સુરત : સુરત (Surat) ખજોદ ડાયમંડ બુર્સ (Diamond bourse) નજીક કાર અને ડમ્પર વચ્ચે ભારે અકસ્માત (Accident) સર્જાયો હતો. એક કાર ડમ્પરની પાછળ ઘુસી જતા કાર સવાર એક બાળક સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. જેમાં રામનગરની એક મહિલાનું મોત નીપજ્યું હતું. ચીખલીથી રાંદેર જતા સેવલાની પરિવારને આ અકસ્માત નડ્યો હતો. જો કે હાલ પોલીસે (Police) ઘટનાની તપાસ હાથ ધરી છે.
પરિવારે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત અમિત હાલ સિવિલમાં જ દાખલ છે. લગ્નને 2 વર્ષ જ થયા હતા. એક 8 મહિનાની દીકરી દશાના છે. અમિત ઓલા કાર સેવા કંપનીમાં ડ્રાઇવર છે. પરિવાર અને મિત્ર ઇન્દ્રજીત ગુલાબદાસ ટેલર સાથે એની જ કારમાં ચીખલી ગયા હતા. જયાંથી પરત ફરતી વેળા એ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાર ડમ્પર પાછળ ઘુસી ગઈ હતી. કારમાં સવાર એક 8 માસની દિકરી, મહિલા અને બન્ને પુરુષોને ગંભીર ઇજા થઇ હતી. તમામને લોકોની મદદથી બહાર કાઢી 108માં સારવાર માટે સિવિલ મોકલ્યા હતા. જો કે મહિલાને મૃત જાહેર કરાઈ હતી. જેનું નામ ભાવિકા હોવાનું બહાર આવ્યું હતું. હાલ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ઇજાગ્રસ્ત બન્ને યુવકોના નિવેદન લીધા બાદ જ કઈ કહી શકાશે.
ભાવેશ ડાભી (108 EMT, બમરોલી લોકેશન) એ જણાવ્યું હતું કે કોલ મળતા જ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. મહિલાની તબિયત ગંભીર હતી. સ્થળ પર જ CPR આપવા પડ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક બે એમ્બ્યુલન્સમાં ચાર જણા ને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ભાવિકા નામની મહિલા ને મૃત જાહેર કરી હતી. પરિવાર ને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ આવી ગયા હતા. ખજોદ અકસ્માત કેસમાં સચિન પોલીસ સ્ટેશન અને સચિન GIDC પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ ની માનવતા સામે આવી હતી. નોકરી પરથી ઘરે જતા બન્ને પોલીસ કર્મચારીઓ ને રસ્તે અકસ્માત દેખાયા બાદ તાત્કાલિક કાર ને રોડ બાજુ એ ઉભી કરી મદદમાં દોડી ગયા હતા.
એટલુ જ નહીં પણ ગંભીર રીતે ઘવાયેલી 8 માસની બાળકી ને પોતાની કારમાં લઈ બન્ને પોલીસ કર્મચારીઓ સિવિલ દોડી આવ્યા હતા. જ્યાં બન્ને કર્મચારીઓ એ સોનોગ્રાફી, એક્સ-રે, કઢાવી દિકરીને ICU માં દાખલ કરાવી હતી. ત્યારબાદ પરિવાર ના સભ્યો ને જવાબદારી આપી રાત્રીના 2:45 કલાકે ઘરે ગયા હતા. આ બન્ને પોલીસ કર્મચારીઓના નામ ભરત બચુ ભાઈ ડાંગર (સચિન પોલીસ સ્ટેશન) અને એમના મિત્ર હિતેન્દ્ર સિંહ ચાવડા જેઓ સચિન GIDC માં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પણ આ એક જવાબદારી હોવાનું અને સામે બાળકી હોવાથી તાત્કાલિક બાળકી ને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું.