સુરત: (Surat) સુરત મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુરત ચોકબજાર હોપ પુલ (Hope Bridge) (હેરિટેજ વોક–વે) બનાવવામાં આવ્યો છે. પરંતુ તેની જાળવણીના (Maintenance) અભાવે હવે આ વોક-વે વોક કરવા લાયક કે બેસવાલાયક રહ્યો નથી. હેરિટેજ વોક-વેની અંદાજે 25 લાઈટ ઘણા સમયથી બંધ હાલતમાં છે. ઘણી લાઈટના હોલ્ડર તૂટેલી હાલતમાં છે. વોકિંગ માટે હેરિટેજ વોક-વેની (Walk way) દેખરેખ જાળવણી પ્રત્યે ભારે બેદરકારી દાખવવામાં આવતાં નગરજનોમાં સત્તાધીશો સામે ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે. વોક-વે પર અંધારપટ હોવાથી ચાલવા આવતા લોકો અસલામતી અનુભવી રહ્યા છે. મનપા દ્વારા આ બંધ પડેલી લાઈટ્સનું કામ પણ કરવામાં આવી રહ્યું નથી. જે અંગે સ્થાનિક સોશિયલવર્કર વહાબ સોપારીવાલાએ મ્યુનિ.કમિ.ને રજૂઆત કરી છે. પરંતુ આજદિન સુધી અહીં સમારકામ માટે કોઈ ફરક્યું નથી.
- શું આ છે સ્માર્ટ સિટી?: કરોડોના ખર્ચે બનેલો ચોક હેરિટેજ વોક-વે જાળવણીના અભાવે ખંડેર
- વોક-વેના બાકડા સુધ્ધા ચોરાઈ ગયા, દિવસો સુધી સફાઈ થતી નથી, એંગલો પર કાટ લાગી ગયો પણ મનપાને પડી નથી
આ હેરિટેજ વોક-વે ઉપર નિયમિત સાફસફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે વોક-વે ગંદકીથી ખદબદી રહ્યો છે. વોક-વે ઉપર લગાવેલી ડસ્ટબિનોની નિયમિત સાફસફાઈ થતી નથી. વારે ઘડીએ ડસ્ટબિનો ઓવરફ્લો થઈ જતી હોય છે. જેના કારણે ભયાનક દુર્ગંધનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. વોક-વે પરના બાંકડાઓ પણ ચોરાઈ ગયા છે. ભ્રષ્ટાચારની પોલ ખોલતાં આ વોક-વે ઉપર લોખંડની એંગલોને કાટ લાગતાં સડી રહી છે. જેના કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ છે. આમ, કરોડો રૂપિયાના ખર્ચે રિડેવલોપ કરેલો હેરિટેજ વોક-વે વેરાન હાલતમાં ફેરવાઈ ગયો છે.
મનપાનું તંત્ર આ નાનકડો વોક-વે સાચવી શકતું નથી તો સુરત સ્માર્ટ કેવી રીતે બનશે?: વહાબ સોપારીવાલા
ચોક બજાર વિસ્તારના સામાજિક કાર્યકર વહાબ સોપારીવાલાએ હેરિટેજ વોક-વેની બદ્દતર હાલત અંગે ફોટા સાથે મનપાના તંત્રવાહકોને ફરિયાદ કરી છે. તેમજ જણાવ્યું હતું કે, એક હોપ પુલની સાઇઝના નાનકડા હેરિટેજ વોક વેને સાચવવામાં પણ મનપાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે. તો શહેર સ્માર્ટ કેવી રીતે બનશે? તે સવાલ છે. સુરતના કોટ વિસ્તારની ઓળખસમાન હેરિટેજ મિલકતોનાં જતન માટે ખાસ વ્યવસ્થા થાય એ જરૂરી છે.