SURAT

બાળકોને સપનાની દુનિયામાં લઈ જશે સુરતનું કિડ્સ સિટી

સુરતઃ (Surat) કહેવાય છે કે, સુરતીઓને ટ્રાફિક સેન્સ ઓછું છે. આથી દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. તેમજ અકસ્માતોના કેસ પણ વધી રહ્યા છે. તેથી શહેરનાં બાળકો (Children) અને વિદ્યાર્થીઓને જ આ અંગેનું નોલેજ આપવામાં આવે તો તેઓ નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે. એ માટે સુરત મહાનગરપાલિકાએ એક પ્રોજેક્ટનું આયોજન કર્યું છે. જેની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. શહેરના અઠવા ઝોન વિસ્તારમાં ‘‘પ્લાનિંગ ઓફ રોડ સેફ્ટી એન્ડ એજ્યુકેશન ફન પાર્ક (કિડ્ઝ સિટી)’’ (Kids City) વિકસાવવામાં આવી રહી છે.

મજૂરા વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. 9, ફા.પ્લોટ નં.186માં કુલ 4240 ચોરસ મીટર જગ્યામાં આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવી રહ્યો છે. કુલ રૂ.10.27 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થશે. 2 ફેઝમાં આ પ્રોજેક્ટ સાકાર કરાશે. જેમાં વિવિઝ એક્ટિવટી, ફન ગેમ, (Fun Game) ટ્રેક વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ કિડ્ઝ સિટીમાં ઈન્ટિરિયરના કામ માટે કુલ રૂ.8.27 કરોડનો ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે અને તેની મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે.

અગાઉ પણ બે વાર આ કામ માટે દરખાસ્ત મુકાઈ હતી. પરંતુ અમુક કારણોસર દરખાસ્ત દફ્તરે થઈ હતી. મનપા દ્વારા કિડ્ઝ સિટીમાં ફર્નિચર, એ.સી., ફાયર સેફ્ટી, ઈલેક્ટ્રિક વર્કના કામ માટે કુલ રૂ.9.99 કરોડનો અંદાજ આંકવામાં આવ્યો હતો, તેની સામે મનપાને 17.21 ટકા નીચું ટેન્ડર આવ્યું હોય, મનપાએ દરખાસ્ત શાસકો સમક્ષ મૂકી છે. જે અંગે ગુરુવારે મળનારી સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે.

કિડ્ઝ સિટીમાં જુદા જુદા ઝોન બનાવાશે

મનપા સંચાલિત આ કિડ્ઝ સિટીમાં બાળકોને ટ્રાફિક, રોડ સેફ્ટી વગેરેની માહિતી માટે બે વર્ગમાં એક્ટિવિટી કરાવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4થી 14 વર્ષનાં બાળકો માટે તેમજ 8થી 10 વર્ષનાં બાળકો માટે જુદી જુદી એક્ટિવિટી, ગેમિંગ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને ટ્રાફિક વગેરેનું જનરલ નોલેજ પણ મળે એ માટે પણ વિવિધ એક્ટિવિટી કરાવવાનું આયોજન કરાશે. ઉપરાંત અન્ય ક્ષેત્રનું પણ જ્ઞાન બાળકોને મળે એ માટે પણ વિવિધ ગેમ અને એક્ટિવિટી કરાશે, જેમાં ફાયર સ્ટેશન, રેડિયો સ્ટેશન, સ્પોર્ટ રૂમ, એસ્ટ્રોલોજી રૂમ, ચોકલેટ ફેક્ટરી, ટેક્સ ઓફિસ, વિઝન ઈન ડાર્કનેસ, રિટેઈલ સ્ટોર, એનસીસી ટ્રેનિંગ રૂમ પણ હશે.

કાર અને સાઇકલ ટ્રેક પણ બનાવાશે

કિડ્ઝ સિટીના આઉટર એરિયાને પણ ખાસ પ્રકારના આકર્ષક લાગે તેવા ઈન્ટિરિયર સાથે તૈયાર કરવામાં આવશે. જેમાં કિડ્ઝ સિટીના અંદરના ભાગે વિવિધ એક્ટિવિટી અને ઈનડોર ગેમ્સનો સમાવેશ કરાયો છે. જ્યારે આઉટર ઍરિયામાં બે પ્રકારના ટ્રેક બનાવાશે. જેમાં એક કાર ટ્રેક હશે. અને બીજા સાઇકલ ટ્રેક હશે. જેમાં બાળકો સરળતાથી ચલાવી શકે એ પ્રકારની સાઇકલ અને કાર મુકાશે, જેમાં તેઓ સરળતાથી આ ગેમિંગનો આનંદ લઈ શકે. કારમાં પેડલ કાર, ઈલેક્ટ્રિક કાર મુકાશે. જેમાં ઝેબ્રા ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ સાથેના ટ્રેક બનાવાશે. જેથી બાળકોને ટ્રાફિક નિયમોનું પણ નોલેજ મળે.

Most Popular

To Top