સુરત: સ્વચ્છતામાં સુરતનો (Clean City Surat) બીજો ક્રમ જાળવી રાખવા માટે મનપા (SMC) દ્વારા કમર કસવામાં આવી છે. તેમાં પણ નવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ (Shalini Agrawal) દ્વારા આ મામલે કડક વલણ અખત્યાર કરવામાં આવી રહ્યું છે. જેમાં ગત તા.3જી ડિસેમ્બરથી મનપાના તમામ ઝોનમાં સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે મનપા દ્વારા સીસીટીવીના માધ્યમથી ગંદકી કરનારાઓને પકડવા માટે અભિયાન શરૂ કરાયું છે. જે લોકો જાહેરમાં કચરો નાંખી રહ્યા છે તેની સામે મનપા તંત્રએ લાલ આંખ કરી છે.
- જાહેરમાં કચરો નાખતાં સીસીટીવીમાં દેખાયા તો દંડ: 2 દિવસમાં 124 ભેરવાયા
- મનપાના ઈન્ટિગ્રેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં કેમેરા દ્વારા વોચ રાખવા ટીમ બેસાડી દેવાઈ
- સેન્ટરમાં જાહેરમાં કચરો ફેંકનારાઓને ફોટા અને વિડીયો થકી કેપ્ચર કરવામાં આવી રહ્યા છે
- ઝોનવાઇઝ સ્કવોડ પણ મુકી દેવામાં આવી, સ્લમ વિસ્તારોમાં 10 દિવસથી ઝુંબેશ ચાલી રહી છે
છેલ્લા 2 દિવસથી 10 લોકોની ટીમ ઈન્ટિગ્રેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસાડાઈ છે. જેઓ 2500 કેમેરાના માધ્યમથી કચરો ફેંકતા લોકોના ફોટો અને વિડીયો લઈ તેઓને ઓળખવા માટે ઝોનમાં ફુટેજ મોકલી રહ્યા છે. આ રીતે 124 લોકોની ઓળખ કરી 2 દિવસમાં 2.84 લાખનો દંડ ગંદકી કરવા બદલ ફટકારાયો છે.
ઝોનલ વડાઓ પણ જોતરાયા, સોસાયટીઓને સેગ્રીગેશન માટે પ્રોત્સાહીત કરવા આયોજન
શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે આરોગ્ય વિભાગની ટીમની સાથે સાથે તમામ ઝોનમાં ઝોનલ ચીફને પણ જવાદારી સોંપવામાં આવી છે. ઝોનવાઈઝ શીડ્યુલ બનાવી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 7 દિવસમાં શહેરમાં કુલ 3000 મેટ્રીક ટન કન્સટ્રક્શન વેસ્ટનો નિકાલ કરાયો છે. દરેક ઝોનમાં 3-4 એમ શહેરમાં કુલ 10 દિવસમાં 500 સ્લમ પોકેટ આવરી લઈ સફાઈ કરવામાં આવી છે. તેમજ આવનારા 15 દિવસમાં શહેરના તમામ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકમાં જે કોઈ પણ સમસ્યા હોય તેને દૂર કરવા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા 10 દિવસમાં 80,000 રનીંગ મીટર વિસ્તારમાં ગ્રાસ કટિંગ, ટ્રિમિંગની કામગીરી કરાઈ હોવાનો દાવો મનપા કમિશનર દ્વારા કરાયો છે. ઉપરાંત સુરત ઈંદોર કરતા સ્વચ્છતામાં પાછળ રહે છે તેનું એક કારણ એ પણ છે કે, શહેરમાં ઘરે ઘરે કચરાનું સેગ્રિગેશન થતું નથી. તેથી દરેક ઝોનમાં હવે 100 સોસાયટી આઈડેન્ટિફાય કરવામાં આવશે અને કુલ 900 જેટલી સોસાયટીમાં સેગ્રિગેશન માટે સોસાયટી જાતે આયોજન કરે તેવુ પ્લાનિંગ સુરત મનપા દ્વારા કરાવામાં આવી રહ્યું છે. 7 થી 8 માસમાં સમગ્ર શહેરમાં સેગ્રિગેશન થવું જોઈએ તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો હોવાનું મ્યુનિ.કમિ.એ જણાવ્યું છે.