SURAT

લો બોલો.. સુરતના યુવક યુવતીઓ ચરસ ખરીદવા અહીં સુધી પહોંચી જાય છે

સુરત: (Surat) સુરત ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) સોમવારે રાત્રે રેલવે સ્ટેશન પરથી 79.240 ગ્રામ ચરસ સાથે એક યુવક અને એક યુવતીને પકડ્યા છે. બંને જણા પોતાના અંગત ઉપયોગ માટે હિમાચલ પ્રદેશના કુલુથી (Kullu) ચરસ (Hashish) લાવ્યા હતાં.

  • સુરતના યુવક યુવતીઓ પોતાના માટે ચરસ ખરીદવા કુલુ સુધી જાય છે
  • હનીપાર્ક રોડનો રાકેશ ગાંધી અને પ્રાઇમ આર્કેડ ખાતે રહેતી પ્રીતિ પટેલ 79 ગ્રામ ચરસ સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા

સોમવારે રાત્રે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનની બહાર ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. લગભગ 8.30 કલાકે ચંદીગઢથી ગોવા તરફ જતી સંપર્ક ક્રાંતિ ટ્રેન આવી હતી. ટ્રેનમાંથી સુરત સ્ટેશને ઉતરેલા મુસાફરો પાર્કિંગ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી અનુસારની કદ કાઠી ધરાવતા યુવક અને યુવતી નજરે ચઢ્યા હતા. તેથી પોલીસે બંને જણાની અટકાયત કરી હતી. ત્યાર બાદ બંનેને નજીકની ટ્રાફિક ચોકીમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. યુવક અને યુવતી પાસે બે બેગ હતી, જેમાં કપડાંની વચ્ચે પ્લાસ્ટીકની બે પારદર્શક ઝીપ બેગમાંથી કુલ 79.240 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. યુવકનું નામ શ્રેયાંસ રાકેશ ગાંધી (ઉં.વ. 23, રહે., હનીપાર્ક સોસાયટી, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત) જ્યારે યુવતીનું નામ પ્રીતિ જીતેન્દ્ર પટેલ (ઉં.વ. 20, શિવમ સોસાયટી, પ્રાઈમ આર્કેડ પાસે, અડાજણ સુરત) હતું. ક્રાઈમ બ્રાન્ચે બંનેની અટકાયત કરી તેમની પાસેથી કુલ રૂપિયા 11, 886ની કિંમતનું ચરસ ઉપરાંત 45 હજારની મત્તાના બે મોબાઈલ ફોન, રોકડા 1080 મળી કુલ 59,996નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અંગત ઉપયોગ માટે ચરસ લાવ્યા હોવાની કબૂલાત
યુવક અને યુવતીએ પોતાના અંગત ઉપયોગ માટે ચરસ લાવી રહ્યાં હોવાની કબૂલાત કરી છે. તેઓએ હિમાચલ પ્રદેશના કુલુમાંથી બ્રિજ નજીક કેફેની દુકાનવાળા નેપાળી જેવા દેખાતા એક ચાચા પાસેથી ચરસ ખરીદ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

શ્રેયાંશ અગાઉ પણ ચરસ સાથે પકડાયો હતો
આરોપી શ્રેયાંશ ગાંધી વર્ષ ૨૦૨૧ માં હીમાચલ પ્રદેશના જી.કુલુના ભૂનતર પોલીસ સ્ટેશનમાં ૬૫૦ ગ્રામ ચરસ સાથે પકડાયો છે. તેમજ એનસીબી દ્રારા વર્ષ ૨૦૨૧ ના વર્ષમાં ૭ ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડી અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર્ડ કરાવ્યો હતો. આ કેસની વધુ તપાસ મહિધરપુરા પોલીસ કરી રહી છે.

Most Popular

To Top