SURAT

‘આવો મોટો ફ્લેટ છે ને ઘરે પૈસા નથી રાખતા, તમારા ઘરમાં મેલી વિદ્યા છે’ કહી, સુરતમાં કિન્નર ઘરમાં ઘૂસી ગયા અને..

સુરત: (Surat) ભટાર ખાતે રહેતા અને ફુલહારનો વેપાર કરતા રામી પરિવારના ઘરમાંથી એક કિન્નરે આવીને તેમના ઘરમાં મેલી વિદ્યા હોવાનું અને તે દૂર કરવા સોના-ચાંદીની વસ્તુ મંગાવી હતી. બાદમાં ઘરના ચાર સભ્યોને ઘેની પાણી પીવડાવી બેભાન કરી સોના-ચાંદીની 13 હજારના મત્તા લઈ ફરાર થઈ ગયો હતો. ખટોદરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • કિન્નરે ઘરમાં મેલી વિદ્યા હોવાનું કહીને સોનાની પાંચ વસ્તુ મંગાવી હતી
  • વરાછામાં કિન્નર બનીને આવેલા પુરૂષની સામે વધુ એક ફરિયાદ

ભટાર ખાતે ઇન્દ્રજીત એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય ચેતનભાઈ નવીનભાઈ રામી પાંડેસરામાં રામેશ્વર મંદિરની બહાર ફુલહાર વેચે છે. ગત 13 જાન્યુઆરીએ સવારે નવેક વાગે ઘરે કિન્નર આવીને પૈસા માંગતા કહ્યું કે ‘માતાજીના દિેવા માટે 2500 રૂપિયા આપો.’ ચેતનભાઈએ ‘માતાજીના દિવા માટે જોઈએ તો 1000 રૂપિયા આપું’ તેમ કહ્યું હતું. કિન્નરે ‘આવો મોટો ફ્લેટ છે ને ઘરે પૈસા નથી રાખતા, તમારા ઘરમાં મેલી વિદ્યા છે’ તેમ કહ્યું હતું. ‘તમારા ઘરમાં પ્રોબ્લેમ ચાલે છે’ તેમ કહી વિશ્વાસમાં લઈ ‘સોનાની પાંચ વસ્તુ મુકવી પડશે’ તેમ કહ્યું હતું. જેથી એક સોનાની કાનની બુટ્ટી જેની કિંમત 10 હજાર, ચાંદીની લકી જેની કિંમત 1500, ચાંદીના કડા કિ.રૂ.500, ચાંદીની લગડી જેની કિંમત 1000 રૂપિયાની એક રૂમાલમાં મુકીને કિન્નરને આપી હતી.

ત્યારપછી કિન્નરે પીવા માટે પાણી માંગતા ગ્લાસમાંથી થોડું પાણી પીધું હતું. અને બીજા એક ગ્લાસમાં કંકુ-ચોખા વાડુ પાણી માંગી તે પણ પીધું હતું. પહેલા માંગેલા ગ્લાસમાંથી થોડું પાણી ચેતનભાઈ, તેમની પત્ની, બહેન અને ભાઈને હથેળીમાં આપ્યું હતું અને માતાજીનું નામ લઈને પી જવા કહ્યું હતું. પાણી પીતા ચારેય જણા બેભાન થઈ ગયા હતા. એકાદ કલાક બાદ તે ભાનમાં આવ્યા ત્યાં સુધીમાં કિન્નર રૂમાલમાં વસ્તુઓ લઈને ફરાર થઈ ગયો હતો. ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વરાછામાં પણ આજ રીતની ઘટના બની હતી. જેમાં ક્રાઈમ બ્રાંચે કિન્નરને પકડી પાડતા તે પુરૂષ હોવાનું સામે આવ્યું હતું.

Most Popular

To Top