સુરત: (Surat) સુરત સહિત રાજ્યનાં અનેક શહેરોમાં હિટવેવની (Heat Wave) આગાહી વચ્ચે કાળઝાળ ગરમીના કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. હાલ હોસ્પિટલમાં આશરે 10 જેટલા ગંભીર દર્દી રોજના સારવાર લેવા માટે આવી રહ્યા છે, જેમાં શનિવારે બપોરે એક યુવકનું હિટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાની માહિતી ફરજ પરના તબીબે આપી હતી. હિટવેવની આગાહી વચ્ચે શહેરમાં રોજના સરેરાશ 35 જેટલા લોકોનાં મોત થઈ રહ્યાં છે, જેમાં તાવ, ઝાડા-ઊલટી, ખેંચ, ચક્કર આવ્યા બાદ બેભાન થઈ જવું તેમજ અચાનક બેભાન થઈ જવા જેવા બનાવોમાં મોત થવાના કેસો વધ્યા હતા. હાલ નવી સિવિલ હોસ્પિટલ તેમજ સ્મીમેર હોસ્પિટલમાં આવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. સાથે સાથે 108 એમ્બ્યુલન્સના ઈમરજન્સી કોલમાં બમણો વધારો થયો છે
ભટાર કચરા પ્લાન્ટમાં કામ કરતા યુવકનું હિટ સ્ટ્રોકથી મોત
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વિગતો પ્રમાણે ભટાર કચરા પ્લાન્ટ પાસે 21 વર્ષીય નીતિન ગામીત રહેતો હતો. તે કચરા પ્લાન્ટમાં જ મજૂરીકામ કરતો હતો. શનિવારે બપોરે નીતિન કામ કરી રહ્યો હતો. એ સમયે તે ભારે તાપમાનમાં બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. નીતિનનું મોત હિટ સ્ટ્રોકથી થયું હોવાની માહિતી ફરજ પરના તબીબે આપી હતી.
ઉધનામાં કામ કરતી વખતે હિટ સ્ટ્રોકને કારણે તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો
ઉધના પંચશીલનગરમાં ખાતા નં.10માં શુક્રવારે બપોરે 3 વાગ્યાના સુમારે કિશન નામનો યુવક કામ કરી રહ્યો હતો. કામ દરમિયાન કિશનને હિટ સ્ટ્રોક કારણે ચક્કર આવવા લાગ્યા હતા. જેથી ગંભીર હાલતમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ તેની તબિયત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ભેસ્તાન આવાસમાં હિટ સ્ટ્રોકને કારણે 21 વર્ષીય યુવકની તબિયત લથડી
ભેસ્તાન આવાસમાં 21 વર્ષીય મોશીન આરીફ શેખ પરિવાર સાથે રહે છે. હિટ સ્ટ્રોકને કારણે મોશીનની તબિયત લથડી હતી. જેથી તેને ગંભીર હાલતમાં 108માં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.