સુરત: (Surat) શહેરના અડાજણ (Adajan) ખાતે રહેતા વેપારીના (Trader) ગવિયર (Gavier) ગામમાં બે પ્લોટ છે. બંને પ્લોટના 7/12માં ચાલતા નામનો દુરૂપયોગ કરીને મૂળ માલિકે બીજાને વેચાણ કરી દસ્તાવેજ (Document) બનાવી આપ્યા હતા. ડુમસ (Dumas) પોલીસે આ બાબતે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- અડાજણના આદેશ્વર હાઈટ્સમાં રહેતા જયેશ જગીવાલાએ સાળાના મિત્ર ગણેશ મહેતા મારફતે ગવીયર ગામમાં પ્લોટ ખરીદયો હતો
- સુરેશચંદ્ર અને તેમના મોટા ભાઈ વસંત જરીવાલા પાસે પ્લોટ ખરીદી 30 હજાર ચૂકવ્યા હતા, ત્યારે જરીવાલા બંધુઓએ ગણેશ મહેતાને પાવર ઓફ એટર્ની કરી આપી હતી
- પ્લોટમાં મૂળ માલિકનું નામ રેવન્યૂ રેકોર્ડ પર ચાલતું હતું, 2021માં જયેશ જગીવાલાએ રેવન્યૂ રેકોર્ડ ચેક કર્યો ત્યારે ખબર પડી કે આ પ્લોટ સવજી પટેલ અને લક્ષ્મી કોર્પોરેશનને વેચી દેવાયો છે
અડાજણ આદેશ્વર હાઈટ્સમાં રહેતા 68 વર્ષીય જયેશભાઈ પાનાચંદ જગીવાલાએ તેના સાળાના મિત્ર ગણેશ બાલુ મહેતા મારફતે વર્ષ 1994માં ગવીયરગામ સર્વે નં-180/1 વાળી જમીનમાં પાડવામાં આવેલા પ્લોટમાં પ્લોટ નં-103 સુરેશચંદ્ર લાલભાઈ જરીવાલા અને પ્લોટ નં-104 તેના મોટાભાઈ વસંત જરીવાલા પાસેથી ખરીદ્યા હતા. જે તે સમયે આ બંને પ્લોટના 30 હજાર રૂપિયા ચુકવ્યા હતા. જે તે સમયે પ્લોટના મૂળ માલીક જરીવાલા બંધુઓએ ગણેશ મહેતાને 1990માં પાવર ઓફ ઍટની આપી હોવાથી કોઈ વાંધો લીધો નહોતો.
જે તે સમયે મામલતદારે સાત-બારમાં એક-બે નામ દાખલ થઈ શકે નહીં તેમ કહ્યું હતું. સોસાયટીના અન્ય પ્લોટધારકો સાથે સંપર્ક નહીં હોવાથી સાત-બારમાં નામ ચઢાવાનું બાકી રહ્યું હતું. જેથી પ્લોટમાં મૂળ માલિકનું રેવન્યુ રેકર્ડ (Revenue Record) પર નામ ચાલતું હતું. દરમ્યાન જયેશભાઈ 2021માં પ્લોટમાં રેવેન્યુ રેકર્ડમાં નામ ચઢાવવા માટે ગયા ત્યારે તેમને ખબર પડી કે તેની પત્નીનો પ્લોટ સુરેશચંદ્ર જરીવાલાએ સવજી ગોવિંદ પટેલ અને લક્ષ્મી કોર્પોરેશન ભાગીદારી પેઢીને વેચાણ કરી દીધો છે. જેથી તેમના દ્વારા ડુમસ પોલીસ સ્ટેશનમાં સુરેશચંદ્ર જરીવાલા (રહે, સંઘાડીયાવાડ ગોપીપુરા) સામે ગુનો દાખલ કરતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
વિવિધ સ્કીમના બહાને બેંક મેનેજર સહિત ચાર પાસેથી રૂા. 4.47 લાખ પડાવ્યા
સુરત: મેમ્બરશીપના બહાને પૈસા પડાવી ઠગાઈ કરનાર કર્મા રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સ્કીમ મુજબ ફેસિલિટી નહીં આપી બેંક મેનેજર સહિત ચાર પાસેથી કુલ રૂપિયા 4.47 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉમરા પોલિસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ઉમરા પોલિસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ શ્રીજી આર્કેટ પાસે સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય આશિષભાઈ દિપકભાઈ શાહ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ડુમસ રોડ લક્ઝરીયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતા કર્મા રિસોર્ટ ઍન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપનીના એક્ઝિક્યુટિવ તરીકે ઓળખ આપનાર કિંજલ, મેનેજર શાહનવાજે ફોન કરી 11 ફેબ્રુ્આરી 2020માં મેરિએટ હોટલમાં મળવા બોલાવ્યા હતા અને ત્યાં તેમની કંપનીમાં મેમ્બરશીપ બનાવવા માટે વિવિધ લોભામણી સ્કીમ આપી હતી. વિશ્વાસમાં લઈને 1.40 લાખ ભરાવી મેમ્બરશીપ લેવડાવી હતી. આશિષભાઈ ઉપરાંત અન્ય ત્રણ જણા પાસેથી પણ મેમ્બરશીપના બહાને 3.07 લાખ પડાવ્યા હતા. બાદમાં સ્કીમ મુજબની ફેસિલિટી આપવા ઇનકાર કરતા આશિષભાઈ સહિતના લોકોએ મેમ્બરશીપ કેન્સલ કરવાનું કહી પૈસા પરત માંગ્યા હતા. પૈસા પરત નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા પણ આ કંપનીના વતી મેનેજર તરીકે વાત કરનાર વડોદરાના પ્રશાંદ દવેની ધરપકડ થઈ છે.