સુરત: લાંબા સમય બાદ સુરત શહેરમાં આવકવેરા વિભાગ સક્રિય થયું છે. આજે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ શહેરના મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડ્યા છે. મળસ્કે જ આવકવેરાના અધિકારીઓ ઘરમાં ઘુસી જતા બિલ્ડર પર ચોંકી ઉઠ્યો હતો.
- સુરત ઇન્કમટેક્ષ DDI વિંગ દ્વારા આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સુરાના અને કંસલ ગ્રુપમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત રાજ્યભરના અધિકારીઓની ટીમ સાથે સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા મોટા પાયે સુરતના બિલ્ડર ગ્રુપ પર દરોડા કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં મોટા કર્મશિયલ પ્રોજેક્ટના નિર્માણ માટે જાણીતા સુરાના અને કંસલ ગ્રુપને આઈટીએ સકંજામાં લીધું છે. બિલ્ડરોના ઘર, ઓફિસ, સ્ટાફના ઘર સહિત અનેક ઠેકાણા પર તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરાના ગ્રુપ ઉપરાંત રીંગરોડના યાર્ન મર્ચન્ટ તેમજ હાલમાં જનીનના ધંધા સાથે જોડાયેલા ગ્રુપમાં પણ વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યાં છે. કુલ ચાર જેટલાં ધંધાર્થીઓના ડઝન કરતા વધુ સ્થળો જેમાં ઓફિસ અને ઘર સમાવિષ્ટ છે ત્યાં કામગીરી હાથ ધરાઈ રહી છે.
ઘણાં લાંબા સમયના અંતરાલ બાદ ઇનકમટેક્ષ વિભાગે કાર્યવાહી કરતા શહેરના અન્ય બિલ્ડર અને ઉદ્યોગપતિ જૂથમાં પણ ફફડાટ ફેલાયો છે. બજાર ખુલતાં જ શહેરના વેપારી તેમજ બિલ્ડર આલમમાં દરોડાની કાર્યવાહી ચર્ચાના સ્થાને રહી છે. દિવાળી બાદ સફાળા જાગેલા ઇનકમટેક્ષના દરોડામાં મોટાપાયે કરચોરી મળે એવી શક્યતા હોવા અંગે સુત્રો મારફતે જાણવા મળ્યું છે.