સુરત – માંડવી : (Surat) સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી પસાર થતી કાકરાપાર (Kakrapar) જમણા કાંઠાની નહેરની દીવાલ માંડવીના ધરમપોર ગામે તૂટતાં હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો. આભ ફાટ્યું હોય ત્યાં થિંગડા મારવા જેવો ઘાટ નહેરનો થયો હતો. અધિકારીઓ પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરવા JCB મશીન લઈ પહોંચ્યા હતાં.
સુરત જિલ્લાના માંડવી, કામરેજ, ઓલપાડ, ચોર્યાસી અને ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વરના ગામોને જમણા કાંઠાની નહેરથી સિંચાઈનું પાણી મળે છે. 1 લાખ એકરમાં શેરડી અને 50,000 એકરમાં ડાંગરના પાકને અસર થશે. એટલું જ નહીં શાકભાજીનો પાક પણ ખરાબ થશે. 60 વર્ષ જૂનું સ્ટ્રક્ચર હોવાથી દીવાલ અને નહેર યુદ્ધના ધોરણે રીપેર થવી જોઈએ. સહકારી આગેવાન જયેશ દેલાડની રજૂઆત પછી સિંચાઈ મંત્રીએ યુદ્ધના ધોરણે રાત-દિવસ રીપેરીંગ કામ કરાવી ત્રણથી ચાર દિવસમાં રીપેરીંગ કામ પૂરું કરાવવા ખાતરી આપી હતી. જેથી ખરીફ પાકને થતું નુકસાન અટકાવી શકાય.
સહકારી આગેવાન જયેશ દેલાડની સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત
નહેર ખાતાએ નહેર અને દીવાલના રિપેરીંગ માટે પાણીનો પુરવઠો બંધ કરી 10 દિવસ પાણીનો સપ્લાય બંધ રાખવા ખેડૂત આગેવાનોને જાણ કરતાં જિલ્લાના ખેડૂત અને સહકારી આગેવાન જયેશ એન.પટેલ (દેલાડ)એ રાજ્યના સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી કે, 10 દિવસ નહેરનું પાણી બંધ રહેશે તો ગરમીમાં 1.50 લાખ એકર જમીનમાં ઊભેલી શેરડી અને ડાંગરના પાકને ભારે નુકસાન થશે.
1 કરોડના ખર્ચ પછી પણ દિવાલ તૂટતા નહેર વિભાગનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો : દર્શન નાયક
સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં જ્યાં ગાબડું પડ્યું છે તે માંડવી તાલુકાના ધરમપોર ગામે પાણીનો કોઈ ફોર્સ નથી, છતાં એકની એક જગ્યાએ જ ગાબડા કેમ પડે છે. નહેર અને દીવાલ રિપેરીંગ માટે કરોડોનો ખર્ચ કરવા છતાં ગાબડું પડ્યું. એ દર્શાવે છે કે નહેર ખાતાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. આ પ્રકરણમાં નહેર ખાતાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થવી જોઈએ.
પાણી પુરવઠો બંધ થતાં હજીરા નહેરમાં પ્રદૂષિત સોલિડ વેસ્ટના ઢગલા મળ્યાં
કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં ગાબડું પડ્યા પછી નહેર વિભાગે પાણીનો પુરવઠો બંધ કરતાં નહેરના પાણી ઉતરી ગયા હતા. હજીરા નહેરમાં પાણી ઉતરી જતાં ઠેર ઠેર ઔદ્યોગિક સોલિડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે હજીરાના ઉદ્યોગો અને કેમિકલ માફિયાઓ હજીરા નહેરમાં પાણી હતું ત્યારે ઝેરી રાસાયણિક કચરો નહેરમાં પધરાવતા હતાં. જેના આજે ઢગ જોવા મળી રહ્યાં છે. શંકા એવી છે કે નહેર ખાતાના અધિકારી કેમિકલ માફિયાઓ સાથે મળી ઝેરી રાસાયણિક કચરો ઠાલવતા હોય શકે છે. જીપીસીબી અને પોલીસે આ મામલો ગંભીરતાથી લઈ તપાસ કરવી જોઈએ. કારણકે આ પાણી પીવાથી છેલ્લા કેટલાક વર્ષમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના પશુઓના મોટી સંખ્યામાં મોત થાય એની પાછળ આ નહેરમાં ઠાલવાતું કેમિકલ વેસ્ટ હોય શકે છે.