સોમવારે મળસ્કે 4 કલાકે સુરતના કડોદરા જીઆઈડીસીમાં (Kadodara GIDC) આવેલી વિવા પ્રોસેસ (Viva Process) નામની કંપનીમાં આગ (Fire) ફાટી નીકળી હતી. આ ગમખ્વાર ઘટનામાં બે કારીગરોના મોત થયા છે, જ્યારે લાશ્કરો દ્વારા 250થી વધુને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે. ભીષણ આગથી બચવા માટે કારીગરો ફેક્ટરીના ટેરેસ પર પર ચઢી ગયા હતા. તેમને બચાવવા માટે ફાયર ફાઈટરોએ હાઈડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ફાયર ફાઈટરોના જણાવ્યા અનુસાર તેઓને 4.30 કલાકે આગનો કોલ મળ્યો હતો. ફેક્ટરીમાં 250થી 300 કારીગરો ફસાયા હોવાનો કોલ મળ્યો હતો, જેના લીધે સુરત શહેર તથા જિલ્લાના 16થી વધુ ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા 108 પણ દોડી ગઈ હતી.
કડોદરા GIDCમાં વિવા પેકેજિંગ કંપનીમાં બેઝમેન્ટ માં આગ લાગતા સુરતની 16 થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. જેને લઈ 5 ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 125 થી વધુ જણાને બચાવી લેવાયા હતા.
બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી, જે ઝડપથી ઉપરની તરફ પ્રસરી રહી હતી, જેના લીધે કારીગરો જીવ બચાવી બહાર રસ્તા પર જઈ શક્યા નહોતા. કારીગરો જીવ બચાવવા માટે ટેરેસ પર જતા રહ્યાં હતાં. એક કારીગર પાંચમા માળેથી નીચે કૂદી ગયો હતો, જેના લીધે તેનું મોત થયું હતું. બેઝમેન્ટમાંથી એક બળી ગયેલો મૃતદેહ ફાયર ફાઈટરોને મળ્યો હતો.
કારીગરો જીવ બચાવવા માટે રીતસર હવાતિયાં મારી રહ્યાં હતાં. અંદાજે 1 કલાકથી વધુ સમય કારીગરો બિલ્ડિંગમાં ફસાયેલા રહ્યાં હતાં. અંદાજે 125થી વધુ કારીગરોને હાઈડ્રોલિક ક્રેનની મદદથી ઉતારવામાં આવ્યા હતા. બેઝમેન્ટમાં આગ લાગી તે આખીય બિલ્ડિંગમાં પ્રસરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. રિવા પ્રોસેસર્સ કંપની એક પેકેજિંગ કંપની છે.
આ કંપનીમાં પાંચમા માળે આગ પ્રસરતા એક કર્મચારીએ કૂદકો મારી દીધો હતો. સાડા ત્રણ કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
અંદાજે 15 કારીગરોની હાલત ગંભીર હોય તેઓને 108માં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 108ના કર્મચારી સૂત્રોના જણાવ્યા અનુસાર આગની આ ઘટનામાં અંદાજે 20 કારીગરો દાઝી ગયા હતા. 15ને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા છે.
વહેલી સવારથી સુરતના પુણા, વરાછા, ગોડાદરા, લિંબાયત, નવાગામના 108 કર્મચારીઓ ખડેપગે દોડધામ કરી રહ્યાં છે. 108ના કર્મચારીઓ સતત હોસ્પિટલ અને ઘટના સ્થળે વચ્ચે દોડધામ કરી રહ્યાં છે. સુરત કડોદરા રોડ ફાયર, પોલીસ અને 108ની સાયરનથી સવારમાં જ ગાજી ઉઠ્યું હતું.
ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી, સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડીંગ ચેરમેન, એસીપી, ફાયર અધિકારી વી.કે. પરીખ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં આગને ઠંડી પાડવાનું અને માળ દીઠ ફસાયેલા કારીગરોને રેસ્કયૂ કરવાની કામગીરી ચાલી રહી છે.