SURAT

સુરતમાં કોરોનાથી દરરોજ થઈ રહ્યાં છે આટલા મોત જ્યારે તંત્ર બતાવી રહ્યું છે આ આંકડા..

સુરત: (Surat) સુરતમાં કોરોનાની સ્થિતિ એવી ગંભીર થઈ ગઈ છે કે કોરોનામાં રોજ અનેકના મોત થઈ રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા કોરોનામાં મોત (Death) થયેલા દર્દીઓના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે. ગઈકાલે પણ એકલા સ્મીમેરમાં જ છેલ્લા 24 કલાકમાં 8ના મોત છતાં મનપાના ચોપડે માત્ર 3ના જ મોત દર્શાવાયા હતાં. આજે પણ સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) થયેલા 15 દર્દીઓના મોતની સામે એક પણ મોત દર્શાવવામાં આવ્યું નથી. બીજી તરફ નવી સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિ.માં પણ શનિવારે 10ના મોત થયાં હતાં. બે જ હોસ્પિ. મળીને 25ના મોત થયાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં થયેલા મોતની સંખ્યા અલગ હોવા છતાં પણ તંત્ર દ્વારા સુરતમાં કોરોનામાં માત્ર 5ના જ મોત દર્શાવવામાં આવ્યાં છે. જે બતાવે છે કે તંત્ર દ્વારા કોરોનામાં સુરતમાં થઈ રહેલા મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. ‘ગુજરાતમિત્ર’ને મળેલા પુરાવા જોતાં સરકારી અધિકારીઓ જાણે કે મોતના આંકડાને લઇને મોટી રાજરમત રમી રહી છે અને હકીકતના આંકડા છૂપાવી (Hide statistics) રહી છે. શહેરના સ્મશાનગૃહો પણ કોરોનાના મૃતકોને લઇને ઉભરાઇ ગયા છે. દરરોજ 20 થી વધુ લોકોના કોરોનાના મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ સરકારી અધિકારીઓનું પેટનું પાણી હલતુ નથી.

કોવિડ હોસ્પિ.માં 20 મૃતદેહોને પેકિંગ કરવાના મુદ્દે હોબાળો મચી ગયો

નવી સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિ.માં શુક્રવારે રાત્રીના સમયે 20 ડેડબોડીને પેકિંગ કરવાના મુદ્દે હોબાળો મચી ગયો હતો. કોવિડ હોસ્પિટલમાં સર્વન્ટના અભાવે ડેડબોડી એમ જ સ્ટ્રેચર ઉપર પડી રહી હતી. પરિવારના લોકોએ પોતાના સ્વજનોના ચહેરા જોવા માટેની માંગણી કરી હતી પરંતુ કોવિડની હેલ્ડડેસ્કના કર્મચારીઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. જેને લઇને મામલો વધુ બિચક્યો હતો. આ બાબતે આખરે સુપ્રિટેન્ડન્ટને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે સર્વન્ટો હાજર હતા તેઓની પાસે જ ડેડબોડી પેકિંગ કરાવીને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

શહેર-જિલ્લાના અલગ અલગ વિસ્તારના દર્દીઓના મોત

સુરત મનપા દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલી પ્રેસયાદીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પાંચદર્દીઓના મોતની માહિતી દર્શાવવામાં આવી છે. પરંતુ સ્મીમેરના પીએમ ચોપડામાં થયેલી નોંધ મુજબ, ગઇકાલ સાંજથી કતારગામના 58 વર્ષીય પુરુષ, ચોકના 65 વર્ષીય વૃદ્ધ, ભાગળના 80 વર્ષીય પુરુષ અને 57 વર્ષીય મહિલા, વરાછાના 53 વર્ષીય પુરુષ, પલસાણાના 92 વર્ષીય પુરુષ, ડિંડોલીના 56 વર્ષીય મહિલા, ઉધનાના 73 વર્ષીય પુરુષ, ડભોલીના 47 વર્ષીય પુરુષ, વરાછાના 75 વર્ષીય પુરુષ અને 32 વર્ષીય પુરુષ, મોટાવરાછાના 83 વર્ષીય પુરુષ, પાસોદરાના 75 વર્ષીય પુરુષ, નંદુરબારના 57 વર્ષીય પુરુષ, રાંદેરની 60 વર્ષિય મહિલા, ગોડાદરાની 48 વર્ષીય મહિલા અને કડોદરાની 50 વર્ષીય મહિલા દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આ માહિતી મુજબ વહિવટી તંત્ર દ્વારા કોરોનામાં થતાં મોતનો આંક છુપાવવામાં આવી રહ્યો હોવાની આશંકા પ્રબળ બની છે.

સુરત જિલ્લામાં બે દર્દીના મોત છતા જિલ્લાની યાદીમાં પણ દર્શાવાયા નહીં

સુરત જિલ્લામાં કોવિડ-19ના કેસ ખુબ જ વધી રહ્યા છે. જિલ્લામાં આ સાથે કોવિડની સારવાર દરમિયાન મોતનો આંકડો વધી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પલસાણાના 92 વર્ષીય પુરુષ અને કડોદરાની 50 વર્ષીય મહિલાના શુક્રવારે મોત થયા હતા. દરમિયાન સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં પણ શનિવારે એક પણ મોત દર્શાવવામાં આવ્યું ન હતું.

કોવિડ હોસ્પિ.માં 24 કલાકમાં 10 લોકોના મોત નીપજ્યા છે : ડો. શૈલેષ પટેલ

નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિ. ડો. શૈલેષ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં ડેડબોડી મેનેજમેન્ટની કમિટિ તૈયાર કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ કે પછી પોઝિટિવ દર્દીઓના જ્યારે મોત થાય છે ત્યારે ડેડબોડી મેનેજમેન્ટ કમિટિ જ નક્કી કરે છે કે મૃતકનું મોત કોરોનાથી થયુ છે કે અન્ય કોઇ બિમારીથી. કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. શુક્રવારે રાત્રે 20 જેટલી ડેડબોડી હતી. પરંતુ બીજા લોકોના અન્ય બિમારીને કારણે મોત નીપજ્યા હોવાનું તેઓએ કહ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top