સુરત: સુરત એરપોર્ટને (Surat Airport) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી તા. 10મી જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendraModi) સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ કરવા આવશે તેવી વિગતો સામે આવી છે. વડાપ્રધાન નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામ જવા પહેલાં સુરત એરપોર્ટ પર તેમના બોઈંગ વિમાનમાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનની ખૂબ નજીક છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યાર બાદ જ સુરત એરપોર્ટનું ડેવલપમેન્ટ ઝડપથી આગળ વધ્યું છે. વડાપ્રધાન અવારનવાર સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ વિશે વિગતો મેળવતા રહે છે. મોદી પોતાના સત્તાવાર વીવીઆઈપી બોઈંગ 777 (Boeing 777 ) વિમાનમાં (plane) સુરત આવનાર હોવાથી સુરત એરપોર્ટ માટે આ પહેલો એવો પ્રસંગ બનશે કે જ્યારે પ્રથમ વખત બોઈંગ 777 જેવું મોટું વિમાન સુરત એરપોર્ટ પર ઉતરશે.
તમને જણાવી દઈએ કે, મોદી આવવાના હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમારે થોડા દિવસ અગાઉ પોતાની ટીમ સાથે સુરત એરપોર્ટ પર ચાલી રહેલા ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ, એપ્રન અને ટેક્ષીવે પ્રોજેક્ટના 353 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે વેસુ તરફના રનવેના 615 મીટરના કાપ,નડતરરૂપ બિલ્ડીંગને લગતાં કેસની વિગત પણ મેળવી હતી.
સુરત એરપોર્ટ પર ગંદુ પાણી મળતું હોવાનો વીડિયો વાયરલ
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરીક્ષણ અર્થે આવવાના હોવાની વાતો ચાલી રહી છે ત્યારે બીજી તરફ સુરત એરપોર્ટ પર સુવિધાઓ કંગાળ છે. તા. 30મી મે ના રોજ સવારે એક પેસેન્જર દ્વારા વીડિયો પોસ્ટ કરાયો હતો, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે સુરત એરપોર્ટ પર લાલ-પીળા રંગનું દૂષિત પાણી પેસેન્જરના પીવા માટે આપવામાં આવી રહ્યું છે. પાણી સિવાય પણ અનેક સુવિધાઓ વિશે ફરિયાદો થતી રહી છે. હવે જ્યારે વડાપ્રધાન પોતે સુરત એરપોર્ટના ડેવલપમેન્ટના નિરીક્ષણ અર્થે સુરત આવી રહ્યાં છે ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વિસ સુધારવા સંદર્ભે કોઈ પગલાં લેવાય છે કે નહીં તે જોવું રહ્યું.