Business

સુરતમાં મોંઘી લક્ઝુરીયસ કારનો એક્સ્પો યોજાશે, પહેલીવાર જોવા મળશે આ કાર

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની વિવિધ શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–2024’નું (Surat International Auto Expo-2024) આયોજન તા. 15થી 18 માર્ચ દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની છઠ્ઠુી એડીશન યોજાઇ રહી છે.

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. 15થી 18 દરમિયાન સરસાણા ખાતે સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્સ્પો 2024નું આયોજન કરાયું

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત જ્યારે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના હબ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં યોજાનારા આ મેગા ઓટોમોટીવ શોમાં દેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે.

આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ એકઝીબીશન ગણાય છે. આ એક્ષ્પો ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવીનતમ નવીનતાઓ અને વિકાસનું પ્રદર્શન કરશે. ઉદ્યોગકારો, વ્યાવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી તકનીકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક આ એક્ષ્પો પૂરી પાડશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. 15 માર્ચે સવારે 10 કલાકે સેમિનાર હોલ– એ, એસઆઇઇસીસી ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સ્થાન શોભાવશે.

ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ અને કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–2024માં કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– 2024૪ના ચેરમેન મેહુલ દેસાઇએ જણાવ્યું હતું કે, સુરતમાં યોજાનારા ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો’ને દર વખતે જબરજસ્ત પ્રતિસાદ મળે છે. ભારતમાં દિલ્હી બાદ સુરતમાં બીજા ક્રમના કમ્પોઝીટ ઓટો ઇન્ટરનેશનલ એક્ષ્પોનું ભવ્ય પ્રદર્શન સુરતમાં યોજાય છે.

આ વખતે પણ આ પ્રદર્શનમાં મોટાભાગની દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓટો કંપનીઓએ ભાગ લીધો છે. જેમાં ફોર વ્હીલર સેગમેન્ટમાં મીની કૂપર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યૂ, વોલ્વો, જેગુઆર, લેન્ડ રોવર, ટાટા મોટર્સ, ટોયોટા, લેકસસ, નિસાન, ઇસુઝુ, કિયા, હયુન્ડાઇ, સ્કોડા અને મહિન્દ્રા જેવી વિવિધ બ્રાન્ડનો સમાવેશ થાય છે.

એકજ પ્લેટફોર્મ ઉપર પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો કમ્પોનન્ટ્‌સ, એકસેસરીઝ, વર્કશોપ ટુલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્‌સ હોમ એવા ભારતના બહુ જુજ ઓટોમોબાઇલ એકઝીબીશન થાય છે. આ એકઝીબીશનમાં મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવશે, આથી આ પ્રદર્શનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે.

5મી માર્ચે લોન્ચ થયેલી BYD Seal પહેલીવાર સુરતમાં જોવા મળશે
ભારતમાં ગત સપ્તાહમાં પમી માર્ચે લોન્ચ થયેલી BYD Seal કારને આ ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે કરવામાં આવશે. ભારતમાં હજી સુધી આ કારને કોઇ એકઝીબીશનમાં ડિસ્પ્લે કરવામાં આવી નથી ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનારા આ ઓટો એક્ષ્પોમાં આ કારને પ્રથમ વખત ડિસ્પ્લે કરવામાં આવશે. આ ઉપરાંત ઓટો એક્ષ્પોમાં પ્રથમ વખત મોટર હોમ / વેનીટી બનાવતી કંપની પોતાની પ્રોડકટ્‌સ પ્રદર્શિત કરશે.

ઓટો એક્ષ્પોમાં આ વખતે ટુ વ્હીલર સેગમેન્ટમાં બીએમડબ્લ્યૂ મોટોરાડ, ત્રિઉમ્ફ, સુઝુકી, ટીવીએસ, યામાહા, એથર, બજાજ, હીરો જેવી બ્રાન્ડ ભાગ લઇ રહી છે. જ્યારે કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં ટાટા, આઇસર, ફોર્સ મોટર્સ અને મહિન્દ્રા જેવી બ્રાન્ડ ભાગ લઇ રહી છે. આ ઉપરાંત એન્સીલરી સેગમેન્ટમાં અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્‌સ ભાગ લેશે.

એક્સ્પોમાં જ ગ્રાહકો ગાડીનો ડેમો લઈ શકશે
આ વખતે એકઝીબીશનમાં પ્રથમ વખત એવો એરિયા ડેઝીગ્નેટ કરી રહયા છે કે જેમાં દરેક એકઝીબીટરને ડેમો વ્હીકલ મૂકવાની જગ્યા મળશે. જેથી કરીને ગ્રાહકો ગાડી પસંદ કરી એ જગ્યા પર ડેમો લઇ શકશે અને ગાડીની ખરીદી નકકી કરશે. આવો અભિગમ ભારતમાં ભાગ્યે જ કોઇ ઓટો એક્ષ્પોમાં જોવા મળે છે.

Most Popular

To Top