SURAT

સુરતના બિલ્ડર્સ-જ્વેલર્સને ત્યાંથી આઈટી દ્વારા 100 કરોડના દસ્તાવેજો જપ્ત

સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની, હોમલેન્ડ અને અરિહંત ગ્રુપ સહિત ૪૦ સ્થળોએ સર્ચ કાર્યવાહી કરી હતી. આ સર્ચ કાર્યવાહી સતત ત્રીજા દિવસે ચાલુ રહી છે. બિલ્ડર ગ્રુપમાં (Builder Group) સંગીની ગ્રુપના રવજી અને વેલજી શેટા, હોમલેન્ડ ગ્રુપના નરેન્દ્ર ગર્ગ, મહિધરપુરા હીરાબજારના મોટાગજાના ફાઇનાન્સર મહેન્દ્ર ચંપકલાલ, બાંધકામ ઉદ્યોગ અને હીરાઉદ્યોગમાં વ્યાજે નાણાં ફેરવનાર ફાઇનાન્સર અશેષ દોશી, કિરણ સંઘવી સહિતના ત્રણ જુદા જુદા ગ્રુપના ૨૭ પ્રોજેકટ અને ૪૦ સ્થળો પર કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. તે પૈકી ૩૦ સ્થળો પર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં બિલ્ડર અને જવેલર્સની બાંધકામ સાઇટ અને રહેઠાણનો સમાવેશ થાય છે. સંગીની અરિહંત અને હોમલેન્ડ ગ્રુપની ઓફિસ અને ઘર મળી ૧૦ જગ્યાએ સર્ચની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.

  • આવકવેરા વિભાગે એક કરોડની રોકડ, જવેલરી અને ૧૫ બેંક લોકર સિઝ કર્યા, ૩૦ સ્થળો પરથી લેપટોપ, કમ્પ્યુટર અને હાર્ડડિસ્ક કબજે લેવાઇ
  • સંગીની, અરિહંત અને હોમલેન્ડ સહિતનાને ત્યાં આઈટીની સતત ત્રીજા દિવસે સર્ચ કાર્યવાહી ચાલુ

પ્રાથમિક તબકકે કરોડોની ટેક્ષચોરી બહાર આવવાની શકયતાને પગલે બિલ્ડરો, જવેલર્સ અને ફાઇનાન્સરના કુલ ૧૫ બેન્ક ખાતાઓ સિઝ કરવામાં આવ્યા હોવાનું આવકવેરા વિભાગની ડી.ડી.આઇ. વિંગના સૂત્રોએ જણાવ્યું હતું. ગઇકાલે આખો દિવસ ડોકયુમેન્ટ જપ્ત કરવામાં તથા કોમ્પ્યુટર અને લેપટોપના ડેટા ચકાસવામાં વિત્યો હતો. બિલ્ડર, જવેલર્સ અને ફાઇનાન્સર સહિતના ૨૦ લોકોના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા છે. અને મુખ્ય સ્ટેક હોલ્ડરની પૂછપરછ ચાલી રહી છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ૧૦૦ કરોડના દસ્તાવેજો સાથે ઇન્કમટેક્ષ રિર્ટનનો ડેટા મીસમેચ થતાં તેની લગતી પૂછપરછ કરવામાં આવી રહી છે.

સંગીની ગ્રુપના વેલજી શેટા, અરિહંત ગૃપના મહાવીર જૈન, તારાચંદ ખુરાના અને આ પ્રોજેકટમાં બ્રોકરની ભૂમિકા ભજવનાર મહેન્દ્ર મહેતા, અશેષ દોશી સહિતના લોકોને અલગ અલગ જગ્યાએ બેસાડી મળેલા ડોકયુમેન્ટ અને રિર્ટનના ડોકયુમેન્ટ ક્રોસ વિરીફાઇડ કરવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગની જોગવાઇ પ્રમાણે ૧૦૦ રૂપિયાનું કાળુ નાણું પકડાય તો ટેક્ષ, પેનલ્ટી અને વ્યાજ સાથે ૧૨૦ ટકા રકમ ભરવી પડે છે. તેને લીધે જે લોકોને ત્યાં આવકવેરાના દરોડા પડે છે ત્યાં હવે સ્વૈચ્છિક કબૂલાત કરવામાં આવતી નથી. બાંધકામ ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે આ ગ્રુપ દ્વારા વેસુ વીઆઇપી રોડ, અડાજણ, પાલ, રાંદેર ગોરાટ રોડ, જહાંગીરપુરા, પાલ ગૌરવપથ સહિતના પ્રાઇમ લોકેશન પર ૭ પ્રોજેકટના બાંધકામ ધમધમી રહ્યા છે અને મોટા પાયે ઇવેસ્ટરો અને ફાઇનાન્સરોએ રોકાણ કર્યું છે. તેને પગલે અમદાવાદથી ૭૦ જેટલા અધિકારી અને કર્મચારીઓ બોલાવી આવકવેરા વિભાગે સર્ચ કાર્યવાહી કરી હતી.

કાળા નાણાંનો સ્ત્રોત શોધવા ડાયરીઓની શોધખોળ કરાઇ
સુરત આવકવેરા વિભાગ દ્વારા આજે સંગીની, અરિહંત અને હોમલેન્ડ ગ્રુપ સાથે બ્રોકરેજનું કામ કરતા ત્રણ મોટા ગજાના બ્રોકરોની પૂછપરછ કરી પ્રોજેકટમાં ઇન્વેસ્ટરોની ડાયરીઓ શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેકટ્‌સમાં કેટલાક રોકાણકારો ૫ થી ૭ ટકાનું રોકાણ પણ ધરાવે છે. તેને લગતી માહિતી પણ મળી છે. આ પ્રોજેકટ બાંધકામ હેઠળ હોવાથી ડાયરીઓ બનાવવામાં આવી છે. એટલે કે અધિકૃત ટ્રાન્જેકશન થયું નથી.

Most Popular

To Top