સુરત: (Surat) સરથાણામાંથી કિશોરીનું અપહરણ (Kidnapping) કરી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં કોર્ટે (Court) આરોપીને અપહરણ, બળાત્કાર (Rape) અને પોક્સો એક્ટની કલમો હેઠળ કસૂરવાર ઠેવરીને 20 વર્ષની કેદની સજા અને એક હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો.
- કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી
- આરોપી કિશોરીને મહારાષ્ટ્ર લઈ ગયો હતો અને મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા
કેસની વિગત એવી છે કે સરથાણા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાના માલેગાંવ તાલુકાના વતની અને જે-તે સમયે સુરતના સીમાડા ખાતે રહેતા આકાશ સુભાષ પવનમારે 3 જિન 2021ના રોજ પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરીને લઈ ગયો હતો. આરોપી આકાશ કિશોરીને મહારાષ્ટ્ર લઈ જઈને ત્યાં ભાડાના રૂમમાં કિશોરીને રાખીને તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. કિશોરીના પિતાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અપહરણ-બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી આકાશની ધરપકડ કરી હતી.
સાથે જ આરોપીના રહેવાની વ્યવસ્થા કરવામાં મદદગારી કરનાર આરોપી પ્રમોદ અશ્રુ પુરૂષોત્તમ ની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ બંને સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુરેશ પાટીલે દલીલો કરી હતી. અંતિમ સુનાવણી પછી, કોર્ટે આરોપી આકાશ પવનમારેને અપહરણ-બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને તેને 20 વર્ષની સખત કેદ અને એક હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. જ્યારે આરોપી પ્રમોદને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો. આરોપી આકાશ કિશોરીનું અપહરણ કરી ગયો ત્યારે કિશોરી ઘરેથી 80 હજાર રૂપિયા લઈ ગઈ હતી. ત્યાંથી આકાશ કિશોરીને અલગ-અલગ ગામ લઈ ગયો હતો. આરોપીએ કિશોરી સાથે મંદિરમાં મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા હતા.
74.47 હજારના 37 કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓનેને 15 વર્ષની કેદની સજા
સુરત: કડોદરામાં સાડા પાંચ વર્ષ પહેલા 74.47 હજાર રૂપિયાના 37 કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટે એનડીપીએસ એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવીને તેમને 15 વર્ષની કેદ અને એક-એક લાખ રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 18 મહિનાની કેદની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે માદક પદાર્થના રૂપિયા ઘણી વખત આતંકવાદના પ્રોત્સાહન સહિતની ગેરકાયદેસરની પ્રવૃત્તીઓ માટે વપરાય છે.દેશના ભાવી માટે હાનિકારક છે. યુવાનો તેના વ્યસની બને છે.માદક પદાર્થ આવનારી પેઢી પર વિપરીત અસર કરે છે.એક તરફ વ્યકિતગત હિત અને સામે સમાજનું હિત હોય તો કાયદાએ હમેશા સમાજ-રાજ્ય અને રાષ્ટ્રના હિતને પ્રાધાન્ય આપેલ છે.
કેસની વિગત એવી છે કે તા.20મી જુન 2017ના રોજ જિલ્લા પોલીસે કડોદરા સીએનજી પંપ પાસેથી આરોપી મોહમદ શહમેર આલમ અબ્દુલ સત્તાર, મોગુલ ઉર્ફ સુનીલ પુરૂસોત્તમ સ્વાઈ, બીપીન બિહારી વનમાળી બહેરા અને એક કિશોર 37 કિલો ગાંજા સાથે ઝડપાયા હતા. ગાંજાની કિંમત 74.47 હજાર રૂપિયા હતી. આરોપી મોહમદ શહમેર અને મોગુલ ઉર્ફે સુનિલ કડોદરામાં ગાંજાનું છૂટક વેચાણ કરતાં હતા અને આરોપી બિપિન તથા કિશોર ઓરીસ્સાથી ગાંજો આપવા માટે આવ્યા હતા. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આજ રોજ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. તેમાં કોર્ટે આરોપી મોહમદ શહમેર, મોગુલ ઉર્ફ સુનિલ અને બિપિનને એનડીપીએસ એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવીને ત્રણેયને 15-15 વર્ષની સખ્ત કેદની સજા, ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 18 મહિનાની સજાનો હુકમ કર્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામેના કેસનો નિર્ણય હાલ બાકી છે.સરકાર તરફે એડવોકેટ જીતેન્દ્ર પારડીવાલાએ દલીલો કરી હતી.