સુરત: (Surat) અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ધરાવનાર રાજ્યની પ્રથમ સ્માર્ટ જીઆઇડીસી (GIDC) સચિનમાં નવા બનેલા રોડનું ડામર (Bitumin) પીગળી જવા સાથે ખાડાઓ પડતાં રોડ બનાવવામાં વેઠ ઉતારવામાં આવી હોવાનું બહાર આવ્યું છે રોડ નં-5 નો ડામર પીગળી જવા સાથે મસ મોટા ખાડાઓ પડતા સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનાં (Industrial Socienty) માજી પ્રમુખ નિલેશ ગામીએ જીઆઇડીસીનાં એમડી,અને નોટિફાઇડ ડિરેક્ટરને પત્ર લખી કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા અને તપાસ યોજવા માંગ કરી છે.
- સ્માર્ટ જીઆઈડીસી સચિનમાં નવા બનેલા રોડ પરનું ડામર પીગળી ખાડા પડ્યા
- સચિન ઇન્ડ.સોસાયટીનાં માજી પ્રમુખ નિલેશ ગામીએ જીઆઇડીસીનાં એમડીને પત્ર લખી હલકી ગુણવત્તાના રોડની તપાસની માંગ કરી
તેઓએ પત્ર આક્ષેપ કર્યો છે કે, સચિન જીઆઈડીસીમાં આવેલાં રોડ નં.5 ને હાલમાં થોડા દિવસો અગાઉ જ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવ્યાને થોડા સમયમા જ ડાયંમડ પાર્ક તરફ જવા માટેની ચોકડી ઉપર મોટો ખાડો પડી ગયો છે. રોડ પણ ફાટી ગયો છે. જેને લઈને વાહન ચાલકોના વાહનો પર ડામર ચોંટવા સાથે સ્લીપ થઈ રહ્યાં છે. ઉદ્યોગકારો પણ હેરાન થઈ રહ્યાં છે. રોડ બનાવતી વખતે તેની ગુણવત્તા અને ટેન્ડરીંગ મુજબનું કામ કરાયું નથી.
રોડ નં.5 ઉપર ડામરની લેયર( સપાટી) બનાવાઈ હતી તે ગરમીમાં પીગળી રહી છે તેથી રોડનાં કામોમાં ક્યાંક ને ક્યાંક ગોબાચારી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. છતાં શાસકો અને અધિકારી, કર્મચારીઓ રહસ્યમય રીતે મૂકપ્રેક્ષકો બની ગયાં છે અને ટેન્ડર મુજબનું કામ થઈ રહ્યું છે કે નહીં તે પણ તપાસ પણ યોજતા નથી, રોડ નં.5ની અવદશા ઉભી થઈ છે. ચોક્કસ ગુણવત્તા સાથે કામો નહીં થતાં હોવાને કારણે સરવાળે સમય પહેલાં જ રોડ ખરાબ થઈને તૂટીને કાંકરા જેવા થઈ જાય છે. રોડના સાઈડ સોલ્ડર્સ પણ બનાવાયાં નથી જેને કારણે રોડ પણ સાઈડમાંથી તૂટી રહ્યો છે.
નિલેશ ગામીએ ભારપૂર્વક ઉમેર્યુ હતું કે હાલના શાસકો સીન-સપાટા કરવા માટે બની રહેલા રસ્તા પાસે ઊભા રહી ફોટો પડાવી સોશીયલ મિડીયામાં વાયરલ કરી પોતે સ્માર્ટ જીઆઈડીસી બનાવવાના પ્રયાસો કરી રહ્યાં હોવાનું આભાષી ચિત્ર ઊભું કરી રહ્યાં છે.અને તેમાં અધિકારીઓ જાણે ગાંધારીની ભૂમિકા ભજવી રહ્યાં હોય એવું લાગે છે.