સુરત: (Surat) ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા સામાન્ય લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈ તેની ઉપર તુરંત કાર્યવાહી કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સરદાર બ્રિજ પરથી તાપીમાં (Tapi River) છલાંગ લગાવનારી મહિલાને જાતે હાજર રહી રેસ્ક્યૂ કરાવવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જે સમયે મહિલાએ તાપીમાં છલાંગ લગાવી ત્યારે ત્યાં લોકટોળું ભેગુ થયું હતું. લોકટોળું જોતા હર્ષ સંઘવીએ પોતાનો કાફલો બ્રિજ પર જ રોકાવી દીધો હતો અને મહિલાને તુરંત રેસ્ક્યૂ કરવા બાબતે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી.
સુરતના સરદાર બ્રિજ પરથી એક મહિલા તાપી નદીમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાહદારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કોઈનું ન માનતા તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. એ જ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરદાર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા અને તેમણે બ્રિજ પર ટોળું જોતાં જ તેમનો કાફલો રોકાવી દીધો હતો. કારમાંથી ઉતરીને જોયું તો એક મહિલાએ સરદારબ્રિજ પરથી ઝંપલાવી દીધું હોવાનું તેમને માલૂમ પડતાની સાથે જ તેમણે તુરત જ ફાયર વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોને મહિલાને બચાવવા કરવા તાકીદ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મહિલાને રેસ્ક્યુ કરીને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન હર્ષ સંઘવી ત્યાં જ હાજર રહ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીનો કાફલો સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમણે પોતાનો કાફલો રોકીને મહિલાની મદદ કરવા માટે કામે લાગી ગયા હતા. તાપી નદીમાં જે ભાગ ઉપર મહિલા પડી હતી ત્યાં પાણી ખૂબ ઓછું હોવાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. તાત્કાલિક અસરથી ફાયર વિભાગના અધિકારીઓએ મહિલાને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ મહિલા જીવીત હોવાની જાણ થઈ હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મામલો સંભાળી લીધો હતો
સુરત: છેલ્લા થોડા દિવસથી અવનવા પરાક્રમો કરીને વિવાદમાં આવી રહેલી સુરત પોલીસે પ્રથમ વખત સુરત આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાલ સંજીવ કુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ ઉપરથી કોઇ સૂચના નહી હોવા છતાં કવરેજ માટે આવેલા પત્રકારોની મુખ્ય જરૂરીયાત એવી પેન પણ બહાર મુકાવી દેતા વિવાદ થયો હતો અને મીડિયા જગતમાં કચવાટ ફેલાયો હતો. જો કે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પોલીસની આ આડોડાઇની જાણ થતા જ તુરંત મામલો સંભાળી લીધો હતો.
બપોરે 12 વાગ્યે સંજીવકુમાર ઓડિટોરીયમમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો. જ્યાં મુખ્ય ગેટ પાસે પોલીસે પ્રેસના આઈકાર્ડ અને ખુદ સીપી દ્વારા જારી કરાયેલા પાસ ચેક કર્યા બાદ પણ મુખ્યમંત્રીનું કવરેજ કરવા આવેલા પત્રકારોની પેન ઓડિટોરીયમના દરવાજા પર ઉભેલા પોલીસ કર્મીઓએ બહાર મુકાવી દીધી હતી. પત્રકારોએ પેન વિના કઈ રીતે રિપોર્ટિંગ કરવું તેવું પુછતા પોલીસે એવો જવાબ આપ્યો હતો કે, ઉપરથી ઓર્ડર છે કે, પેન અંદર લઈ જવા દેવી નહી. પોલીસની આ આડોડાઈને કારણે હોબાળો થઈ ગયો હતો. દરમિયાન આ વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખબર પડતાં તેઓએ તુરંત ત્યાં ફરજ બજાવી રહેલા જોઇન્ટ સીપી શરદ સિંઘલને ફોન પર સૂચના આપી બાજી સંભાળી લીધી હતી. જોઈન્ટ સીપીએ વિવાદ નોંતરનાર પોલીસકર્મીઓને આડે હાથ લેતા કહ્યું હતું કે, પત્રકારોની પેન, રૂમાલ, મોજા વગેરેને ચેક કરવા કે કલર બાબતે કોઇ સૂચના ઉપરથી નથી. આમ છતાં શા માટે વિવાદ નોતરી રહ્યા છો ?