુરતમાં હાલ દરરોજ 18 હજાર ટેસ્ટિંગ થઇ રહ્યા છે. આગામી દિવસમાં પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ 30 હજાર સુધી લઇ જવાશે. હાલ મનપાએ 10 લાખ અને જિલ્લા આરોગ્ય વિભાગે 2.50 લાખ કોરોના કીટ ખરીદી લીધી છે. શહેરમાં હોસ્પિટલમાં દાખલ થનારાઓનું પ્રમાણ ધીમી ગતિએ વધી રહ્યું છે. આગામી દવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધે અને કોવિડ કેર સેન્ટરના અભાવે ખૂબ જ ઓછાં લક્ષણાવાળા દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવે તે માટે વહીવટીતંત્રે કોવિડ કેર સેન્ટર (આઇસોલેશન સેન્ટર) ઊભા કરવાનું શરૂ કર્યું છે. જિલ્લા કલેકટરે શહેર – જિલ્લાની ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોના સંચાલકોને બોલાવી દવા, ઇન્જેક્શન, કોવિટની ટેસ્ટિંગ કીટ એક મહિનો ચાલી રહે એટલો સ્ટોક એડવાન્સમાં ખરીદી લેવા સૂચના આપી છે. આગામી અઠવાડિયે માંડવીને લેબોરેટરી કાર્યરત થઇ જશે.
કોવિડ કેર સેન્ટરો ઉભા કરાશે
શહેરના શ્રમિક વિસ્તારોમાં નાની ઓરડીઓમાં ટોળામાં લોકો રહે છે. જેના કારણે ચેપ ફેલાવવાની સંભાવના વધારે હોય છે. જો કોઈને ચેપ લાગે તો આઇસોલેશનનો પ્રશ્ન ઊભો થાય છે. વ્યવસ્થા કરવા માટે વહીવટીતંત્ર કોવિડ આઇસોલેશન સેન્ટર (કોવિડ કેર) શરૂ કરાશે. હજીરા, પલસાણા, કડોદરા, સચિન અને માંગરોળ વિસ્તારમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો આ સેન્ટરનું સંચાલન કરશે.
લગ્નની જાણ કરવા સરકારી પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહેશે
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મોટાપ્રમાણમાં લગ્નના આયોજન કરાયા હતા. પરંતુ સરકારે લગ્નમાં માત્ર 150 વ્યક્તિની મંજૂરી આપતા કેટલાક પરિવારજનોએ લગ્નો રદ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે જે પરિવાર લગ્ન યોજવા ઇચ્છે છે તેઓએ લગ્નની મંજૂરી લેવા માટે સરકારી કચેરી કે પોલીસ સ્ટેશને આટાંફેરા મારવાની જરૂર નથી. સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આપેલું ફોર્મ ભરી તંત્રને માત્ર જાણ કરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરશો એટલે તંત્રને આપોઆપ જાણ થઇ જશે.