SURAT

સુરતમાં એક જ દિવસે ખોવાઈ ગયા પરિવારના 3 બાળકો, સંબંધીનો દીકરો..

સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા કાકાનાં દીકરા-દીકરી, વેવાઈની ભત્રીજી અને કતારગામ ખાતે રહેતો અન્ય એક સંબંધી મળી ચારેય ઘર છોડીને અઠવાડિયાથી જતાં રહ્યાં છે. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • રાંદેરમાં ઢોલ વગાડવાનો વ્યવસાય કરતું પરિવાર હાંફળુંફાંફળું બન્યું
  • ટ્રેનમાં ચારેય બાળકો વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરતા નજરે પડે છે
  • વતન રાજસ્થાન બસમાં બેસીને ગયાં હોવાની આશંકાએ પોલીસની તપાસ ચાલુ

રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર ખાતે એસએમસી આવાસમાં રહેતા અને ઢોલ વગાડવાના વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશ ધોલારામ ભાટે તેમની પુત્રી જ્યોતિ (ઉં.વ.16), તેમના વેવાઈની ભત્રીજી મુસ્કાન (ઉં.વ.15) અને તેમના પિતરાઈ ભાઈ મુકેશનો પુત્ર વિકાસ (ઉં.વ.17) ગુમ થયાંની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ગત 5 તારીખે મળસકે તેઓ ઊઠ્યા ત્યારે તેમની પુત્રી જ્યોતિ ઘરમાં હાજર ન હતી. જેથી દીકરીની શોધખોળ કરતાં બાજુના બિલ્ડિંગમાં રહેતા વેવાઈની ભત્રીજી પણ ગાયબ હતી. અને તેમના પિતરાઈ ભાઈનો પુત્ર પણ ગાયબ હતો. જેથી પરિવારે સ્ટેશનથી લઈ શહેરમાં સંબંધીઓને ત્યાં શોધખોળ કરી, પરંતુ કોઈ મળી આવ્યું ન હતું. જેથી રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ કરતાં તેમનો વધુ એક સંબંધી કતારગામ ખાતે રહેતો આકાશ (ઉં.વ.19) પણ તેમની સાથે ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સીસીટીવી તપાસતાં આ ચારેય સુરત રેલવે સ્ટેશનથી વલસાડની ટ્રેનમાં બેસીને જતા જોવા મળે છે. વલસાડમાં ટ્રેનમાંથી ઊતરે છે. પરંતુ ત્યાર પછી ક્યાં ગયા તેની તપાસ ચાલુ છે. પોલીસને તેઓ બસમાં બેસીને રાજસ્થાન તેમના વતન ગયા હોવાની આશંકા છે. જો કે, હજી વતનમાં પણ પહોંચ્યાં ન હોવાથી પોલીસ વધારે તપાસ કરી રહી છે. ચારેય પૈકી માત્ર આકાશ પાસે મોબાઈલ ફોન છે. તેઓ કેમ ઘર છોડી ગયાં અને ક્યાં ગયાં એ મળ્યા પછી જ જાણી શકાશે.

Most Popular

To Top