- વેડરોડના ન્યૂ ગૌતમ જ્વેલર્સના માલિકે ઉઠમણું કરતા અનેક ગ્રાહકો ફસાયા
- ન્યૂ ગૌતમ જ્વેલર્સના માલિક મહેશ, વિમલ અને સુમિત્રા સોનીએ ગ્રાહકોને છેતર્યા
- સોનાના ઘરેણા બનાવવા રૂપિયા પડાવી ઝવેરી દુકાન વેચીને ભાગી ગયો
- ઝવેરી વિરુદ્ધ ગ્રાહકોએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સુરત: સુરતમાં એક ઝવેરીએ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો બનાવ બનવા પામ્યો છે. ઝવેરીએ સોનાના નવા ઘરેણાં ઘડી આપવાના બહાને ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા છે. મોટી રકમ ભેગી કર્યા બાદ ધૂતારો ઝવેરી દુકાન વેચીને ભાગી ગયો હતો. આ વાતની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રાહકો દુકાન પર ધસી ગયા હતા, પરંતુ ઝવેરીની કોઈ ભાળ ન મળતા બધાએ ભેગા થઈ ચોકબજાર પોલીસ મથકમાં ઝવેરી વિરુદ્ધ ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વેડરોડ વિજયનગર-૨ સ્થિત સમર્પણ એપાર્ટમેન્ટમાં આવેલા ન્યુ ગૌતમ જ્વેલર્સના માલિકોએ ગ્રાહકો પાસેથી નવા સોનાના દાગીના બનાવી આપવાના બહાને લાખોના દાગીના અને મજૂરીના પૈસા મેળવી દુકાન વેચી મેળવી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મૂળ ભાવનગર જિલ્લાના ગોગાના બુઅલીગામના વતની અને હાલ કતારગામ વાળીનાથ ચોક વિહાર સોસાયટી-૧માં રહેતા જીવરાજ પારઘી(ઉ.વ.૬૫) નિવૃત જીવન ગુજારે છે. જીવરાજ પારઘી વેડરોડ વિજયનગર-૨ સ્થિત સમર્પણ એપાર્ટમેન્ટમાં આવેલા ન્યુ ગૌતમ જ્વેલર્સમાં નવા દાગીના બનાવવા ગયા હતા. જ્યારે ન્યુ ગૌતમ જ્વેલર્સના માલિક મહેશ બાબુ સોની, વિમલ બાબુ સોની અને સુમિત્રાબેન બાબુ સોનીએ ઈરાદાપૂર્વક જીવરાજ પારઘી પાસેથી જુના સોનાની દાગીના મેળવી નવા બનાવીને આપવાનું કહ્યું હતું.
દરમિયાન ગત એપ્રિલ માસથી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન જીવરાજ પારઘી અને અન્ય ગ્રાહકો પાસેથી નવા સોનાના દાગીના બનાવી પ્રેમજી આપવાના બહાને જુના સોનાના દાગીના મેળવ્યા હતા. આ ઉપરાંત આ ત્રણેય સોની વેપારીઓએ ગ્રાહકો પાસેથી નવા દાગીના બનાવવા માટેની મજુરીના પણ હપ્તે હપ્તે પૈસા મેળવી લીધા હતા. જો કે દાગીના બનાવી નહીં આપી દુકાન વેચી નાંખી ફરાર થઈ ગયા હતા. આ અંગે જીવરાજ પારઘીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ન્યુ ગૌતમ જ્વેલર્સના માલિક મહેશ સોની, વિમલ સોની અને સુમિત્રા સોની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.