સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પર પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો છે. પેસેન્જરોને (Passengers) જગમાંથી પાણી (Water) પીવું પડે છે તે માટે જગ પાસે ગ્લાસ (Glass) પણ હોતા નથી. પેસેન્જરોએ એરપોર્ટ કર્મચારીઓ સાથે દલીલો કરીને ગ્લાસ માંગવો પડે છે ત્યારે એકાદ ગ્લાસ કર્મચારીઓ આપતા હોય છે. ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ પર રોજના 4 હજાર પેસેન્જરોની અવર-જવર છે તેની સામે માત્ર 75 ગ્લાસ પાણી મુકવામાં આવે છે.
સુરતના રાજુભાઈ પટેલ સોમવારે દિલ્હીની બપોરની ફ્લાઈટમાં દિલ્હી જવા માટે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં તેઓ પાણીની તરસ લાગી હતી. તેઓ પાણી પીવા ગયા ત્યારે જગ પાસે ગ્લાસ ન હતો. તેથી ત્યાં હાજર એરપોર્ટના સ્ટાફ પાસે ગ્લાસ માંગ્યો હતો. રાજુભાઈને રીતસરની દલીલ કરવી પડી હતી. પછી થોડા સમયમાં તેમને એક ગ્લાસ આપવામાં આવ્યો હતો. રાજુભાઈએ સ્ટાફને જણાવ્યું કે ઘણા પેસેન્જર આવે છે. તેઓને પણ પાણી પીવું હોય તો તેમના માટે પણ ગ્લાસ જોઈએ છે. તેથી વધારે ગ્લાસ મુકો એવું કહેતા સ્ટાફે ચાર ગ્લાસ જગ પાસે મૂક્યા હતા. રાજુભાઈએ વધારે ગ્લાસ મુકવાનું કહેતા સ્ટાફે કહ્યું કે અમારા સુપરવાઈઝરે એક શીપમાં માત્ર 25 ગ્લાસ મુકવા કહ્યું છે. આમ ત્રણ શીપ મળીને માત્ર 75 ગ્લાસ એરપોર્ટ પર પેસેન્જરો માટે માત્ર મૂકવામાં આવે છે. આમ સુરત એરપોર્ટ પર પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ પેસેન્જરોને મળતી નથી. આ બાબતે એરપોર્ટ ઓથોરીટીને ફરિયાદ કરવામાં આવનાર છે.
થોડા દિવસો પહેલાં એરપોર્ટ પર ગંદું પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી
ગઈ તા. 30 મે ના રોજ સુરત એરપોર્ટ પર મળી રહ્યું છે લાલ પીળું પાણી આ શીષર્ક સાથે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. પલ્લવ બંસલ નામના એક પેસેન્જરે આ વીડિયો બનાવ્યો હતો. બંસલ તા. 30 મે ના રોજ સવારે સુરતથી દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે સુરત એરપોર્ટ પર પીવાના પાણીનો રંગ જોઈ તેઓ ચોંકી ગયા હતા. તેમણે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ પર વીડિયો સાથેની એક પોસ્ટ મુકી પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું હતું કે એક તરફ સુરતમાં અનેક ફ્લાઈટ શરૂ થઈ રહી છે ત્યારે બીજી તરફ એરપોર્ટ પર સુવિધાઓનું સ્તર ઘટી રહ્યું છે. જુઓ, સુરત એરપોર્ટ પર મળતા પાણીની ગુણવત્તા. જે લોકો આ પાણી પીશે તે ચોક્કસપણે હોસ્પિટલ ભેગા થશે. પ્લીઝ સંબંધિત તંત્રને આ બાબતે જાણ કરો.