સુરત: (Surat) લાંબા સમય પછી સુરતીઓ માટે એક સારા અને મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે. કોરોનાથી પીડિત દર્દીઓને સારવાર અપાવા માટે હવે લોકોએ આમથી તેમ ભટકવું નહી પડે. ઇન્ડિયન મેડિકલ એસો. (Indian Medical Association) દ્વારા એક લિંક તૈયાર કરવામાં આવી છે. જેમાં સુરતમાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં બેડ (Hospital Bed) ખાલી છે કે નહી..? તે અંગેની જરૂરી તમામ માહિતી મળી શકશે.
કોરોનાની બીજી લહેરે શહેરને અજગરી ભરડામાં લઇ લીધો છે. સુરતની સરકારી હોસ્પિટલો હોય કે પછી પ્રાઇવેટ હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. ઓક્સિજન અને વેન્ટિલેટર તો દૂર પરંતુ સાદા બેડ પણ મળી રહ્યા નથી. લોકો કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાવવા માટે આમથી તેમ ભટકી રહ્યા છે પરંતુ ક્યાંયથી સારી સારવાર મળતી નથી. તેવામાં આઇએમએ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. હવે કોરોનાની સારવાર કરતી હોસ્પિટલમાં સાદા બેડ, ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરના બેડ ખાલી છે કે નહી..? તેની માહિતી આંગળીના ટેરવે મળી શકશે. આ માટે આઇએમએ દ્વારા એક લિંક તૈયાર કરવામાં આવી છે.
આઇએમએ.કોમ વેબસાઇટ સર્ચ કરતાની સાથે જ સમગ્ર હોસ્પિટલનું ડેશબોર્ડ જોવા મળશે. જેમાં તમામ પ્રાઇવેટ હોસ્પિટલના નામ સાથે બેડ ખાલી છે કે નહી..? તેની જાણકારી મળી શકશે. હાલમાં આ ડેશબોર્ડ ઉપર 17 જેટલી હોસ્પિટલોનું લિસ્ટ જોવા મળી રહ્યું છે. જેમાં એપલ હોસ્પિટલ, બુરહાની હોસ્પિટલ, બેંકર્સ હાટ્સ ઇન્સ્ટિટ્યુટ, ક્રિષ્ના હોસ્પિટલ, મંગલદિપ હોસ્પિટલ, મોમ એન્ડ મી વુમન હોસ્પિટલ, નમ્રતા નર્સિંગ હોમ, નારંગ ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ ડેન્ટલ સેન્ટર, નિર્મલ હોસ્પિટલ, પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ એન્ડ મલ્ટિ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, પ્રાર્થના હોસ્પિટલ, સંસ્કૃતિ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, શનસાઈન ગ્લોબલ, સુરત ઇએનટી હોસ્પિટલ, સુરત મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ અને વિવેક હોસ્પિટલ જોવા મળી હતી.
આગામી દિવસોમાં બીજી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લિસ્ટ પણ આવી જશે : ડો. હિરલ શાહ
ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો. હિરલ શાહના જણાવ્યા પ્રમાણમાં હાલમાં જે ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે તે ટ્રાયલ બેઝ ઉપર શરૂ કરાયું છે. તેમાં સુધારા-વધારા પણ કરવામાં આવશે. આ ડેશબોર્ડ ઉપર હોસ્પિટલ કયાં વિસ્તારમાં આવી છે તે પણ ખ્યાલ આવી જશે. હાલમાં કેટલીક હોસ્પિટલોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ આગામી દિવસોમાં કોરોનાની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લિસ્ટ પણ જોવા મળશે.
- કઇ જગ્યાએ કેટલા બેડ ખાલી..?
- હોસ્પિટલ સાદા ઓક્સિજન ખાલી
- બુહરાની 2 2 0
- બેન્કર હોસ્પિ. 0 0 0
- ક્રિષ્ના 5 0 0
- મંગલદિપ 20 2 0
- મોમ એન મી 1 1 0
- નમ્રતા 15 15 0
- નારંગ ઓર્થોપેડિક 11 8 0
- નિર્મલ હોસ્પિટલ 0 0 0
- પી.પી. સવાણી 0 0 0
- પ્રાર્થના 5 5 0
- સંસ્કૃતિ હોસ્પિ. 10 0 0
- સનસાઇન 0 0 0
- સુરત ઇએનટી 20 6 0
- સુરત મલ્ટી સ્પેશ્યા. 10 0 0
- યુનિક 0 0 0
- વિવેક 3 2 0