સુરત: (Surat) ઉધના ત્રણ રસ્તા પાસે આવેલા એચડીએફસી બેંકના (HDFC Bank) એટીએમમાં (ATM) ચાર અજાણ્યાઓએ મધરાતે આવીને એટીએમ મશીનનું સેફ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
- ઉધના ત્રણ રસ્તા પાસે એટીએમ મશીનનું સેફ તોડી ચોરીનો પ્રયાસ
- સેફ ખુલ્યા પછી દરેક વખત પાસવર્ડ બદલાતો હોવાથી સેફ ખોલી શક્યા નહી, સીસીટીવીના આધારે ચાર અજાણ્યાની સામે ફરિયાદ દાખલ
ગોડાદરા ખાતે વૃન્દાવનનગરમાં રહેતા 43 વર્ષીય શૈલેન્દ્રકુમાર ઓમપ્રકાશ દુબે સેફર્સીસ કંપનીમાં પાઉન્ડિએંગ ઓફિસર તરીકે નોકરી કરે છે. તેઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમ મશીન ચાલુ છે કે બંધ તે ચેક કરવાની કામગીરી કરે છે. ગત તા.3 ફેબ્રુઆરીએ સવારે સાતેક વાગે થાણે મુંબઈથી બેંકના સેફ સિન્સ મેનેજરે ફોન કરીને ઉધના ત્રણ રસ્તા ખાતે આવેલા એચડીએફસી બેંકના એટીએમ સાથે ચેડા થયાની જાણ કરી હતી. શૈલેન્દ્રકુમારે સ્થળ પર જઈને ચેક કરતા એટીએમ મશીનના સેફની ઉપર રહેલા પતરાનું લોક તોડી મશીનના સેફને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેફનો પાસવર્ડ દરેક વખતે સેફ ખુલ્યા પછી બદલાઈ જતો હોવાથી તસ્કરો સેફ ખોલી શક્યા નહોતા. સીસીટીવીમાં ચાર અજાણ્યા સેફ તોડતા નજર પડતાં ઉધના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસમાં ફ્લેટ અપાવવાના બહાને છેતરપિંડી
સુરત: એલએચ રોડ પર રહેતા યુવકે ઓફિસમાં મિત્રને પ્રધાનમંત્રી આવાસ યોજના બાબતે વાત કરી હતી. તેના થકી નિર્મલ ત્રિપાઠીનો સંપર્ક થતા તેને એક ફ્લેટના 25 હજાર એક્સ્ટ્રા લાગશે તેમ કહીને બે ફ્લેટના ટુકડે ટુકડે 50,950 રૂપિયા મેળવી લઈ ફ્લેટ પણ નહી આપી ફોન બંધ કરી છેતરપિંડી કરી હતી.
કાપોદ્રા એલએચ રોડ પર ચંચળનગરમાં રહેતા 33 વર્ષીય કલ્પેશભાઈ સુભાષભાઈ પાઠક મજુરાગેટ ખાતે આવેલી પોલીએસ્ટર કંપનીમાં નોકરી કરે છે. તેમને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નિર્મલ ત્રિપાઠીની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કલ્પેશભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવવા માંગતા હોવાથી ત્રણ વર્ષથી તેમા ફોર્મ ભરતા હતા. ડ્રો સિસ્ટમમમાં તેમનું નામ વેઈટીંગમાં હોવાથી મકાન મળ્યું નહોતું. સપ્ટેમ્બર 2021 માં તેમની સાથે નોકરી કરતા કર્મચારી પાર્થ સુભાષચંદ્ર દલાલને આ અંગે વાત કરી હતી. પાર્થે તેના મિત્ર કેતનભાઈ સાથે વાત કરી હતી. કેતનભાઈએ તેમના મિત્ર ઇમરાન થકી નિર્મલ ત્રિપાઠી સાથે સંપર્ક કરાવ્યો હતો. નિર્મલ ત્રિપાઠીનો સંપર્ક કરતા તેને ફ્લેટના 25 હજાર એક્સ્ટ્રા લાગશે તેવું કહ્યું હતું. કલ્પેશભાઈએ વેસુ ખાતે સુમન મલ્હારમાં બે ફ્લેટ બુક કરાવી આપવા વાત કરી હતી. જેથી નિર્મલે બે મોબાઈલ નંબરના યુપીઆઈ આપ્યા હતા.
એક નંબર શીતલ ત્રિપાઠીના નામે હતું. જેમાં 10 હજાર ટુકડે ટુકડે ટ્રાન્સફર કર્યા હતા. બીજો નંબર વંદનાસિંગના નામે હતું જેમાં 5 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં નિર્મલ ત્રિપાઠીના કર્મચારી રાજેશભાઈએ બી બ્લોકમાં 501 નંબરનો ફ્લેટ બતાવ્યો હતો. ત્યારબાદ ટુકડે ટુકડે ફ્લેટ માટે અલગ અલગ નંબર પર 50,950 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ફ્લેટ બાબતે પુછવા ફોન કરતા અલગ અલગ બહાના બતાવતા કલ્પેશભાઈએ રૂપિયા પરત માંગ્યા હતા. નિર્મલે દિવાળી પછી ફ્લેટ મળશે તેવુ કહ્યું હતું. દિવાળી પછી ફોન કરતા ફોન રીસીવ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.